સરકારી કોન્ટ્રાક્ટર હોવાનું કહી લગ્નનું વચન આપી ત્યકતા સાથે 3.71 લાખની છેતરપિંડી

  • August 02, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતા શખસે પોતે સરકારી કોન્ટ્રાક્ટર હોય અને તેને આવાસનું મોટું કામ મળ્યું હોવાનું કહી જેતપુરની ત્યક્તાને મીઠી મીઠી વાતોમાં ભોળવી લગ્નનું વચન આપ્યું હતું. બાદમાં કોન્ટ્રાક્ટ માટે તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું કહી દાગીના અને રોકડ રૂપિયા એક લાખ સહિત 3.71 લાખ લઈ લીધા હતા. ત્યારબાદ આ શખસે ત્યકતા સાથે લગ્ન પણ કર્યા ન હતા અને આ રકમ પણ પરત ન આપી. આ ઉપરાંત જેતપુરમાં જ રહેતા અન્ય એક પાસેથી પણ રૂપિયા 48 હજાર આ શખસ ઓળવી ગયો હોય આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,  જેતપુરમાં નવાગઢ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય ત્યકતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ વાપીમાં દ્વારકેશ હોટલમાં રહેતા મૂળ સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામના વતની ભરત ભીષ્મભાઈ ઉર્ફે ભીખાભાઈ જાદવ (ઉ.વ 32)નું નામ આપ્યું છે.
ત્યકતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓનું મૂળ વતન બિહાર હોય પરંતુ વર્ષોથી અહીં જેતપુરમાં સ્થાયી થયા છે અગાઉ તેના લગ્ન બિહારી યુવાન સાથે થયા હતા જેના થકી સંતાનમાં બે પુત્રી છે પરંતુ પતિ દારૂ પી મારકૂટ કરતો હોય છૂટાછેડા લઈ લીધા હતા. દરમિયાન તેમના સંબંધી જેતપુર મુકામે જ રહેતા હોય અને કાગવડમાં તેમને હોટલ હોય તેમણે દસેક મહિના પૂર્વે આરોપી ભરત જાદવનો પરિચય કરાવ્યો હતો અને કહ્યું હતું કે, ભરત પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ રાખે છે અને કોન્ટ્રાક્ટર છે મારો મિત્ર છે તેમ કહી ત્યકતાના માતા- પિતાને કહ્યું હતું કે, તમારી દીકરીનો સંબંધ કરવો હોય તો કહેજો. બાદમાં આ ભરત અવારનવાર ઘરે આવવા લાગ્યો હતો તે સારા કપડાં, બુટ સારા પહેરતો હોઈ કાર લઈને આવતો હોય જેથી આ વ્યક્તિ માભાવાળો હોવાનું જણાતું હતું જેથી તે પોતાની દીકરીઓના ભવિષ્ય ભરત સાથે સારું રહેશે તેવું માની તેની સાથે વાત ચાલુ કરી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયો હતો અને લગ્ન પણ નક્કી થઈ ગયા હતા.
દરમિયાન વર્ષ 2023 ના ડિસેમ્બર મહિનામાં ભરત ઘરે આવી મીઠી મીઠી વાતો કરી કહ્યું હતું કે મને આવાસ યોજનાનું મોટું કામ મળ્યું છે તેમાં તાત્કાલિક ત્રણ લાખ ભરવાના છે જેથી ત્યકતાએ કહ્યું હતું કે અમે ગરીબ માણસો છીએ અમારી પાસે આટલા પૈસા ન હોય જેથી ભરતા ઘરેણા આપવાનું કહેતા ત્રણ તોલાનો ચેન, બુટ્ટી સહિત રૂ.2.71 લાખના દાગીના આપ્યા હતા બાદમાં તારીખ 14/12 ના ભરત ફરી ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે સિમેન્ટ અને સળિયાની ગાડી છોડાવવા માટે તાત્કાલિક આપવાના છે નહીંતર ગાડીનું બેઠું ભાડું ભરવું પડશે તેમ કહી રોવા લાગતા ત્યકતાએ બચતના રૂપિયા 50,000 અને તેના માતાના ખાતામાંથી 50,000 મળી એક લાખ ભરતને આપ્યા હતા.
બાદમાં ભરતે કહ્યું હતું કે આપણે ટૂંક સમયમાં જ લગ્ન કરી લેવાના છીએ તો તૈયારી કરવા લાગ લગ્ન પછી જેતપુરના કણકીયા પ્લોટમાં રહીશું મેં અહીં મકાન પણ લીધું છે. બાદમાં મોટી મોટી વાતો કરી જતો રહ્યો હતો અને ત્યારબાદ જે દિવસે લગ્ન નક્કી કયર્િ હતા તે દિવસે ભરત આવ્યો જ નહીં થોડા દિવસ બાદ તેણે ફોન કરી કહ્યું હતું કે મારી ભાણીનું અકસ્માત થયું છે અને તે જુનાગઢ સિવિલમાં છે. પરંતુ ત્યારબાદ તેણે ફોન ઉપાડવાના બંધ કરી દેતા તેના વતનમાં તપાસ કરતા ત્યાં પણ તેનો પતો લાગ્યો ન હતો અને અંતે ત્યકતાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
દરમિયાન એવું પણ માલુમ પડ્યું હતું કે, આ ભારતે જેતપુરમાં સંજયભાઈ વિનુભાઈ ભેડા નામના વ્યક્તિ સાથે પણ મોટી મોટી વાતો કરી રૂપિયા 48,000 ની છેતરપિંડી કરી હતી. જેથી આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી ભરત જાદવને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


હોટલમાં લગ્ન રાખ્યા હતા પણ ભરત આવ્યો જ નહીં
ત્યકતાએ જણાવ્યું હતું કે, ભારતે મીઠી મીઠી વાતો કરી લગ્નનું વચન આપ્યું હતું. તે માટે તેણીના પરિવારજનોને નજીકના સગા સંબંધીને હાજર રાખી લગ્નની વિધિ કરવાનો નક્કી કર્યું હતું. તે માટે અહીં જેતપુરમાં હોટલ પણ બુક કરી હતી અને સગા સંબંધીઓ અહીં હોટલે પહોંચ્યા હતા. પરંતુ ભરત લગ્નના દિવસે આવ્યો જ ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News