કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં જામનગરના એસપીને તુરંત કાર્યવાહી કરવા હાઇકોર્ટનો નિર્દેશ

  • July 04, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાઇકોર્ટે પોલીસ રીપોર્ટ અંગે અસંતોષ વ્યક્ત કર્યો: બ્રિટીશ શાસનની ત્રણ દાદાની કહેવત હતી, પરંતુ હવે કેસમાં કાયદાનું શાસન પ્રવર્તી રહ્યું છે

કાલાવડ ગામે ભાયુભાખરીયા ગામે સ્થાનિક ખેડૂતોની જમીનમાં કોઇપણ મંજુરી વિના જેટકો કંપની દ્વારા વીજપોલ વિવાદમાં ખેડૂત પરિવારના સગીરને ઉઠાવી જઇ બેરહમીથી માર મારવાના કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં ગુજરાત હાઇકોર્ટ જામનગર ડીએસપી આ સમગ્ર મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરવા કડક નિર્દેશ કર્યો હતો.
જસ્ટીસ સમીર જે. દવેએ હાઇકોટ ‚બ‚ હાજર રહેલા એસપી પ્રેમસુખ ડેલુને ચીમકી આપતા જણાવ્યું હતું કે, જો તમે આ કેસમાં તાત્કાલિક પગલાં નહીં લો તો અદાલત તેની રીતે હુકમ કરશે. સગીરને બેરહમીથી માર મારવાનો આ બહુ ગંભીર અને સંવેદનશીલ કેસ છે અને અદાલત આ મામલે બહુ ગંભીર છે. એક તબક્કે હાઇકોર્ર્ટે પીડીત સગીરને પોલીસના ખિસ્સામાંથી વળતર અપાવવાની વાત પણ ઉચ્ચારી હતી.
હાઇકોર્ટે ગઇકાલે કોર્ટમાં સગીરને માર મારનાર પોલીસ કર્મચારીઓ-અધિકારીઓનો જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટીસ સમીર જે. દવેએ અદાલત સમક્ષ ‚બ‚ હાજર રહેલા પ્રેમસુખ ડેલુને સીધો સવાલ કર્યો હતો કે, કાયદામાં ક્યાં લખ્યું છે કે, આ પ્રકારે સગીરને માર મારવાની પોલીસને સત્તા છે ? તમે બતાવો ? તમે સગીરની માતાની ફરિયાદ જે તે પોલીસમથકના પીઆઇને મોકલી આપી એવો સવાલ કરો છો પરંતુ આ પીઆઇ પણ આ કસ્ટોડિયલ ટોર્ચરના પ્રકારમાં સંડોવણી પૂરાવતા હોવાનું મનાય છે તો તમે તેને કેવી રીતે તપાસ આપી શકો ?
જસ્ટીસ સમીર જે. દવેએ એક તબક્કે પોલીસ તંત્રને ઉદેશીને એવી પણ બહુ માર્મિક ટકોર કરી હતી કે, જુઓ, બ્રિટીશ શાસન વખતે એવી કહેવત હતી કે, ત્રણ દાદા છે. એક ગણપતિ દાદા, બીજા હનુમાનજી દાદા અને ત્રીજા પોલીસ દાદા પણ હવે સમય બદલાયો છે. દેશ આઝાદ થઇ ચૂક્યો છે અને સ્વતંત્ર ભારતમાં અત્યારે બંધારણ અને કાયદાનું શાસન પ્રવર્તી રહ્યું છે તેથી પોલીસ હવે કાયદો હાથમાં લઇ શકે નહીં. હાઇકોર્ટે સરકાર પક્ષને પણ વેધક સવાલ કર્યો હતો કે, પોલીસે કઇ સત્તા હેઠળ સગીરને બેસહમીથી ઢોર માર માર્યો છે તેનો ખુલાસો કરો અને સ્પષ્ટ જવાબ આપો, જો કે પોલીસ અને સરકારપક્ષ હાઇકોર્ટની આ પૃચ્છાઓ કોઇ જવાબ આપી શક્યા ન હતા.
જસ્ટીમ સમીર દવેએ સગીરને માર માર્યાના ફોટા તમે જોયા છે એવો સવાલ કરી પોલીસ અને સરકારપક્ષને જણાવ્યું કે, તમે આ ફોટા જોયા ? સગીર અને ફરિયાદી મહિલાના દિયરને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે અને આવો જે ચોક્કસ ભાગો પર માર મારવામાં આવ્યો છે તે માત્ર પોલીસ જ મારી શકે, બીજા કોઇને આવું આવડે નહીં. એટલે સમગ્ર મામલામાં ઢાંકપિછાડો કરવાનો સહેજપણ પ્રયાસ કરશો નહીં. હાઇકોર્ટે જામનગર ડીએસપીને આ સમગ્ર મામલે તાત્કાલિક પગલા લેવા નિર્દેશ કર્યો હતો. સાથે સાથે અરજદાર પીડિત પરિવાર સામે કોઇપણ કાર્યવાહી કરવા સામે સ્ટે ફરમાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application