ફૂડ પેકેટ પર ધારાસભ્ય રીવાબા જાડેજાનો ફોટો જોઇ બધાની આંખો ફાટી

  • June 16, 2023 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંકટ સમયે આશ્રયસ્થાનો પર રહેલા ગરીબોને અપાતા ભોજનમાં પણ સસ્તી પ્રસિઘ્ધિ લેવાની આ કેવી ઘેલછા: ભાજપનો ચૂંટણી સિમ્બોલ ફોટાની પાસે જોવા મળ્યો: અનેક સેવાભાવી સંસ્થાઓ ભૂખ્યાઓને ભોજન આપી રહી છે, પરંતુ અવસરવાદી લોકપ્રિયતા મેળવવાનો કોઇએ પ્રયત્ન કર્યો નથી

બિપરજોય નામની આફત તો ટળી ગઇ છે, કુદરતની કૃપા થઇ ગઇ છે, ગુજરાત સરકારની સીધી દેખરેખ હેઠળ તમામ તંત્રએ ખડેપગે કામગીરી કરી છે, હજારો લોકોનું સ્થળાંતર કરાયું અને એક સારા વહીવટની છાપ પ્રસ્થાપિત થઇ, પરંતુ આ બધા વચ્ચે આશ્રયસ્થાનો પર રહેલા ગરીબોને અપાતા ફૂડ પેકેટ પર ૭૮-જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રીવાબા જાડેજાના ફોટા જોવા મળતા બધાની આંખો ફાટી ગઇ છે અને લોકોના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે ભૂખ્યા ગરીબોને એક ટુકડો આપવામાં પણ પ્રસિઘ્ધિની ઘેલછા રાખવી કેટલી યોગ્ય ? મહત્વની વાત એ છે કે આ ફોટાની બાજુમાં ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી સિમ્બોલ એટલે કે કમળ પણ જોવા મળ્યો છે અને ખરેખર આશ્ર્ચર્ય સજાર્યું છે, આ કેવી અવસરવાદી નીતિ લોકપ્રિયતા માટે અપનાવવામાં આવી છે.
જામનગરમાં જ્યારથી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો ત્યારથી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ, હાપા જલારામ મંદિર, વિજરખી વાત્સલ્ય ધામ, સ્વામીનારાયણ મંદિર ઉપરાંત રાજકીય વ્યક્તિઓ દ્વારા પણ ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી, ભાજપ-કોંગી બન્ને તરફથી આ ભગીરથ સેવા કરવામાં આવી છે, બોલબાલા ટ્રસ્ટ દ્વારા તો આશ્રયસ્થાનો પર રહેલા ગરીબોને ગરમાગરમ ભોજન આપવામાં આવ્યું છે.
જેટલી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા કુદરતી આપદાના સમયે પોતાના તરફથી યોગદાન અપાયું છે, ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે, તેમાં કોઇ જાતની પોતાની જાહેરાત કરી નથી, ત્યારે ધારાસભ્ય રીવાબા જાડેજાની તસ્વીર સહિતના ફૂડ પેકેટો જોવા મળતા તમામ લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે અને મનોમન બધા એ બાબત સમજી રહ્યા છે કે અમુક રાજકારણીઓ કુદરતની આફતને પણ પોતાની લોકપ્રિયતા વધારવાના અવસર તરીકે ઉપયોગ કરતા અચકાતા નથી, ખરેખર આવી નીતિ અતિ નિંદાને પાત્ર છે.
એક તરફ ભાજપની ગુજરાત સરકારે સહાયના તમામ સ્ત્રોત ખોલી દીધા, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોને જુદા જુદા જિલ્લાઓમાં જવાબદારી સોંપી, મતલબ કે, ભારતીય જનતા પાર્ટી કુદરતી વિપદાના આ સમયમાં લોકોને પૂરતી મદદ મળી રહે એ માટે સફળ રહી, ત્યારે ભાજપના જ ધારાસભ્ય દ્વારા ફૂડ પેકેટ પર પોતાનો ફોટો જે મૂકાયો છે, એ બાબતને સો ટકા ભારતીય જનતા પાર્ટી ગંભીરતાથી લેશે અને આગામી દિવસોમાં આ બાબતે કોઇપણ નિર્દેશ પોતાના પક્ષના તમામ લોકોને આપી શકે છે.
માનવતાની દ્રષ્ટિએ જોઇએ તો આ ખરેખર ગરીબો સાથે મજાક જ છે, એક ચપટી આપીને તમે પ્રસિઘ્ધિ મેળવવાની કોશિષ કરો, એટલે સ્પષ્ટ થઇ જાય છે કે તમે રાજકારણ જેવા સેવાના માઘ્યમને શું ગણો છો...? જામનગરવાસીઓ સમજદાર છે, અને કહેવત છે ને કે, સમજદાર કો ઇશારા કાફી હૈ....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application