કાર પાર્ક કરવા મુદ્દે ઓટો બ્રોકરને માર મારી નાકમાં ફ્રેક્ચર કરી દીધું

  • August 05, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે ઓટો બ્રોકરે દુકાન પાસે કાર પાર્ક કરી હોય દરમિયાન બાજુમાં દુકાન ધરાવનાર પટેલ બંધુ સહિતનાએ આ બાબતે તેમની સાથે ઝઘડો કરી ઢીકાપાટુ અને કડા વડે મારમારી નાકમાં ફ્રેક્ચર કરી દીધું હતું. આ અંગે ઓટો બ્રોકરની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ત્રણેય શખસો સામે મારામારી અને ધમકી અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સાગર રેસીડેન્સી ફ્લેટ નંબર સી-402 માં રહેતા શૈલેષગીરી કાંતિગીરી ગોસાઈ (ઉ.વ 45) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રમિત પટેલ, રવિ પટેલ અને તુષાર પરમારના નામ આપ્યા છે.
શૈલેષગીરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પાંચેક માસથી કુટુંબીભાઈ પરેશ સાથે 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ બાજુમાં રામેશ્વર ઓટો નામે જૂની કાર લે વેચ નું ધંધો કરે છે. ગઈકાલે સાંજના સમયે તેઓ બાલાજી હોલ પાસે હતા ત્યારે ભાઈ પરેશ પરીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી દુકાન સામે પાર્ક કરેલી કારને ટ્રાફિક પોલીસ સીલ મારવા આવી છે. જેથી તેઓ અહીં પહોંચ્યા હતા અને પૂછતા પરેશે કહ્યું હતું કે, આપણી દુકાન નીચે દુકાન ધરાવતા ભગવતી ઓટોમોબાઇલ વાળા પ્રમિત પટેલ સાથે આજે સવારે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી થતા તેને ટ્રાફિક પોલીસને બોલાવીશ તેમ વાત કરી હતી. જેથી શૈલેષગીરી આ પ્રમિત પટેલની આ બાબતે કહ્યું હતું કે અમારી કાર નડતી હોય તો મને કહેવાય પોલીસને બોલાવવાની શું જરૂર હતી?
થોડીવાર બાદ પ્રમિતનો ભાઈ રવિ સફેદ કલરની ક્રેટા કારમાં અને સાથે એક કાળા કલરની વોલવો કારમાં તેનો મિત્ર તુષાર અહીં આવ્યો હતો અને આ ત્રણેય ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગ્યા હતા અને બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન તુષારએ ફરિયાદીને નાક પર કડું મારી દીધું હતું.આ સમયે ફરિયાદીના ભાઈ અને તેના પુત્ર સહિતના વચ્ચે પડતા આ શખસો ચાલ્યા ગયા હતા અને ધમકી આપી હતી કે, હવે ગાડી બાબતે ઝઘડો થશે તો જાનથી મારી નાખીશું. શૈલેષ ગીરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા તેમને નાકમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં તેમણે આ અંગે પટેલ બંધુ સહિત ત્રણે શખસો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application