જામનગરમાં હુલ્લડખોરોને કાબુમાં લેવા ફાયરીંગ, હાઇજેક કરેલા બે પ્રવાસીને છોડાવાયા : મોકડ્રીલ

  • December 19, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇજીના અઘ્યક્ષસ્થાને કમાન્ડો, પોલીસ સહિતની ટુકડીઓ દ્વારા બે ડેમો યોજાયા : સફળતાપૂર્વકની કવાયત

જામનગરમાં વાર્ષિક ઇન્સ્પેકશન માટે બે દિવસથી રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ અહીં મુકામ કર્યો છે, જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સાથે કાયદો વ્યવસ્થા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આજે આઇજીના અઘ્યક્ષસ્થાને હેડ કવાર્ટર ખાતે અધિકારીઓની પરેડ અને અન્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, આ તકે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું જેને પોલીસ જવાનો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
દર વર્ષે રેન્જ આઇજીના અઘ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેકશન અને પોલીસ પરેડ સહિતના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, શરુ સેકશન રોડ પર આવેલા પોલીસ હેડ કવાર્ટર ખાતે સવારે પરેડ યોજાઇ હતી જેમાં જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ જોડાયો હતો, ત્યારબાદ અગાઉ પકડાયેલા  ગુનેગારોને મેન્ટર પ્રોજેકટ હેઠળ સારા નાગરીક બનવા સહિતની સમજ આપવામાં આવી હતી અને એક મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
પોલીસ હેડકવાર્ટર ખાતે આઇજીના અઘ્યક્ષસ્થાને હુલ્લડને કેવી રીતે ક્ધટ્રોલ કરી શકાય એ અંગેની મોકડ્રીલ યોજાઇ હતી, જેમાં બ્લેક કમાન્ડો સહિતના જવાનો દ્વારા આ કવાયત કરવામાં આવી હતી, જવાનો દ્વારા હુલ્લડખોરો તમારી મંડળી ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે, તુરંત વિખેરાઇ જાવ નહીં તો તમારા પર બળ વાપરવામાં આવશે એ પ્રકારના બેનર સાથે આ કવાયત આદરવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શનકારીઓ અને હુલ્લડ કરીને વિરોધ પ્રદર્શન કરી રહયા છે આથી જવાનો દ્વારા આ પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા હળવો લાઠી ચાર્જ અને પરિસ્થીતી વણશતા ફાયરીંગ સહિતનો ડેમો કરવામાં આવ્યો હતો, ફાયરીંગમાં ગંભીર ઇજા પામેલાને તાકીદે એમ્બ્યુલન્સ મારફત હોસ્પીટલ લઇ જવાની કાર્યવાહી કરાઇ હતી અને સમગ્ર કવાયતને મોકડ્રીલ જાહેર કરાઇ હતી.
ઉપરાંત એસઓજીની ટુકડી દ્વારા જામનગરની હોટલમાં ઉતરેલા બે મુસાફરોને આતંકીઓએ બંધક બનાવ્યા છે જેને છોડાવવા માટેની કવાયત હાથ ધરાઇ હતી અને દિલધડક ઓપરેશન પાર પાડીને મુકત કરાવી સફળ કાર્યવાહી કરવામાં આવી હતી, અગમચેતીના ભાગરુપે સમર્યાતરે મોકડ્રીલ કરવામાં આવે છે આજે પણ આ પ્રકારનો ડેમો કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application