જામનગરમાં જોવા મળતી હાલારી ગધેડીની દૂધની કિંમત છે ૧૫૦૦૦ રૂપીયા પ્રતિ લીટર સુધી

  • February 11, 2025 12:36 PM 

જામનગર અને દ્વારકામાં ખાસ પ્રકારના હાલારી ગધેડા-ગધેડી જોવા મળે છે. તેના દૂધની કિંમત ૧૫૦૦૦ રૂપિયા પ્રતિ લીટર સુધી છે, પરંતુ હવે આ હાલારી ગધેડી-ગધેડા લુપ્ત થવા જઈ રહ્યાં છે


જો કે આજકાલ ગધેડા-ગધેડી શબ્દોનો ઉપયોગ માત્ર કોઈની મજાક ઉડાવવા માટે જ કરવામાં આવે છે, પરંતુ જો આપણે ગુજરાતના અને ખાસ કરીને જામનગરના હાલારની વાત કરીએ તો હાલારી ગધેડી પોતાનામાં એક ખૂબ જ અલગ અને કિંમતી પ્રાણી છે. સામાન્ય રીતે ગધેડા-ગધેડીનો ઉપયોગ સામાન વહન કરવા માટે કરવામાં આવે છે પરંતુ જો હાલારી ગધેડીનું નામ આવે જે ખાસ કરીને જામનગર અને દ્વારકામાં જોવા મળે છે તો તેની કિંમત લાખો રૂપિયામાં છે. તેનું કારણ છે હાલારી ગધેડીનું દૂધ. જેની કિંમત હજારો રૂપિયા પ્રતિ લીટર હોય છે.

​​​​​​​


તેનું દૂધ આટલું મોંઘું કેમ છે

હાલારી ગધેડીનું દૂધ ૭૦૦૦ રૂપિયા થી લઈને ૧૫૦૦૦ રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાય છે. કારણ કે હાલારી ગધેડીનું દૂધ અત્યંત પૌષ્ટિક હોય છે, તેથી જ તે તબીબી રીતે ખૂબ જ દુર્લભ અને સૌથી વિશેષ પ્રવાહી છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ વધારે માત્રામાં હોય છે જે તેને અનેક પ્રકારની બીમારીઓ સામે લડવામાં અસરકારક બનાવે છે. તે ત્વચા માટે અમૃતથી ઓછું નથી, તે ત્વચાના રોગોથી પણ બચાવે છે. તેમાં કુદરતી એન્ટિ-એજિંગ અને ઘણા ઔષધીય તત્વો હોય છે. મતલબ કે તેનો ઉપયોગ કરીને વધતી ઉંમરની અસરને રોકી શકાય છે. 


હાલારી ગધેડીના દૂધનો ઉપયોગ મોટી ફાર્મા અને કોસ્મેટિક કંપનીઓ દવા અને કોસ્મેટિક ઉત્પાદનો બનાવવામાં કરે છે, જેમાં મુખ્યત્વે સાબુ, લિપ બામ, બોડી લોશન તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, હાલારી ગધેડીનું દૂધ બ્લડ સુગર અને રક્ત પરિભ્રમણ જેવા રોગોની સારવારમાં પણ અત્યંત અસરકારક છે.


એવી દંતકથા છે કે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા જે ખૂબ જ સુંદર હતી, તે હાલારી ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી અને આ દૂધ પીતી પણ હતી. આ કારણોસર, તેણી મૃત્યુ સુધી આશ્ચર્યજનક રીતે સુંદર હતી. ઘણી કંપનીઓ હાલારી ગધેડીના દૂધનો ઉપયોગ કરીને ચોક્કસ કોસ્મેટિક ઉત્પાદનો બનાવે છે. જેમાં સાબુ, સ્કિન જેલ અને ફેસ વોશ બનાવવામાં આવે છે. તેમાં એવા તત્વો છે જે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને કરચલીઓ અટકાવે છે.


નવી જાતિઓની નોંધણી માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદની નોડલ એજન્સી નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ એ હાલારી ગધેડા-ગધેડીને સ્વતંત્ર જાતિનો દરજ્જો આપ્યો છે. એક સંશોધકે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી કેટલાક વર્ષોમાં આ જાતિ લુપ્ત થઈ જશે અને એવું જ થઈ રહ્યું છે. હવે આ હાલારી ગધેડા-ગધેડીઓ સામાન્ય રીતે જામનગરમાં જોવા મળતા નથી. થોડા સમય પહેલા જ રાજસ્થાનના વેપારીઓએ બાકીના હાલારી ગધેડા-ગધેડીને જામનગરથી ઉંચા ભાવે ખરીદ્યા હતા અને પોતાની સાથે રાજસ્થાન લઈ ગયા હતાં.


નવાઈની વાત તો એ છે કે જામનગર અને તેના રહેવાસીઓને હાલારી ગધેડીનું મહત્વ પણ ખબર નથી, જેના દૂધ માટે આખી દુનિયા પાગલ છે અને જેના દૂધ માટે મોટી મોટી કંપનીઓ માંગેલી કિંમત ચૂકવવા તૈયાર છે. ધીમે ધીમે હાલારી ગધેડા-ગધેડીની આ પ્રજાતિ લુપ્ત થઈ રહી છે, જે થોડાક હાલારી ગધેડા-ગધેડી બાકી હતા તે પણ અન્ય રાજ્યોમાંથી વ્યાપારી અમે તેમને અહીંથી ખરીદીને  સાથે લઈ જઈ રહ્યા છીએ. કાં તો કોઈ બિઝનેસમેન તેમને ખરીદી રહ્યા છે અથવા તો મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ. હાલારના નાનાભાઇ ભારવાડે જણાવ્યું કે, ગધેડીના સારા પૈસા મળ્યા એટલે અમે તે વેપારીને વેંચી નાખી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application