દેવભુમિ દ્વારકાના ગામડાઓમાં વિજળીના વાંકે ખેતી અટકી

  • June 23, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા, સુરજકરાડી, આરંભડા, બેટમાં ૯૦ ટકા વિસ્તારોમાં ગઇકાલથી વિજ પુરવઠો કાર્યરત થયો: લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો: અંદાજે ૧૩૫૦૦ જેટલા વિજ પોલ દ્વારકા જિલ્લામાં ઢળી પડયા: બુધવારે લોકોએ દેખાડેલા ચમત્કારને તંત્રનો નમસ્કાર

બિપરજોય નામની વાવાઝોડાની આફત પસાર થઇ ગઇ, સૌથી વધુ અસર દરિયાકાંઠા વિસ્તારને થઇ હતી, દ્વારકામાં પવનની ગતિ ૯૦ થી ૧૦૦ કિ.મી.ની થઇ ગઇ હતી અને તેના કારણે શહેરી વિસ્તાર તથા ગામડાઓમાં ૧૩૫૦૦થી વધુ વિજ પોલ ક્ષતિગ્રસ્ત બનવાના કારણે વિજ પુરવઠો રોકી દેવામાં આવ્યો હતો, હજુ ગઇકાલથી જ શહેરી વિસ્તારમાં ૯૦ ટકા અને ૬૦ ટકા જેટલો ગ્રામ્ય વિસ્તારમાં વિજ પુરવઠો પુન: શરુ કરી શકાયો છે, પરંતુ વાડી વિસ્તાર કે જયાં ખેતી થાય છે ત્યાં હજુ સુધી વિજળી આપી શકાઇ નહીં હોવાથી ખેતી અટકી ગઇ છે, એક સપ્તાહ ઓખા મંડળના લોકોએ વિજળી વિના પસાર કર્યો અને વ્યાપક વિરોધ ઉઠયા બાદ તાબડતોબ કામગીરી શરુ કરાઇ હતી.
ઓખામંડળના અમારા સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, ઓખા, સુરજકરાડી, બેટ, આરંભડા જેવા શહેરી વિસ્તારોમાં સપ્તાહ બાદ ગઇકાલથી મહા મુસીબતે વિજ પુરવઠો ચાલું થયો હતો, આ પૂર્વે લોકોએ વિજ કચેરીઓ પર જઇને દેખાવો પણ કર્યા હતાં, પીજીવીસીએલ દ્વારા અન્ય જિલ્લાઓમાંથી વધારાની ટુકડીઓ બોલાવીને વિજ પુરવઠો કાર્યરત કરવા યુઘ્ધના ધોરણે કામગીરી કરાઇ હતી, આમ છતાં નુકશાન વધુ હોવાથી વિજ પુરવઠો પૂર્વવત કરવામાં હાલાકી પડી છે.
જાણવા મળ્યું છે કે, શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઇકાલથી વિજ પુરવઠો શરુ કરવામાં આવ્યો છે, જો કે હજુ સુધી સંપૂર્ણ રીતે પૂરવઠો આપી શકાયો નથી, ૬૦ ટકા જેટલા વિસ્તારમાં વિજળી પહોંચી છે અને ખાસ કરીને વાડી વિસ્તાર કે જયાં ખેતી થાય છે, તે તમામ વિસ્તારોમાં થાંભલા પડી જવાના કારણે, વાયરો લટકી ગયાના કારણે વિજ પુરવઠો પૂર્વવત કરી શકાયો ન હોવાથી ખેતીને નુકશાન જઇ રહ્યું છે અને તમામ કામ અટકી ગયા છે.
જો કે પીજીવીસીએલના તંત્ર દ્વારા દેવભુમિ દ્વારકાના વિજ પુરવઠાના અનુસંધાને પુન: બેઠુ કરવા માટે યુઘ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે, રાત્રે મોડે સુધી કામગીરી ચાલે છે, નુકશાનીનો આંક ખુબ મોટો છે, જો કે ગઇકાલથી વિજ પુરવઠો પુન: કાર્યરત થતાં શહેરી વિસ્તારના લોકોએ હાંશકારો લીધો છે તો ગ્રામ્ય પંથકના ઘણા બધા લોકોને રાહત થઇ છે, આમ છતાં સંપૂર્ણ રીતે પુરવઠો કાર્યરત થઇ શકયો ન હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વિજળીના વાંકે લોકો હેરાન થતાં હતાં,  ખાસ કરીને અનાજનો લોટ, પીવાનું પાણી અને ઘર વપરાશની ચીજ વસ્તુઓના ફાંફાં પડી રહ્યા છે.  વાવાઝોડા પછી ચીજ વસ્તુઓની હાડમારી તો હતી જ પરંતુ વીજ પુરવઠો ન હોવાથી અનાજ દળવાની ઘંટીઓ બંધ હોવાથી અનાજનો લોટ, દૂધ-છાશ ઉપરાંત અનેક ચીજ વસ્તુઓની તંગી હોવાથી ખાસ કરીને ગૃહિણીઓ મુસીબતમાં મુકાયેલી હતી.
બુધવારે સુરજકરાડી આરંભડા વિસ્તારની ગૃહિણીઓ તેમજ નાગરિકોનો ધીરજ ખૂટતા સુરજકરાડી હાઇવે રોડ ઉપર આવીને ૩૦૦ થી ૪૦૦ લોકોએ હાઇવે ઉપર ચકાજામ કરેલ હતું.
આ ચકાજામને દૂર કરવા માટે થઈને મીઠાપુર પોલીસે તમામને રોડ ઉપરથી એક તરફ હંકાર્યા હતા અને આગેવાનોએ વિદ્યુત પુરવઠો વહેલો ચાલુ કરવાની શરતે મહિલાઓ અને પુરુષોએ રોડનો ચકા જામ દૂર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application