દ્વારકાના જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ પર પ્રતિબંધ

  • July 14, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવસ્થાન સમિતિનો નિર્ણય, ભકતજનો દ્રારા આવકાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંદીરની ગરીમા જળવાય તેવા  વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા અનુરોધ કરાયો છે અને ભારતીય સંસ્કૃતિને છાજે તેવા વસ્ત્રો પહેરવાની ટકોર કરવામાં આવી છે, આ નિર્ણયને વિશાળ ફલક પર ખુબ મોટો માનવામાં આવે છે, કારણ કે જગતમંદિરમાં દેશ-વિદેશથી યાત્રીકો આવે છે અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-ગુજરાતની બહારના યાત્રીકો ઘણી વખત ધર્મસ્થાનની ગરીમા ન જળવાય તેવા ટુંકા વસ્ત્રો પહેરતા હોવાનું ઘ્યાનમાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમા દ્વારકાધીશ મંદિરમાં યાત્રીકો ભારતીય સંસ્કૃતિ અનુસારના વસ્ત્રો પહેરીને જ જગતમંદિરમાં પ્રવેશે તેવો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. જગતમંદિરે આવતાં કોઈપણ ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે લેવાયેલા નિર્ણય અંગે જગતમંદિર પરિસરમાં ગુજરાતી - હિન્દી - અંગ્રેજી ભાષામાં બેનર્સ લગાવવામાં આવ્યા છે તેમજ વિવિધ માધ્યમોથી પણ જગતમંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોને માહિતગાર કરવામાં આવી રહયા છે. બીજીબાજુ દ્વારકાવાસીઓ દ્વારા પણ આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ સાથે સ્થાનીક તંત્ર, હોટેલ માલીકો, રીક્ષાચાલકો તેમજ સ્થાનીક નાગરીકો પણ  યાત્રાળુઓને આ વાતથી માહિતગાર કરે તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.
જગતમંદિરની બહાર લગાવવામાં આવેલા બેનરમાં જણાવવામાં આવ્યું છે કે, જગતમંદિરમાં પધારતા સર્વ વૈષ્ણવોેએ ભારતીય સંસ્કૃતિને અનુરુપ વસ્ત્રો પહેરવા અથવા જગતમંદિરની ગરમી જળવાય રહે તેવા વસ્ત્રો પહેરીને જ મંદિર પરીસરમાં પ્રવેશ કરવો, ત્રણ ભાષામાં આ બેનર લખાયેલ હોવાથી આવનારા યાત્રીકો માટે વાત સમજવી સરળ બની રહેશે.
આ ઇતિહાસમાં પહેલી વખત થઇ રહ્યું છે કે, મંદિરમાં પ્રવેશતા દર્શનાર્થીઓને વસ્ત્રો અંગે ટીપણી કરવાની જરુર પડી છે અને પ્રતિબંધ લગાવવાની આવશ્કયતા ઉભી થઇ છે, કારણ કે એવું જોવામાં આવતું હતું કે, ઘણાબધા ગુજરાત બહારના લોકો અને ખાસ કરીને એનઆરઆઇ જયારે-જયારે દર્શન કરવા આવતા ત્યારે ટુંકા વસ્ત્રો જોવા મળતા હતાં, જેનાથી મંદિરની ગરીમા જળવાતી ન હતી, આ બાબતને ઘ્યાનમાં લઇને દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં હજારો ભાવિકો સ્નાન કરીને પુણ્યનું ભાથુ બાંધે છે ત્યારે બહારગામથી આવતા કેટલાક ભકતો સ્નાન કરીને ટુંકા ભીના વસ્ત્રોમાં સીધા મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કરવા જાય છે, આ અગાઉ પણ આવા વસ્ત્રો પહેરીને આવવા માટે મનાઇ ફરમાવવા નકકી કરાયું હતું પરંતુ આખરે હવે સતાવાર રીતે જિલ્લા કલેકટર દ્વારા ટુંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા માટે પ્રતિબંધ મુકી દેવાયો છે તે યોગ્ય છે તેમ લોકોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application