તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ગુજરાત સરકારનો નિર્ણય, ખેડૂતો ૩થી ૨૦ ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે

  • January 29, 2025 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા આશયથી કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી ૩ થી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.


ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ ૨૦૬ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. 


કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે, ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં તુવેર પકવતાં ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલા જ તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો નિશ્ચિત થઈને તુવેર સહિતના પાકોનું મબલખ વાવેતર કરી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application