સલાયામાં ઠેર-ઠેર કચરાના ઢગલાં: લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં

  • November 23, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના પાણીની કોઇ કામગીરી ન કરાતા લોકોમાં ઉગ્ર રોષ: ગમે ત્યારે રોગચાળો ફાટી નિકળવાની શકયતા: તાત્કાલીક સફાઇની જરુર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં સફાઈ અને સ્વચ્છતા બાબતે સલાયા નગરપાલિકા તદન નિષ્ફળ ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે સલાયામાં ઠેર-ઠેર કચરાના ઢગલા પડ્યા રહે છે અને ભૂગર્ભ ગટરના પાણીની નદીઓ સલાયામાં વહે છે. જ્યાં જોઇએ ત્યાં ભૂગર્ભ ગટર ઉભરાયેલી જોવા મળે છે. ઠેર-ઠેર કાદવ કિચળ થઈ ગયા હોઈ મોટો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. સલાયાના બારલા વાસમાં આવેલ જીરાન(કબ્રસ્તાન) પાસે તો ઘણા સમયથી આ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. અહી કચરાના પણ ઢગલા એમનેમ પડ્યા છે.
સ્થાનિક લતાવાસીઓ દ્વારા અનેક રજૂઆત છતાં આં પ્રશ્નનો કાયમી નિકાલ થતો નથી. કબ્રસ્તાનમાં મુસ્લિમ લોકો પોતાના સ્વજનની કબર ઉપર ફૂલ ચડવાવા જાય છે. ત્યારે આ ભૂગર્ભ ગટરના ઉભરાયેલા અસ્વચ્છ પાણીનાં લીધે એમને ભારે તકલીફ પડે છે તેમજ સલાયાના મુખ્ય વિસ્તાર જેવાકે જુમ્મા મસ્જિદ ચોક, શહીદી ચોક, જીન વિસ્તાર,પોલીસ સ્ટેશન પાસે, લોહાણા બોર્ડિંગ પાસે, ખારા નાકો, કસ્ટમ રોડ જેવા અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી લોકોને ભારે મુશ્કેલી ઊભી થાય છે.
આ અસ્વચ્છ પાણીના લીધે સલાયામાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. નગર પાલિકા દ્વારા તુરંત આ ભૂગર્ભ ગટરના પ્રશ્ને કાયમી નિકાલ થાય અને ગ્રામજનો શાંતિથી રહી શકે એ માટે પગલાં ભરવા ઘટે. સરકાર જ્યારે સ્વચ્છ ભારતના બણગા ફૂકે છે ત્યારે સ્વચ્છતા બાબતે સલાયા નગર પાલિકા તદન નિષ્ફળ ગઈ છે. આ બાબતે તુરંત યોગ્ય પગલાં ભરવા લોક માંગણી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application