જામનગર-દ્વારકામાં હોળી-ધૂળેટીના રંગોત્સવની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી

  • March 26, 2024 11:09 AM 

અસત્ય પર સત્યનો વિજય: હોલીકા દહન...
જામનગરમાં ભોઇ યુવક મંડળ દ્વારા શાકમાર્કેટ પાસે યોજાયેલા હોલીકા દહનના કાર્યક્રમમાં હજારો લોકોએ હોલીકાના દર્શન કર્યા હતાં, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર, ડે.મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં, ચીચીયારીઓ સાથે હોલીકા દહન થયું ત્યારે અનેક લોકોએ હોલીકાને પ્રાર્થના કરી હતી, આમ રવિવારે જામનગરમાં હોલીકા દહનનો કાર્યક્રમ ઠેર-ઠેર યોજાયો હતો.
***
જામનગરના દિગ્ગજોએ ઉત્સાહપૂર્વક પર્વ મનાવ્યો: પ્રસિદ્ધ શાક માર્કેટ પાસે યોજાયેલી હોલિકા દહનમાં માનવ મહેરામણ
જામનગરમાં રવિવારે ૩૦૦થી વધુ સ્થળોએ હોલીકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો, ભોઇ યુવક મંડળ દ્વારા શાકમાર્કેટ પાસે યોજાયેલા હોલીકા દહનના કાર્યક્રમમાં હજારો લોકો દર્શન માટે જોડાયા હતાં અને આસ્થાભેર શ્રીફળ, ખજુર, ધાણી, દારીયા ધરીને પૂજન કર્યુ હતું, દ્વારકામાં પણ રવિ અને સોમવારે ફુલડોલ મહોત્સવ રંગભેર ઉજવાયો હતો જેમાં હજારો કૃષ્ણભકતોએ ગોમતીમાં સ્નાન કરીને કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતાં. સમગ્ર હાલાર રંગમયી બની ગયું હતું, આમ બે દિવસ સુધી લોકોએ રજાની મોજ માણી હતી.
***
હોળી પર્વે શેરી રમતનો આનંદ  લેતા પૂનમબેન માડમ
ધૂળેટી પર્વે રંગોના ઉત્સવ સાથે બધી ઉપાધીએ કાંધી પર રાખીને અવનવી રમતો રમવાનો પણ એક રોમાંચક આનંદ હોય છે જામનગર દ્વારકા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ચૂંટણીની ચિંતા છોડીને ધૂળેટી પર્વમાં શેરી રમત કાર્યકર્તાઓ અને નગરજનો સાથે રમ્યા હતા, પૂનમબેન માડમ દ્વારા હોળી-ધૂળેટીના પર્વમાં સૌને ખુશી અને ઉમળકાથી જીવન સભર રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
***
જામનગર શહેરમાં એસપી સહિતનો પોલીસ પરિવાર ધુળેટીના રંગે રંગાયો: ડી.જે.ના તાલ સાથે રાસ રમી રંગોત્સવની કરાતી ઉજવણી

જામનગરમાં ધૂળેટીના પર્વે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા ના પોલીસબેડા માં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં વસવાટ કરતા પોલીસ પરિવારના સભ્યોએ પણ ધૂળેટીનું પર્વ મનાવ્યુ હતું, સતત કામના ભારણને એક બાજુએ મૂકી સૌ કોઈ ધુળેટીના રંગે રંગાયા હતા.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ધૂળેટીનું પર્વ અનેરા ઉત્સાહ સાથે ઉજવાયું હતું. એસ.પી. પ્રેમસુખ ડેલુએ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી, ઉપરાંત જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા અન્ય ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, તેમજ અન્ય પોલીસ સ્ટાફની સાથે એકબીજાને કલર લગાવી ધુળેટીનું પર્વ મનાવ્યું હતું.
 સાથો સાથ  પોલીસ હેડ ક્વાર્ટરમાં વસવાટ કરતા પોલીસ કર્મચારીઓના પરિવારજનો પણ આ ધુળેટીના પર્વ માં જોડાયા હતા, અને એકબીજા પર કલર ઉડાવી, ડીજેના તાલે રાસ રમીને પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
 પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં પાણીનો કૃત્રિમ હોજ બનાવ્યો હતો જેમાં ભૂલકાઓએ એકબીજાને પાણીમાં ખેંચી લઈ ડૂબકી લગાવડાવી ધૂળેટીના પર્વની ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી હતી.એસપી પ્રેમસુખ ડેલૂ તમામ તહેવાર-ઉત્સવ પોલીસ પરિવારની સાથે જ મનાવે છે, અને જુદા જુદા કાર્યક્રમોમાં હિસ્સો બને છે. તે રીતે સતત બીજા વર્ષે પણ ધૂળેટીનું પર્વ સમગ્ર પોલીસ પરિવાર સાથે મનાવ્યું હતું. આથી તમામ પોલીસ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
***
આણદાબાવા સેવા સંસ્થાના આશ્રિત બાળકો અને વડીલો સાથે રંગોત્સવ મનાવતા ધારાસભ્ય દિવ્યેશ અકબરી: બાળકોના આવકારથી ધારાસભ્ય ભાવુક બન્યા: પ્રત્યેકને મીઠાં મોઢા કરાવાયા

