સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું

  • November 07, 2024 10:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ઔદ્યોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજીની જરૂરિયાત ઉભી થાય છે. આ સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતને પહોંચી વળવા, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧માં “ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન” ને મંજૂરી આપી હતી. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ.76,000 કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે.


ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ 2020માં 15 અબજ ડોલરનું હતું, જે વર્ષ 2026 સુધીમાં 400 ટકાથી વધુની હરણફાળ સાથે 63 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "વિકસિત ભારત@2047" ના વિઝનને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે દેશમાં સૌપ્રથમ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી - વર્ષ 2022 થી 2027 લોન્ચ કરી છે. આ પોલિસીના સરળ અને શ્રેષ્ઠ અમલીકરણ માટે એક સમર્પિત “ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન” ની સ્થાપના કરીને ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ પ્રોત્સાહન આપવા તરફ હરણફાળ ભરી છે.


દેશમાં સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અગાઉ સાણંદ ખાતે રૂ.22,500 કરોડથી વધુની કિંમતના માઈક્રોન કંપનીના સેમિકંડક્ટર ATMP પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, ધોલેરા સેમિકોન સિટી ખાતે રૂ. 91,000 કરોડથી વધુના ખર્ચે ભારતના પ્રથમ કોમર્શિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-એનેબલ્ડ સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) અને ટાઈવાનની કંપની PSMC દ્વારા કરવામાં આવશે. સાણંદ જી.આઈ.ડી.સીમાં કુલ રૂ.7,500 કરોડથી વધુના પ્રોજેક્ટ ખર્ચ સાથે સીજી પાવર અને રેનેસાસ કંપની દ્વારા સેમિકંડક્ટર OSAT ફેસિલિટીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટને પણ સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે, આ પ્લાન્ટ દ્વારા રૂ.3,300 કરોડના રોકાણ સાથે અંદાજે 60 લાખ ચિપનું પ્રતિદિન ઉત્પાદન કરવામાં આવશે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર એકમો દ્વારા કરવામાં આવેલ રોકાણના ફળસ્વરૂપે રાજ્યમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીઓનું સર્જન થશે. આ એકમોનું નિર્માણ નોંધપાત્ર રીતે ભારતને સેમિકન્ડક્ટર ચિપની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે તેમજ ઓટો, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ અને ટેલિકોમ જેવા સંબંધિત ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે. 


આ પ્રોજેક્ટ્સ થકી રાજ્યમાં 53,000થી વધુ નવી રોજગારીનું થશે સર્જન

સેમિકન્ડક્ટર ઉદ્યોગોને મૂડી ખર્ચ તેમજ સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપિત કરવામાં ગુજરાત સરકાર સતત સહાયરૂપ બની રહી છે. ભારત સરકાર દ્વારા આવા સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન એકમોને પૂરી પાડવામાં આવતી મૂડી ખર્ચ સહાય ઉપર રાજ્ય સરકાર દ્વારા આ સહાયના 40 ટકા વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીનું એક વખતનું 100 ટકા વળતર આપવામાં આવશે. સાથે જ વૈશ્વિક સ્પર્ધાત્મક દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠામાં પણ રૂ.૨ પ્રતિ યુનિટની સબસિડી, રૂ.12 પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાના પાણીની સુવિધા તેમજ વીજળી ડ્યુટીમાંથી મુક્તિ જેવાં વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતના ધોલેરાને “સેમિકોન સિટી” તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ખાતે સ્થપાનાર સેમિકન્ડક્ટર યુનિટને કેટલાક વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News