હાલારમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની હરખભેર ઉજવણી

  • August 30, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે દિવસ રક્ષાબંધન હોય લોકોમાં ગડમથલ: સવારે ૧૦:૫૯ થી રાત્રેના ૯:૦૨ સુધી અને ગુરુવારે સવારે ૭:૦૬ સુધી રાખડી બાંધવાનું શુભમુર્હુત: રક્ષાસુત્ર બાંધવામાં કોઇ દોષ નડતો નથી તેવું જયોતિષીઓનું કહેવું: શહેરમાં ઠેર-ઠેર ભૂદેવોએ યજ્ઞોપવિત બદલાવી

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે આજે સવારે ૧૦:૫૯ થી રાત્રીના ૯:૦૨ સુધી રક્ષાબંધન કરવાનો શુભ મુર્હુત છે અને આવતીકાલે સવારે ૭:૦૬ વાગ્યે શુભ મુર્હુત છે ત્યારે બે દિવસ સુધી રક્ષાબંધનનું મુર્હુત હોય લોકો ભારે ગડમથલમાં મુકાઇ ગયા છે, આજે સવારે આર્યસમાજ, સાંઇબાબા મંદિર, રણજીતનગર બ્રહ્મસમાજ, હરસિઘ્ધી માતા મંદિર તેમજ અન્ય સ્થળોએ ભૂદેવોએ નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી, ઠેર-ઠેર જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો અને બહેનોએ પોતાના ભાઇની રક્ષા કરવા માટે રાખડી બાંધી હતી, નર્સિંગ સ્ટાફની બહેનોએ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને રક્ષાસુત્ર બાંધીને શુભઆશિષ આપ્યા હતાં, ગામડાઓમાં પણ રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી થઇ રહી છે, ગઇકાલે મોડી રાત્રી સુધી રક્ષા ખરીદવા માટે બહેનોની પડાપડી જોવા મળી હતી.
આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલવા શાસ્ત્રોકત વિધીથી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, ગાંધીનગર ખાતે આવેલા સાંઇબાબા મંદિરમાં ભૂદેવોએ જનોઇ બદલાવી હતી, આર્યસમાજમાં મોટી સંખ્યામાં લોકોએ જનોઇ બદલાવીને પૂજા વિધી કરી હતી, શ્રી ગોડ મેડતવાડ વાડી પટેલનગર પણ જ્ઞાતિ દ્વારા સમુહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાસ્ત્રોકત વિધીથી ભૂદેવોએ ભગવાનને યાદ કરીને આરાધના કરી હતી. ત્યારબાદ ફળહાર અને જ્ઞાતિ જમણનો કાર્યક્રમ યોજાયો હતો.
રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજે સવારે હરસિઘ્ધી માતાજીના મંદિરના પટાંગણમાં બ્રાહ્મણો દ્વારા પુજા-પાઠ કરીને યજ્ઞોપવિત બદલાવવામાં આવી હતી, જામનગરમાં ઠેર-ઠેર ભૂદેવો દ્વારા યજ્ઞોપવિત ધારણ કરાયું હતું, જ્ઞાતિ મંડળો દ્વારા ચા, નાસ્તો અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, દ્વારકા, ખંભાળીયા, જામરાવલ, ભાટીયા, કલ્યાણપુર, જામજોધપુર, ફલ્લા, કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર સહિતના ગામોમાં ભગવાનને આરાધના કરીને ભૂદેવોએ પ્રાર્થના કરી હતી. સરહદે દેશની રક્ષા કરતા જવાનો માટે પણ જામનગરથી રાખડી મોકલવામાં આવી હતી.
ભારે મતમતાતંર વચ્ચે રાખડી કયારે બાંધવી તે અંગે વિવાદો પણ થયા હતાં, આજે અને કાલે રક્ષાબંધન કરી શકાય તેવું તારણ નિકળ્યું હતું, આજે સવારે ૧૦:૫૯ મીનીટથી રાત્રીના ૯:૦૨ સુધી ભદ્રા એટલે ગુજરાતી પરંપરા પ્રમાણે વિશીષ્ટકરણ છે જયારે તા.૩૧ના રોજ સવારે ૭:૦૬ સુધી રક્ષાબંધન કરી શકાશે, જયોતિષીઓના જણાવ્યા મુજબ રક્ષાસુત્ર બાંધવામાં કોઇ પ્રકારનો દોષ નડતો નથી.
જામનગરમાં ગઇકાલે આખો દિવસ બજારોમાં રાખડી ખરીદવા માટે બહેનોએ ભારે પડાપાડી બોલાવી હતી, આ વર્ષે બજારમાં મોટુ-પતલુ, પીકાચુ, સ્પાઇડરમેન, મીકીમાઉસ, ટવીટ બર્ડ, ટોમ એન્ડ ઝેરી, છોટા ભીમ, ગણપતિ, સાથીયો, મોરપીછ, રાધા-કૃષ્ણનું ચીત્ર, ચંદ્રયાનનું ચીત્ર સહિતની રાખડીઓનું ધોમ વેંચાણ થયું હતું.
ભગવાન દ્વારકાધીશના મંદિરમાં પણ શ્રી કૃષ્ણ ભકતોએ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કર્યા હતાં અને ગોમતી નદીમાં સ્નાન કર્યુ હતું. છેલ્લા બે દિવસથી મીઠાઇની દુકાનમાં તડાકો બોલ્યો હતો અને ૨૦ થી ૨૫ ટકા ભાવ વધારો હોવા છતાં પણ લોકો મીઠાઇ ખરીદી રહ્યા છે. જામનગરની જિલ્લા જેલમાં કેદી ભાઇઓને રાખડી બાંધવા માટે મંજુરી મળી જતાં આજે સવારે ૯ વાગ્યે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો, સમગ્ર હાલારમાં રક્ષાબંધનના તહેવારની હરખભેર ઉજવણી થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application