ખંભાળિયા નજીક પદયાત્રી અનંત અંબાણી દ્વારા પ્રેરક ઉદબોધનઃ
જામનગર તરફથી દ્વારકા સુધી ચાલીને નીકળેલા પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અનંત અંબાણીના સુપુત્ર અનંત અંબાણી હાલ ખંભાળિયા-દ્વારકા માર્ગ પર પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે ગઇકાલે વહેલી સવારે તેમણે ખંભાળિયા નજીક મીડિયાને પ્રેરક ઉદબોધન કરી અને ભગવાન તેમજ સનાતન ધર્મમાં આસ્થા રાખવા તેમજ સૌનું ભલું થવા પ્રાર્થના કરી હતી.
પાંચેક દિવસ પૂર્વે રિલાયન્સ (જામનગર) થી દેવભૂમિ દ્વારકામાં કાળીયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પદયાત્રા શરૂ કરી ચૂકેલા અનંત અંબાણી આજે વહેલી સવારે ખંભાળિયા નજીકના વડત્રા ગામ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઉપસ્થિતોને જણાવ્યું હતું કે “શ્રીજી બાવાએ મને શક્તિ આપી છે, એટલે મેં આ પ્રથમ વખત પદયાત્રા શરૂ કરી છે. આગામી ત્રણ-ચાર દિવસમાં અમે દ્વારકા પહોંચી જઈશું. શ્રીજી બાવાની સૌ પર કૃપા બની રહે તેવી પ્રાર્થના સાથે દ્વારકાધીશ બધાના રાજા છે, બધાના માલિક છે. ભગવાન છે તો ચિંતા કોઇ ચિંતા કરવી નહીં. તેમ તેમણે જણાવ્યું હતું.
ભગવાન દ્વારકાધીશ અને શ્રીજી બાવા સર્વેનું ભલું કરે તેમ જણાવી અને દરેક યુવાએ ભગવાન અને સનાતન ધર્મ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. પદયાત્રાના માર્ગમાં હનુમાન ચાલીસા તેમજ ધાર્મિક ભજન – ધૂનની જમાવટ સાથે ઝેડ પ્લસ સિક્યુરિટી અને બ્રાહ્મણો વિગેરે સાથે અનંત અંબાણીની આ પદયાત્રા તેમજ તેમના ઉચ્ચ વિચારો પ્રેરણારૂપ બની રહ્યા છે.