ગઇકાલ સુધી જે પક્ષને ભાંડવાનું બાકી ન રાખ્યું એ પક્ષમાં પ્રવેશ બાદ તેના વખાણ કરતા રાજકારણીઓ શરમાતા પણ નથી: સ્વ.અટલજી અને નરેન્દ્ર મોદી એવા નામ છે જેણે સાબીત કર્યુ કે, વિચારધારા પર અડગ રહેવાથી શું પરીણામ મળી શકે: જામનગરના રાજકારણમાં વિચારધારા નામનું તત્વ છે કે નહીં...?
રાજકારણ... બહુ વિશાળ, અમાપ, કાર્યક્ષેત્ર ધરાવે છે, રાજકારણ એટલે માત્ર રાજકીય પક્ષ બનાવીને સત્તા મેળવી લેવાનું માઘ્યમ નથી પરંતુ રાજકારણ એક ચોક્કસ વિચારધારાને અભિવ્યક્ત કરવાનું માઘ્યમ છે, એક લક્ષ્ય છે, એક તાકાત છે, એક વિચાર છે અને કહો તો સંસ્કાર પણ છે, જેમાં દેશ પ્રેમ સૌથી ઉપર આવે છે અને એજ રીતે માનવીય અભિગમનું પણ તત્વ વધુ પ્રમાણમાં હોવાની આવશ્યક્તા રહેતી હોય છે, રાજકારણ એક એવો વિષય છે કે જેના પર દિવસો સુધી પાના ભરી ભરીને લખીએ તો પણ આ શબ્દના સાચા અર્થને પૂર્ણ રીતે સમજાવી શકાય નહિં, ટુંકમાં એટલું તો ચોક્કસ કહી શકાય કે રાજકારણ અને તેમાં રહેલા રાજકીય પક્ષ એક ચોક્કસ વિચારધારાને આધારીત હોય છે.
હવે આ સંદર્ભમાં વિતેલા બે દાયકા પર નજર કરીએ અને જામનગરના રાજકારણ વિશે મનોમંથન કરીએ તો આઘાતજનક પરિણામ એટલા માટે સામે આવે છે કારણ કે અહિંના રાજકારણમાં એક તો કપડા બદલતા હોય એ રીતે પક્ષ બદલાયા છે, કાલ સવાર સુધી જે પક્ષની નીતીને સરાજાહેર વખોડી એજ પક્ષમાં પ્રવેશ કરીને તેના ગીત ગાવા લાગ્યા છે, એટલે નક્કી જ નથી થતું કે ખરેખર જામનગર જિલ્લાના કે પછી સૌરાષ્ટ્રના અને તેથી આગળ વધીએ તો ગુજરાતના રાજકારણીઓ શું ખરેખર વિચારધારાને વરેલા છે?!
વિચારધારા અને રાજકારણ એટલે શું તેનો નાનકડો દાખલો આપીએ તો ચોક્કસપણે કહી શકાય કે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયી નિર્ભેળ રીતે વિચારધારાને વરેલા હતાં અને આખું જીવન તેને સમર્પિત રહ્યા, આ પછી નરેન્દ્ર મોદી (વડાપ્રધાન) વિચારધારાને વરેલા એક એવા રાજકારણી છે જેણે રાજકારણના ઇતિહાસને જ બદલી નાખ્યો છે, પઘ્ધતિને ધરમૂળથી ફેરવી નાખી છે, રાજકીય પક્ષને કેવી રીતે સંગઠનથી લઇને સરકારમાં કામગીરી કરવી જોઇએ તેનું ઉદાહરણ પુરુ પાડ્યું છે, એટલે જ તેઓ વિચારધારાને વરેલા રાજકારણી છે, એજ રીતે રાહુલ ગાંધી પણ એમની વિચારધારાને વરેલા રાજકારણી માની શકાય, નામમાં પડશું તો ઘણું લાંબી લિસ્ટ તો નહિં થાય પરંતુ વાત લંબાઇ જશે.
દા.ત. નરેન્દ્રભાઇ મોદી રાજકારણમાં આવ્યા એ પૂર્વે સંઘના કાર્યકાળથી એક ચોક્કસ વિચારધારા ધરાવતા હતાં, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પછી પણ એમની વિચારધારા સ્પષ્ટ રીતે બધાને સમજમાં આવી, આથી આગળ વધીને વડાપ્રધાન બન્યા અને હવે કદાચ લોકસભામાં જીતની હેટ્રીક મારીને સતત ત્રીજીવાર વડાપ્રધાન બની શકે છે, જેના ઉજળા સંજોગો છે.
