ગાંધીનગર અને નગરસીમ વિસ્તારમાં રાત્રે અવારનવાર વિજળી ગુલ: લોકો પરેશાન

  • June 07, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા અઠવાડીયાથી શા માટે બે થી ત્રણ વખત લાઇટો બંધ કરી દેવામાં આવે છે ?: અસહ્ય ગરમીમાં નગરસીમ વિસ્તારમાં પણ લો વોલ્ટેજની વ્યાપક ફરિયાદ: પ્રિ-મોનસુનની કામગીરી કયાં ગઇ ?

જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા લગભગ મે મહીના સુધીમાં પ્રિ-મોનસુનની કામગીરી પુરી કરી દેવામાં આવે છે અને પીજીવીસીએલ દ્વારા દાવો પણ કરાય છે કે આ વખતે નવી લાઇનો, નવા વિજ પોલ, નવા ટ્રાન્સફોર્મર નાખવામાં આવ્યા છે જેથી લોકોને વિજળીની કોઇ સમસ્યા નહીં રહે પરંતુ પરિસ્થિતિ કંઇક જુદી જ છે, છેલ્લા અઠવાડીયાથી ગાંધીનગર વિસ્તારમાં દરરોજ રાત્રે બે થી ત્રણ વખત અસહ્ય ગરમીમાં વિજળી રાણી ગુલ થઇ જાય છે જેથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. બીજી તરફ નગરસીમ વિસ્તારમાં તો છેલ્લા એક મહીનાથી લો વોલ્ટેજ અને વિજળી ચાલી જવાના વ્યાપક કિસ્સાઓ બન્યા છે, ત્યારે પીજીવીસીએલના સ્થાનિક તંત્રના અધિકારીઓએ આ તરફ પણ ઘ્યાન આપવું જોઇએ અને લોકોને સમયસર તથા પુરતી વિજળી મળે તે માટેની વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
ગાંધીનગર, મચ્છરનગર, મોમાઇનગર, માજોઠીનગર વિગેરે વિસ્તારોમાં છેલ્લા અઠવાડીયાથી વિજળી રાણી અવારનવાર ગુલ થઇ જાય છે, અડધી કલાક આવે અડધી કલાક જાય આમ લોકોની નિંદર પણ બગડે છે, નાના બાળકો અને અબાલ વૃઘ્ધો ખુબ જ મૂશ્કેલીમાં મુકાય છે, એક તરફ ઉનાળાનો કપરો કાળ છે મહત્તમ તાપમાન વધી રહ્યું છે એવા અરસામાં રાત્રે ૧૦ થી ૩ વાગ્યા સુધીમાં બે થી ત્રણ વખત લાઇટો ચાલી જતાં લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.
નગરસીમ વિસ્તારમાં નવી વિજ લાઇનો નાખવામાં આવી છે, એક તરફ પાણીની પાઇપલાઇન પણ નખાય છે, લોકોને પુરતું પાણી પણ મળતું નથી, વિજળી મળે છે તે પણ સતત લો વોલ્ટેજ હોવાના કારણે આ સમસ્યા સર્જાય રહી છે. જેને કારણે કેટલાક વિજ ઉપકરણોને પણ નુકશાન થઇ રહ્યું છે, અવારનવાર ઝાટકા સાથે વિજળી ગુલ થઇ જતાં ગાંધીનગર અને નગરસીમ વિસ્તારમાં કેટલાક ઘરોમાં શોર્ટ સર્કિટના બનાવ પણ બન્યા છે, એટલું જ નહીં પંખા, ટીવી, ફ્રીઝ, એસીને પણ નુકશાન થાય છે. પીજીવીસીએલના અધિક્ષક એક કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે ત્યારે અન્ય હરોળના અધિકારીઓને તાકીદે ગાંધીનગર અને નગરસીમ વિસ્તારમાં તાત્કાલીક વિજ સમસ્યા ઉકેલવી જોઇએ તેવી લોકોની ઉગ્ર માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application