જામનગર તાલુકાના ગામડાઓમાં લો વોલ્ટેજનો ‘ઝાટકો’: ખેડૂતોમાં દેકારો

  • September 02, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઠના બદલે દસ કલાક વિજળી આપવાની લોલીપોપ અને દુ:ખદ વાસ્તવિકતા: ૬૬ કે.વી.ના બદલે પ૭ કે.વી. અને ૧૧ કે.વી.ના બદલે ૧૦ કે.વી. સપ્લાય થતા સેંકડો ખેડૂતોના સબમર્શીબલ, પાણીની મોટરો સળગી ગયા, ટીસી અને કેબલ બળી ગયા: જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફીએ કરેલો ધડાકો: રોષિત ખેડૂતો લડત કરવા મક્કમ

પૈસા પૂરા લો અને માલ ઓછો આપો - આ તો ગેરકાયદેસર જ કૃત્ય કહેવાય ને... કાનૂનમાં પણ તેના માટે સજા છે ત્યારે જામનગર તાલુકા વિસ્તારના ગામડાઓને ૬૬ કે.વી.ના બદલે પ૭ કે.વી. અને ૧૧ કે.વી.ના બદલે ૧૦ કે.વી. વિજ સપ્લાય થતાં અને આ લો વોલ્ટેજના કારણે ગામડાઓના અનેક ખેડૂતોના સબ મર્શીબલ, કેબલ, ટીસી બળી ગયા હોવાના કારણે ભારે દેકારો બોલી ગયો છે, એક તો વરસાદ ખેંચાયો છે, ખેડૂતો ચિંતામાં છે, અધૂરામાં પુ‚ં પીજીવીસીએલના તંત્ર દ્વારા આવો અન્યાય કરવામાં આવતા ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન સ્થિતિ સર્જાઇ છે, આ સંબંધે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફી સમક્ષ આ સમગ્ર મામલો પહોંચ્યા બાદ ખેડૂતની આ સમસ્યા સામે ગુજરાતના ઉર્જામંત્રી સુધી રજૂઆત કરાઇ છે અને જો નિવેડો ન આવે તો ખેડૂતો આ મુદ્દે રસ્તા પર ઉતરી આવશે એવી પણ ચીમકી આપવામાં આવી છે.
ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને પાઠવીને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, જામનગર ફેસ-૩ બી.એસ.એસ. ફીડરમાંથી ખાસ કરીને અડાવા ફીડર, ડો. શાહ ફીડર, કનસુમરા ફીડર તથા આજુબાજુના ફોડરોમાં છેલ્લા એક અઠવાડીયાથી દિવસ દરમ્યાન લાઈટના સમયે ૬૬ કે.વી. પાવરના બદલે લો વોલ્ટેજ થઈ માત્ર ૫૭ આવે છે, જયારે ૧૧ કેવી. માંથી લો વોલ્ટેજ થઈ ૧૦ કેવી. આવે છે. પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને ફોન કરીને રજૂઆત કરીએ છીએ તો જાણવા મળે છે કે - ૧૩ર કેવી જે ઉપરથી વિજ પુરવઠો આપવામાં આવે છે તેમાં થી જ ૧૧૮ કેવી મળે છે જેના કારણે તમામ વિસ્તારોમાં લો વોલ્ટેજ નો પ્રશ્ન છે. આવો જવાબ વારંવાર આપવામાં આવે છે.
એક ખેડૂતના જીવન માટે મહત્વની ખેતી આધારીત જીવન જીવતા હોય અને ૮ કલાક લાઈટ આપવાના બદલે કટકે - બટકે લાઈટ આપે છે એ જ લાઈટ ખેડૂતના પાણી નાકે ન પહોંચે તો લોડ શેટીંગ અથવા ફોલ્ડમાં ફીડર જાય છે જેનાથી ખેડૂત પોતાની પિયતમાં પાણી પીવરાવી શકતા નથી અને ખૂબ જ પરેશાન હાલતમાં છે.
