ગુજરાતમાં પ્રી-પ્રાઈમરી સ્કૂલ સંચાલકો ધ્યાન આપે, રજિસ્ટ્રેશનની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરવાની શિક્ષણ વિભાગની તૈયારી, જાણો નવી પોલિસી શું છે

  • February 05, 2025 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં રજિસ્ટ્રેશન કરાવવાની 15 ફેબ્રુઆરી અંતિમ તારીખ છે. તેમ છતા રાજ્યમાં ફક્ત 10 ટકા પ્રી-સ્કૂલોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજ્ય સરકાર રજિસ્ટ્રેશનની મુદતમાં 6 મહિનામાં વધારો કરશે. 15 ફેબ્રુઆરી આસપાસ શિક્ષણ વિભાગ તેની જાહેરાત કરશે. જો કે, સરકારે જે પોલિસી નક્કી કરી છે તેમાં હાલની તકે કોઈ ફેરફાર કરાય તેવી શક્યતાઓ નહીંવત છે.


ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કરાયા બાદ રાજ્યમાં ચાલતી પ્રી-સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ, સરકાર દ્વારા પ્રી-સ્કૂલના રજિસ્ટ્રેશન માટે જે શરતો મૂકવામાં આવી છે તેમાંથી કેટલીક શરતોનું પાલન કરવું સંચાલકો માટે શક્ય ન હોય વિરોધનો સૂર ઉઠ્યો છે. પ્રી-સ્કૂલના સંચાલકોએ 15 ફેબ્રુઆરી બાદ નિયમો વગર જ શાળા ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.


પ્રી-પ્રાઇમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
રાજ્યમાં નાના રૂમથી લઈને મોટા બિલ્ડિંગ સુધી અલગ અલગ જગ્યાએ પ્રી-પ્રાઇમરી સ્કૂલો ચાલી રહી છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલો કોઈપણ વિભાગ હેઠળ આવતી નથી અને અસંગઠિત રીતે ચાલી રહી હતી. નવી શિક્ષણનીતિ મુજબ પ્રી-પ્રાઇમરી સ્કૂલોને પણ શિક્ષણ વિભાગ હેઠળ લાવવામાં આવી રહી છે. જે માટે ગત વર્ષે શિક્ષણ વિભાગે પ્રી-પ્રાઇમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત કર્યું હતું. 


રજિસ્ટ્રેશનની મુદતમાં માત્ર 10 દિવસ બાકી
રજિસ્ટ્રેશન ઉપરાંત પ્રી-પ્રાઇમરી સ્કૂલો માટેની પોલિસી બનાવવામાં આવી હતી. પ્રી-પ્રાઇમરી સ્કૂલોની નવી પોલિસીને લઈને સંચાલકો અસહમત હતા. સંચાલકોએ આ અંગે વિરોધ પણ કર્યો હતો. સરકારને અનેક રજૂઆત પણ કરી હતી પરંતુ સરકાર દ્વારા પ્રી-પ્રાઇમરી સ્કૂલોની પોલિસીમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જેને લઈને 90 ટકાથી વધુ પ્રી-પ્રાઇમરી સ્કૂલો હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જોકે હવે મુદતમાં માત્ર 10 દિવસ બાકી હોવા છતાં હજારો સ્કૂલોની રજિસ્ટ્રેશન બાકી છે.


રજિસ્ટ્રેશનની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરાશે
15 ફેબ્રુઆરીએ મુદત પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રી-સ્કૂલની રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા 6 મહિનાની મુદત વધારવામાં આવશે. જોકે હાલ પ્રી-સ્કૂલની પોલિસીમાં સરકાર દ્વારા કોઈ બદલાવ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. અત્યારે માત્ર 6 મહિનાની મુદત વધારવામાં આવશે. આ અંગે આગામી દિવસમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે.


મહિલા શિક્ષિકાઓને ટ્રેનિંગ અપાશે
અત્યારે પ્રી-પ્રાઇમરી સ્કૂલો અસંગઠિત રીતે ચાલી રહી છે. જેના પર કોઈપણ નિયંત્રણ નથી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોની રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં રજિસ્ટ્રેશન થયા બાદ પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં જોડાયેલી મહિલા શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો માટેનો સિલેબસ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.


15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર
નવી પોલિસીમાં બિલ્ડિંગ યુઝ પરમિશન માંગી છે, જે એજ્યુકેશન બીયુ હોવું ફરજિયાત છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલ જે જગ્યાએ હોય ત્યાંનો 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ. પ્રી-પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષ એક વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા પણ મેળવવી પડશે. પ્રી-પ્રાઇમરીની માન્યતા ના હોય તો માત્ર જુનિયર અને સિનિયરના વર્ગ જ ચલાવી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application