"અલ્લાહ ઈચ્છશે તો અમે ટ્રમ્પને મારી જ નાખશું, ઘાતક મિસાઈલ પણ થઈ ચૂકી છે તૈયાર" ઈરાની કમાન્ડરની અમેરિકાને ખુલ્લી ધમકી

  • February 25, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઈરાનથી એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. ઈરાનના ટોપ કમાન્ડરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાની ધમકી આપી છે. આ માટે તેણે 1650 કિમી દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ક્રુઝ મિસાઈલ તૈયાર કરવાનો પણ દાવો કર્યો છે. શુક્રવારે, ઈરાનના ટોચના કમાન્ડર અમિરાલી હાજીઝાદેહે ટ્રમ્પને મારી નાખવાની ધમકી આપતા કહ્યું કે તે ટૂંક સમયમાં જ તેના કમાન્ડરની હત્યાનો બદલો લેશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઈરાનની આ ધમકીએ પશ્ચિમી દેશો અને અમેરિકાની ચિંતા વધારી દીધી છે. જણાવી દઈએ કે 2020માં ઈરાનના તત્કાલિન સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની અમેરિકન ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. જવાબી કાર્યવાહીમાં ઈરાને અમેરિકી સેના પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો.



ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ એરોસ્પેસ ફોર્સના વડા અમિરાલી હાજીઝાદેહે કહ્યું કે ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા તૈયાર છે. એક સરકારી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં અમિરલીએ કહ્યું, 'અમે તે વ્યક્તિને મારવા માટે તૈયાર છીએ જેના આદેશ પર અમારા કમાન્ડર સુલેમાનીની હત્યા કરવામાં આવી હતી. અમે ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બક્ષશું નહીં. 



અમિરલીએ વધુમાં કહ્યું કે, '1650 કિમીની રેન્જ ધરાવતી ક્રૂઝ મિસાઈલ ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના મિસાઈલ શસ્ત્રાગારમાં ઉમેરવામાં આવી છે. 2020માં નિર્દોષ સૈનિકોને મારવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ જ્યારે તેમણે (યુએસ) બગદાદમાં ડ્રોન હુમલો કર્યો અને અમારા સૈન્ય કમાન્ડર સુલેમાનીને મારી નાખ્યા, તો અમારે તેમના પર બેલિસ્ટિક મિસાઈલ ફાયર કરીને બદલો લેવો પડ્યો.'


ઈરાની કમાન્ડરે પોતાના ઈન્ટરવ્યુમાં વધુમાં કહ્યું હતું કે, 'જો અલ્લાહ ઈચ્છશે તો અમે ટ્રમ્પને મારી નાખીશું. જે સૈન્ય કમાન્ડરોએ સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો તેમને મારી નાખવા જોઈએ. આ પહેલા ઈરાનના ઘણા નેતાઓ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની વાત કરી ચૂક્યા છે.
​​​​​​​

રશિયાને ડ્રોન અને મિસાઈલ આપવાના સવાલ પર ઈરાને કહ્યું કે યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું તે પહેલા જ મોસ્કોને ડ્રોન સપ્લાય કરવામાં આવ્યા હતા. આ જ ડ્રોનનો ઉપયોગ રશિયા દ્વારા યુક્રેનમાં પાવર સ્ટેશન અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application