ગુજરાત સરકારે લેખિતમાં સ્વીકાર્યું- પોલીસ ફરિયાદ લેતી નથી, અધિક ગૃહ સચિવનો તમામ FIR તાત્કાલિક નોંધવા આદેશ

  • December 31, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષોથી ઊઠતી પોલીસ ફરિયાદ ન લેવાની વાત હવે સાબિત થઈ ચૂકી છે. ગુજરાત સરકારે લેખિતમાં સ્વીકાર્યું છે કે, પોલીસ ફરિયાદ લેતી નથી. આ મામલે 27 ડિસેમ્બર 2024ના રોજ અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે તમામ એસપી અને પોલીસ કમિશનરને ચાર ફકરાનો પત્ર લખ્યો હતો. બાદમાં હવે સરકારે આ વાતને ગંભીરતા લીધી છે.


નાગરિકોને હાલ ફરિયાદ માટે પોલીસને અરજીઓ કરી આજીજી કરવી પડી રહી છે. પોતાના પોલીસ મથકમાં ગુનાખોરીનો આંક વધે નહિ એની દરકારમાં ફરિયાદ નહીં લેવાનો પોલીસ કાયમ આગ્રહ રાખતી હોય છે. ગુનેગારો અને અસામાજિક તત્ત્વોની હિંમત વધી રહી છે. ગુનાખોરીનો આંક ઓછો દર્શાવવા માટે કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે ઉદાસીનતા દાખવે છે.


તાજેતરમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવતી હોવા અંગે SWAGAT કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી. આ લોકરજૂઆતને પગલે સરકારે લેખિતમાં સ્વીકાર્યું કે પોલીસ ફરિયાદ લેતી નથી. અધિક ગૃહ સચિવ એમ.કે. દાસે આ અંગે તમામ એસપી અને પોલીસ કમિશનરને લખેલા પત્રમાં લખ્યું છે કે, ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો ફરિયાદ નહીં નોંધવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.


અધિક મુખ્ય સચિવે પત્રમાં શું શું લખ્યું?
એફઆઈઆર ન નોંધવા પર અસરકારક દેખરેખનો અભાવ ધરાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓના બિન-ગંભીર વલણ અંગે ઉચ્ચ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છે અને સાચા અરજદારોને હેરાન કરવામાં આવે છે, તેની ફરિયાદ વણઉકેલાયેલી રહે છે. તાજેતરના SWAGATમાં પણ, એવું જણાયું હતું કે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની હિમાયત કરી રહ્યા હતા, જાણે કે તેઓ સાચા ફરિયાદીને બદલે અન્ય પક્ષનો બચાવ કરતા હોય.


26/12/2024ના રોજ યોજાયેલા તાજેતરના SWAGATમાં વાત સામે આવી હતી, એ સંબંધિત તમામ CPs/SPs કે જેમની SWAGAT દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી, એ તમામ મુદ્દે FIR નોંધશે અને આજે જ આ ઓફિસને જાણ કરશે.


સ્વાગત-2.0
ગુડ ગવર્નન્સ ડે પર, માનનીય મુખ્યમંત્રી એ SWAGAT-2.0 ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કર્યો છે, આથી તમામને ફરિયાદના નિકાલ માટે સમયમર્યાદાનું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે. SWAGAT-2.0 એસ્કેલેશન મેટ્રિક્સ ધરાવે છે અને જો એને યોગ્ય સ્તરે ઉકેલવામાં નહીં આવે, તો એ આપમેળે વધશે, આથી તમામ વરિષ્ઠ અધિકારીઓને આપેલા સમય મેટ્રિક્સની અંદર ફરિયાદનું તાત્કાલિક ધ્યાન રાખવા સૂચના આપવામાં આવે છે.

હું તમામ CPs/SPsને વિનંતી કરું છું કે સમયમર્યાદામાં તમામ ફરિયાદોનું અસરકારક અને યોગ્ય રીતે નિવારણ કરવામાં આવે, તમામ FIR તાત્કાલિક નોંધવામાં આવે, કેસોની તપાસ કરવામાં આવે અને કાયદા અનુસાર નિકાલ કરવામાં આવે. એફઆઈઆર નોંધવામાં હેતુપૂર્ણ વિલંબના કોઈપણ દાખલાને ગંભીરતાથી જોવામાં આવશે અને કડક પગલાં લેવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application