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાના દરેક તહેવારોની ઉજવણી ગરીબ અનાથ તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવાર વગેરે સાથે કરતા આવે છે, જેના ભાગરુપે ધુળેટીનું પર્વ જામનગરની આણદાબાવા સેવા સંસ્થા માં અભ્યાસ કરતા મુક-બધીર તથા અન્ય દિવ્યાંગ બાળકો-વડીલોની સાથે રહીને ધૂળેટીનું પર્વ મનાવી પોતાની સંવેદનશીલતા ની અનુભૂતિ કરાવી હતી, આશ્રમમાં રહેતા બાળકોના આવકારથી ધારાસભ્ય દિવ્યેશ અકબરી ભાવુક બન્યા હતા. જેઓની સાથે રંગોત્સવનો પર્વ મનાવ્યા પછી દરેકને મીઠાં મોઢા કરાવાયા હતા.
 ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગત વર્ષે ધુળેટી નું પર્વ દિવ્યાંગ બાળકો સાથે જ ઉજવ્યું હતું, જે પરંપરા આ વખતે પણ ચાલુ રાખી હતી અને સવારે ૧૦.૦૦ વાગ્યે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ધુળેટી મનાવવા માટે પહોંચ્યા હતા, ત્યારે આશ્રમના નાના ભૂલકાઓ એ પ્રણામ કરીને ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું, ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી ખૂબ જ ભાવુક બન્યા હતા, અને પ્રત્યેક બાળકોની સાથે રંગોત્સવ નો પર્વ મનાવ્યો હતો, અને પ્રત્યેક બાળકોના જીવનમાં રંગ ભરવાના પ્રયાસો કર્યા હતા. સાથો સાથ વડીલોના પણ આશીર્વાદ મેળવી તેઓની સાથે રંગોત્સવ મનાવ્યો હતો. ત્યારબાદ સર્વે બાળકો- વડીલો ને મીઠાં મોઢા કરાવ્યા હતા, અને તમામને માટે અલ્પાહાર ની વ્યવસ્થા ગોઠવી હતી.
 આવેળાએ તેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપના અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા, અને આશ્રમના બાળકો વગેરેની ખુશીમાં સામેલ થયા હતા.
***
જામનગરના એમ. પી. શાહ વૃધ્ધાશ્રમના વડીલો સાથે: પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર સહિત તિલક હોળી રમ્યા

જામનગરના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) કે જેઓએ ધૂળેટીનું પર્વ પ્રતિવર્ષની જેમ આ વખતે પણ એમ. પી. શાહ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે તિલક હોળી રમીને ઉજવ્યું હતું.
પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમના પત્ની પૂર્વ કોર્પોરેટર પ્રફુલાબા જાડેજા, તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોની સાથે ગઈકાલે સોમવારે સવારે આઠ વાગ્યે મેહુલ નગર ૮૦ ફુટ રોડ પર આવેલા એમ. પી. શાહ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીનું પર્વ મનાવવા માટે પહોંચ્યા હતા, અને તમામ વડીલો સાથે સમગ્ર પરિવારે તિલક હોળી રમી હતી, અને તમામ વડીલો ના આશીર્વાદ મેળવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેજેઓ વર્ષોથી ધુળેટી નો તહેવાર તેમજ દિવાળી સહિતના તહેવારની ઉજવણી જામનગરના એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં વસવાટ કરતા વડીલોની સાથે જ મનાવે છે. જે પરંપરા આ વખતે પણ જાળવી રાખી હતી, અને તેઓ પરિવાર સહિત વડીલો સાથે ધૂળેટી ના રંગે રંગાયા હતા,અને વડીલો ના જીવનમાં રંગ ભરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે તમામ વડીલોને ભોજન પણ કરાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application