છેલ્લા ૮ થી ૧૦ દિવસમાં જે ઉપરથી લાઈટનો લો વોલ્ટેજનો નવો પ્રશ્ન ના કારણે ખેડૂતોની મોટરો બળી જાય છે અથવા કેબલ બળી જાય છે અથવા સ્ટાટર બળી જાય છે. ટી.સી. બળી ગયાના બનાવો પણ સામે આવેલ છે જેનાથી ખેડૂતોને ૫૦ વષમાં આવું નુકશાન થયું નથી તેવું આ છેલ્લા અઠવાડીયામાં નુકશાન થઈ રહેલ છે. સરકારના ખેડૂત ગ્રાહક છે. લાઈટ બીલની ચૂકવણી કરે છે. પરસેવો વાવી દેશ માટે અનાજનું ઉત્પાદન કરે છે અને આ દેશના અભણ અને અજ્ઞાન ખેડૂતને પુરવઠો ન્યાયપૂર્વક પુરતો આપવાને બદલે લો-વોલ્ટેજ આપી ખેડૂતોને બરબાદ કરવાનું કામ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતને સરકાર માઈબાપ બની ગેટકો કંપની સામે તમામ ખેડૂતોને નુકશાન થયું છે, મોટરો બળી ગઈ છે, વારંવાર કેબલ બળે છે, રોજે રોજ બોરમાંથી મોટર કાઢવી પડે છે અને ખેડૂતને જે નુકશાન થયું છે તે ગેટકો કંપનીનો ભોગ બની રહેલ છે
ખેડૂતોને ન્યાય માટે સરકારશ્રીને વિનંતી કે એક કમીટીની રચના કરી ખેડૂતોને ખરેખર કેટલી મોટરો, કેટલા વાયરો, કેટલા સ્ટાર્ટર તેમજ કેટલા ટી.સી. બળી ગયા છે તે ગામવાઈઝ આંકડા મેળવવા જોઈએ અને મોટા પાયે નુકશાન થયું છે તેનો સાયો આંકડા મેળવી ખેડૂતોને વળતર રુપે જવાબદાર ગેટકો કંપની સામે કડક પગલા લઈ, ખેડૂતને વળતર આપવું જોઈએ.
ખેડૂતની ટી.સી. બળી જાય અને સરકારના દાવા છે કે ર૪ કલાકમાં ખેડૂતને ટી.સી. બદલી આપવામાં આવશે તેના બદલે ટી.સી. બદલવા માટે ૮ થી ૧૦ દિવસ નો સમયગાળો લાગે છે. શાહ ફોડરમાં ટી.એમ.એસ. કંપની દ્વારા રીવાઈન્ડીંગ વગર બે વખત ટી.સી. બદલવામાં આવેલ, જે ગંભીર બેદરકારી સામે આવેલ છે. આ માત્ર બદલાવવા ખાતર જ બદલાવી ગયા પણ આ ટ્રાન્સફોમંર રીવાઈન્ડીંગ કરેલ નહીં અને બન્ને ટી.સી. ફેઈલ હોવા છતાં નાખવામાં આવેલ, જેની રજૂઆત લગત અધિકારીઓને કરી, ટી.સી. બદલાવેલ. ત્યારે આવા ફોડ કંપનીઓ દ્વારા ગ્રાહકને મદદરુપ થવાને બદલે નુકશાન કરી રહી હોય તો આની પણ તપાસ કરાવવી જરુરી છે. રીપેર કરેલ વગર ટી.સી. ચડાવીને ખેડૂતના નામે ખોટા બીલ બનાવવામાં આવે છે . આ અંગે તત્કાલ ઘટતું કરવા વિનંતી છે. જો દિવસ ૧૦ માં આ અંગે કોઈ કાયયવાહી કરવામાં નહીં આવે તો જામનગર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને લઈ, લડત કરવાની ફરજ પડશે.
**
આઠના બદલે દસ કલાક વિજળી શું આ રીતે અપાશે ?
તાજેતરમાં ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે, વરસાદ ખેંચાવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને આઠના બદલે દસ કલાક વિજળી આપવામાં આવશે, આની અમલવારી થાય ત્યારે થાય, પરંતુ સવાલ એ ઉભો થયો છે કે, જો ૬૬ કે.વી.ના બદલે પ૭ કે.વી. અને ૧૧ કે.વી.ના બદલે ૧૦ કે.વી. વોલ્ટેજથી વિજળી અપાવવાની હોય તો આવી જાહેરાતનો કોઇ મતલબ રહી જતો નથી અને ખેડૂતોને ઉંધા ચશ્મા પહેરાવવા બની રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application