નાના આસોટા ગામે જાતર (મેળા) માં જામેલો જુગાર

  • September 17, 2024 11:34 AM 

જુદી જુદી છ ફિલ્ડ પર પોલીસ ત્રાટકી: 22 જુગારીઓ ઝબ્બે


ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા સ્થળોએ છ ફિલ્ડમાં રમાતા જુગારમાં 22 શખ્સોને ઝડપી લઇ ગુના નોંધાયા હતા.


ખંભાળિયા નજીક આવેલા નાના આસોટા ગામે વર્ષે ભાદરવા મહિનામાં વાછરા ડાડાના મેળા (જાતર)નું આયોજન કરવામાં આવે છે. અહીં નાના આસોટા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલા જાતર (મેળા)ના આયોજન દરમિયાન અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.


ગઈકાલે સોમવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા આ જાતરમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે જુદા જુદા ફિલ્ડમાં જુગાર રમતા સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છ સ્થળોએથી 22 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.


આ સ્થળે બે ફિલ્ડમાંથી અશ્વિન અરજણ પરમાર, દુલા દેવા જામ, અરજણ સવદાસ સિંધવ, જીવન લાલજી મકવાણા, ભીમા કરસન ભુંડિયા, કિશોર મેઘા બથવાર અને કિશોર મોહન ઓળકીયા નામના સાત શખ્સોને કુલ રૂપિયા 21,950 ના મુદ્દામાલ સાથે જ્યારે દેશુર નારુ હરગાણી, ખેરાજ બલુ પતાણી, ગોવિંદ સોમા ચૌહાણ, બહાદુરસિંહ હમીરજી જાડેજા, ભરત પરબત મકવાણા, ઈમ્તિયાઝ ઉમર રૂંજા, રમેશ રજાક કાપડી, ભરત નાનજી ડગરા, મના ઝુમા પરમાર, જીતુ નથુ ગોહિલ અને દિનેશ સિદિક ચૌહાણ નામના 11 શખ્સોને પોલીસે રૂપિયા 12,970 ના મુદ્દામાલ સાથે જ્યારે છઠ્ઠા ફિલ્ડમાંથી ધના રાયદે કારીયા, કેશુનાથ રણછોડનાથ ગોહિલ, વેજા ભીમા મોઢવાડિયા અને દેરાજ ભીમા પતાણી નામના ચાર શખ્સોને કુલ રૂપિયા 18,650 ના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.


આ દરોડા દરમિયાન કુલ 6 ફિલ્ડમાંથી 22 પત્તાપ્રેમીઓને કુલ રૂપિયા 63,570 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.


જાહેરમાં રમાતા જુગાર શખ્સો પર પોલીસે દરોડાની કાર્યવાહી કરતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જાતરમાં જુદા જુદા સ્થળે જામેલી જુગાર ફિલ્ડની મહેફિલમાં પણ પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જેનું આ વર્ષે પુનરાવર્તન થયું હતું અને પોલીસે દરોડા દરમિયાન જામેલી ફિલ્ડના રંગમાં ભંગ પાડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application