ગુજરાત સરકારમાં ૨૦૩૩ સુધીનું ભરતી કેલેન્ડર તૈયાર, જાન્યુઆરી'૨૪થી અમલ

  • October 19, 2023 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી હજારો જગ્યાઓ પર નવી ભરતી કરવા માટે રાજય સરકારે આગામી દસ વર્ષ માટે એટલે કે ૨૦૨૪ થી ૨૦૩૩ના વર્ષેાનું ભરતી કેલેન્ડર બનાવવાનો નિર્ણય લીધો છે, જેના આધારે ખાલી જગ્યા હશે ત્યાં નવી ભરતી કરવાની રહેશે.જો કે રાજયમાં પ્રતિવર્ષ ૧૫૦૦૦ થી ૧૭૦૦૦ જેટલા કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે તેથી સરકાર જે ભરતી કરી રહી છે તે ઓછી છે તેથી સરકારને દર વર્ષે કરાર આધારિત કે કોન્ટ્રાકટ પદ્ધતિથી કર્મચારીઓ લેવાની ફરજ પડે છે. વર્ષે ૧૫ હજાર કર્મચારીઓ નિવૃત્ત થતાં હોય તો ૧૦ વર્ષે તેની સંખ્યા ૧.૫૦ લાખ જેટલી થવા જાય છે.


રાજય સરકારે અગાઉ ૨૦૧૪માં ભરતી કેલેન્ડર બનાવ્યું હતું જે ડિસેમ્બર ૨૦૨૩માં પૂર્ણ થઇ રહ્યું છે તેથી આવનારા ૧૦ વર્ષ માટેનું આ નવું કેલેન્ડર છે. એટલે કે ૨૦૨૩ થી ૨૦૩૩ સુધી રાયના વહીવટી વિભાગોમાં ભરતી કરવા માટેનો ચોક્કસ સમયબદ્ધ કાર્યક્રમ બનાવવામાં આવશે.આ નિર્ણયના અનુસંધાને સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ અને નાણા વિભાગ (ખર્ચ) સચિવ કક્ષાએ તમામ વહીવટી વિભાગો સાથે નવું ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા અગાઉ અનેક બેઠકો યોજવામાં આવી છે. હવે પ્રત્યેક વહીવટી વિભાગને ભરતીનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે સચિવાલયના વિભાગોમાં તો ભરતી કેલેન્ડર બનાવવામાં આવ્યું છે પરંતુ પંચાયતની નોકરીઓ તેમજ શિક્ષકોની ભરતી માટે કોઇ ચોક્કસ આયોજન કરવામાં આવ્યું નહીં હોવાથી જિલ્લાની કચેરીઓમાં કર્મચારીઓની ઘટ જોવા મળે છે, યારે નિવૃત્ત થતાં શિક્ષકોના સ્થાને સરકારે સહાયકોની નિમણૂક કરવી પડી રહી છે.


આઈએએસ– આઈપીએસ કેડરમાં પણ ઘટ
કેન્દ્ર સરકારે ગુજરાતને ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ નહીં આપતાં ગુજરાતમાં આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની પણ ઘટ વર્તાઇ રહી છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ૮૫થી વધુ આઇએએસ અધિકારીઓની ઘટ છે યારે ૬૩થી વધુ આઇપીએસ અધિકારીઓની અછત જોવા મળે છે. આ જગ્યાઓ હંગામી કે કરાર આધારિત પોસ્ટીંગથી ભરી શકાતી નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application