ભાજપની વિચારધારા જયાં સુધી મીડીયાએ સમજી છે ત્યાં સુધી સ્પષ્ટ છે કે આ રાજકીય પક્ષ આઝાદી પછીનો એવો પહેલો રાજકીય પક્ષ છે, જે સ્પષ્ટ રીતે હિન્દુત્વની વાત કરે છે, રાષ્ટ્રવાદ પણ એમના પક્ષના બંધારણમાં એટલું જ મહત્વ ધરાવે છે પરંતુ હિન્દુત્વ એમની સ્પષ્ટ વિચારધારા છે એવું વિતેલા બે દાયકાના રાજકારણ અને તેના આધારે બદલાયેલા સમીકરણ પરથી સ્પષ્ટ થાય છે.
કોંગ્રેસ પક્ષની વિચારધારામાં બિનસાંપ્રદાયીકતા ટોંચ પર આવે છે, તેના આધાર પર જ સ્વ. ઇન્દીરા ગાંધીથી લઇને રાજીવ ગાંધી સુધી, ગાંધી પરિવારના સભ્યોએ વડાપ્રધાન બનવા સુધીનું બહુમાન મેળવ્યું અને એજ વિચારધારાના આધારે હાલમાં રાહુલ ગાંધી સત્તા તરફ જવાનો માર્ગ તૈયાર કરી રહ્યા છે.
વચ્ચેનો સમય એવો હતો કે ભાજપની હિન્દુત્વની લહેર જોઇને રાહુલનું મન પણ એમના પક્ષની મુળ વિચારધારાથી થોડું ભટકી ગયું હતું અને એમણે એકાએક પોતે પણ હિન્દુ હોવાનો દેખાડો શરુ કરીને ધર્મસ્થાનોની મુલાકાતો લેવાનું શરુ કર્યુ હતું પરંતુ, જે કંઇ હોય, હાલના સમયમાં તેઓ ફરી કોંગ્રેસની બિનસાંપ્રદાયીકતાની મુળ વિચારધારા પર આવી ગયા છે અને હવે ન્યાય યાત્રા મારફત પોતે અને એમના પક્ષે મહોબ્બતની દુકાન ખોલી હોવાનો પ્રચાર કરી રહ્યા છે.
ઉપરોકત ટોંચના રાજકારણીઓના નામ અને એમની વિચારધારા માત્ર દાખલો આપવા પુરતી જ અપાઇ છે, જેથી કરીને એકાએક રાજકારણી બની જવાના અભરખા રાખતા નવા નવા નેતા-નેતીઓ એ વાતને સમજે કે રાજકારણ માત્ર શો ઓફ કરવાનું પ્લેટફોર્મ નથી પરંતુ એક ચોક્કસ વિચારધારા પર ચાલવાનો માર્ગ છે, તમે ગમે તે પક્ષમાં હો, તેનાથી કોઇ મતલબ નથી પરંતુ તમારા પક્ષની જે વિચારધારા હોય તેને મજબૂતીથી પકડી રાખીને એજ પક્ષ સાથે જો તમે જોડાયેલા રહો તો જ તમારુ રાજકારણ વિચારધારાને આધિન ગણી શકાય.
હવે આજ સંદર્ભ લઇને ફરી મુળ વાત પર આવીએ તો જોવા મળે છે કે વીતેલા બે દાયકામાં જામનગર જિલ્લાના રાજકારણમાં જબરી ઉછળકુદ જોવા મળી છે, વંડીઓ ઠેકાઇ છે, સત્તા અને તાકાત મેળવવાની લાલસામાં પક્ષ પલ્ટા કરનારાઓને કયારેય કદાચ વિચારધારા યાદ જ નહિં આવી હોય અથવા બની શકે કે રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા એમની કોઇ વિચારધારા જ ન હોય.
જે રીતે કેટલાક મોટા નામ સહિતના રાજકારણીઓ કોંગ્રેસમાંથી ભાજપમાં ભાજપમાંથી કોંગ્રેસમાં કે પછી બીજા કોઇ પક્ષમાં ગયા એમણે એ બાબત ખરેખર પુરવાર કરવી જોઇએ અને એમને મત આપતા લોકોને એ બાબત સ્પષ્ટપણે જણાવવી જોઇએ કે આખરે એમનું રાજકારણ વિચારધારા આધારીત છે કે નહિં?
