જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુન:વિજ ચેકિંગની કામગીરી શરૂ કરાયા બાદ ગઈકાલે શુક્રવાર સુધીના પાંચ દિવસના વીજ ચેકિંગ દરમિયાન કુલ ૩ કરોડ ૧૧ લાખની વિજ ચોરી પકડી લેવામાં આવી છે. પીજીવીસીએલના અધિક્ષક તરીકે હસીત વ્યાસે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જે-જે વિસ્તારોમાં વિજ લોસ આવે છે તે વિસ્તારમાં ચેકીંગ કરવા આદેશ આપ્યા બાદ ૩.૧૧ કરોડની વિજ ચોરી પકડવામાં પીજીવીસીએલ સફળ રહ્યું છે, આગામી દિવસોમાં પણ ચેકીંગ ડ્રાઇવ ચાલું રહેશે તેમ જાણવા મળે છે.
ગઈકાલે શુક્રવારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત લાલપુર ગ્રામ્ય વિસ્તાર તથા ખંભાળિયા ના ગ્રામ્ય વિસ્તારમાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગઈકાલે કુલ ૪૭ જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના ૧૨ જવાનો, ૧૯ પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતાં.
ગઈકાલે કુલ ૫૪૬ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતાં જેમાંથી ૯૩ વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રુ.૪૮.૨૦ લાખનાં વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં કાયમી વિજ લોસ આવે છે, વિજ ચોરી પકડાયા બાદ તરત જ અનઅધિકૃત વિજ જોડાણ કરીને કનેકશનો મેળવી લેવાય છે જેથી અવારનવાર વિજ ચેકીંગ કરવામાં આવે છે.