હાપા યાર્ડ મગફળી, કપાસથી ઉભરાયું: ૫૦ હજારથી વધુ મણ આવક નોંધાઇ

  • December 12, 2023 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેપારીઓ દ્વારા ડુંગળી નિકાસ બંધનો કરાયો વિરોધ: જામખંભાળીયા, જામજોધપુર યાર્ડ પણ જણસથી છલકાયું

હાપા યાર્ડ તથા સમગ્ર હાલારના યાર્ડોમાં કપાસ, મગફળી લસણ ડુંગળીની ભરપૂર આવક કારતક માસમાં  થઈ રહી છે, જામખંભાળીયા,હાપા યાર્ડમાં મગફળીની આવકને હાલ પુરતી બ્રેક મારી દેવામાં આવી છે. ગઈકાલે હાપા, જામજોધપુર, જામખંભાળીયા સહિતના યાર્ડોમાં ખુલતી બજારે વાહનોના થપ્પા લાગી ગયા હતા.કપાસ મગફળીની પુષ્કળ આવક થવા પામી હતી.
ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવતા ખેડૂતો વેપારીઓ દ્વારા દરેક યાર્ડોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.હાપા યાર્ડમાં વેપારીઓ દ્વારા વિરોધ સ્વરુપે લેખીત આપીને આવક બંધ કરવામાં આવી છે.
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ડુંગળીના ભાવ તળીયે પહોંચી ગયા છે જેથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે ખેડૂતો, વેપારીઓ દ્વારા પ્રતિબંધ હટાવવા માંગણી કરવામાં આવી છે.
સોમવારે હાપા યાર્ડમાં કુલ ૬૪૨૫૭ મણ જણસની આવક નોંધાઇ હતી,જે પૈકી ૫૦૦૬૩ કપાસ અને મગફળીની જ નોંધાઈ હતી,કપાસ ૨૯૭૫૦ મગફળી ૨૦૩૧૩ મણ થઈ હતી હાપા યાર્ડમાં મગફળીની આવક પર રાબેતા મુજબ રોક લગાવી દેવામાં આવી છે.કાલાવડ યાર્ડમાં દલાલ દ્વારા કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાથી યાર્ડ રોષપૂર્ણ બંધ છે.
જામનગર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં ૨૯૭૫૦ મણ મગફળી ઠલવાતા નવી આવક બંધ કરવામાં આવી છે. ૨૦૩૧૩ મણ કપાસ ઠલવાયો હતો. ૯૧૧ ખેડૂત આવતા જુદી-જુદી ૬૪૨૫૭ મણ જણસ આવી હતી. હરાજીમાં જીરૂનો રુા.૭૬૫૦, સૂકા મરચાનો રુા.૪૨૩૦ ભાવ બોલાયો હતો. જામનગર યાર્ડમાં સોમવારે ઘઉંની ૬૭૩, મગની ૧૧૮, અડદની ૨૦૫, મઠની ૩૫, ચણાની ૫૧૫, અરેંડાની ૩૨૮, તલની ૪૨૩, રાયની ૨૨૩, લસણની ૬૧૦૨, જીરૂની ૬૯, અજમાની ૧૧૬૩, ધાણાની ૩૮૦, સૂકા મરચાની ૮૦૦, સૂકી ડુંગળીની ૨૫૬૩, સોયાબીનની ૩૩૩ મણ આવક થઇ હતી. હરાજીમાં ઘઉંના રુા. ૫૮૪, મગના રુા. ૧૮૭૫, લસણના રુા. ૩૩૨૫, સૂકા મરચાના રુા. ૪૨૩૦ ભાવ બોલાયા હતાં.
ખંભાળીયા માર્કેટીંગ યાર્ડમાં મગફળીના ઊંચા ભાવ મળતા આજે વહેલી સવારથી બન્ને બાજુ એક એક કિમી વાહનોની કતારો લાગી હતી, અને ચિક્કાર થઈ જતાં યાર્ડમાં આવક બંધ કરવી પડી છે. ખંભાળીયા માર્કેટીંગ યાર્ડમાં ૧૪૦૦ રૃપિયા જેટલો ઊંચો ભાવ મળતો હોય આજે સવારથી બન્ને તરફ એક દોઢ કિ.મી. ની મગફળીના વાહનોની કતારો સાથે વિસેક હજાર ગુણી મગફળીની આવક થતાં સમગ્ર માર્કેટીંગ યાર્ડ ચિક્કાર થઈ ગયું હતું. યાર્ડમાં મગફળી ઉપરાંત કપાસ તથા અન્ય ચીજોની પણ આવક હોય મગફળી આટલી એક જ દિવસમાં આવતા આખું યાર્ડ ભરાઈ જતાં યાર્ડના સેક્રેટરી ભાવેશભાઈ જોગલ દ્વારા ૧૧-૧૨-૨૩ થી જ્યાં સુધી નવી જાહેરાત ના થાય ત્યાં સુધી મગફળીની આવક ના કરવા સૂચના પણ આપવામાં આવી છે. સવારથી બન્ને તરફ એક દોઢ કિ.મી. સુધી મગફળી લઈને ટ્રેકટર ટ્રક, ટેમ્પો સાથે ના વાહન ચાલકો સાથે ખેડૂત્ આવી જતાં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું તથા મગફળીની આવક બંધ કરવા ફરજ પડી હતી. ખૂબ જ સારા પાકને લીધે મગફળીનું પુષ્કળ ઉત્પાદન-વાવેતર થતાં મગફળીની બમ્પર આવક શરૃ થઈ છે.
જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં સારા ભાવો મળતા હોય કપાસ મગફળી વહેંચવા વિવિધ તાલુકામાંથી ખેડુતો મગફળી કપાસ વહેંચવા જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે મગફળી કપાસ વહેંચવા ખેડુતોના વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. મગફળીની ૨૫૦૦૦ ગુણીની આવક થવા પામી છે ખેડુતોને અગવડતા ન પડે તે માટે માર્કેટીંગ યાર્ડ તંત્ર દ્વારા સુચારું વ્યવસ્થા ગોઠવાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application