ભૂતકાળમાં જયારે જયારે વિધાનસભા કે લોકસભાની ચુંટણીઓ આવી ત્યારે ત્યારે રાજકારણીઓના રંગ બદલતા જામનગરના મતદારોએ સારી રીતે જોયા છે, હાલમાં પણ લોકસભાની ચુંટણી માથે છે અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એક એવો પડકાર છે કે તેની સામે રાજકારણના પ્લેટફોર્મ પર એવી જ વ્યક્તિ લડત આપી શકે જે ચોક્કસ વિચારધારા સાથે જોડાયેલી હોય.
કદાચ એટલા માટે જ ફરી પક્ષ પલ્ટા થઇ રહ્યા છે, ભાજપનું ભલુ કરવા કરતા જે કોઇ પોતાના પક્ષની પીઠમાં ખંજર ભોકી રહ્યા છે અથવા અગાઉ ભોકી ચૂક્યા છે એ બધા વર્તમાન સ્થિતીમાં કયા સ્ટેજ ૫ર છે, આજે એમનું સ્થાન કયાં છે એ બાબત જ દર્શાવે છે કે ખરેખર એમનું રાજકારણ વિચારધારાને આધિન નહોતું એટલા માટે જ રાજકારણની ચોપાટમાં એમના પ્યાદા મ્હાત થયાં છે.
સર્વમાન્ય સિઘ્ધાંત છે કે તમે કોઇપણ ક્ષેત્રમાં જાવ, તેના મુળભુત નિયમોનું જો તમે પાલન ન કરો તો ગમે ત્યાંથી ફેંકાઇ જવાની પુરે પુરી ભીતી રહે છે, એજ રીતે રાજકારણ પણ એવું માઘ્યમ છે કે ત્યાં પણ નિયમો આધારીત ચાલવુ પડે છે અને તેમાં સૌપ્રથમ આવે છે એક ચોક્કસ વિચારધારા.
આજના લોકો સમજુ છે, પ્રેક્ટીકલ છે, સુપેરે જાણે છે કે કોણ કેટલા પાણીમાં છે, રાજકારણના જીજ્ઞાસીઓ વિચારધારાની અહિં કહેલી વાતને પોતાના માઇન્ડમાં સેટ કરીને છેલ્લા બે દાયકાના જામનગર જિલ્લાના રાજકારણ પર ફલેશબેકમાં જઇને વિચારો અને પરિણામ મેળવો કે ખરેખર અહીંનું રાજકારણ ચોક્કસ વિચારધારા આધારીત હતું, કે છે?
સ્વ. અટલજીએ સંસદમાં કહેલી વાત ખરેખર એક દ્રષ્ટાંતરુપે આવનારા દાયકાઓ સુધી મુકી શકાશે, ટીવીમાં પણ સમયાંતરે એમના એ ભાષણની ઝલક જોવા મળે છે જેમાં તેઓ એવું બોલ્યા હતાં કે ‘સત્તા સુખ ભોગવવા માટેનું સાધન નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણના ઉત્તરદાયીત્વનું માઘ્યમ છે’.
વિચારધારા કેટલું મહત્વનું પાસુ છે તેનો જીવતો જાગતો દાખલો ભાજપ છે, જયારે સંસદમાં એમની પાસે આંગણીના વેઢે ગણી શકાય એટલા સભ્ય હતાં ત્યારથી પક્ષની વિચારધારા એક જ રહી હતી, એમના ઉપર રહ્યા એટલા માટે આજે તળીયેથી ટોચ સુધી પહોંચી શકયા છે.
જરા વિચાર તો કરો કે કોઇ રાજકારણી વર્ષો સુધી કોંગ્રેસમાં રહે અને આ કાર્યકાળ દરમ્યાન ખુલ્લેઆમ પ્રવચનોમાં-ચર્ચાઓમાં ભાજપની નીતિને ભાંડવાનું કાંઇ બાકી ન રાખે એ જ નેતા એકાએક ભાજપનો ખેસ પહેરીને ભાજપની નીતિના વખાણ કરવા લાગે ત્યારે ગમે તેના મોઢામાંથી નિકળી જાય કે અરે યાર આ કયાં પ્રકારના લોકો છે ? શું એમને શરમ નથી ?
હાલમાં વંડી ઠેકવાની મોસમ છે, પક્ષ પલ્ટા કપડાની જેમ થઇ રહ્યા છે, એટલે વિચારધારાવાળી વાત અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે, જેથી રાજકારણમાં રુચી ધરાવતા, રાજકારણને માનતા, રાજકારણને પસંદ કરતા, રાજકારણને સમજતા, અભ્યાસુ લોકો કમસે કમ નેતાગીરીના કેરેક્ટરને લઇને દૂધનું દૂધ, પાણીનું પાણી કરી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech