જેતપુરના કદડાથી પોરબંદરવાસીઓ બનશે ગંભીર રોગોનો શિકાર

  • November 11, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરના કદડાથી પોરબંદરવાસીઓ ગંભીર રોગોનો શિકાર બનશે તેમ જણાવીને વધુ એક વખત પોરબંદરની ચોપાટી ઉપર ‘સેવ પોરબંદર સી’ કમીટીએ જનજાગૃતિ અભિયાન યોજ્યુ છે.
પોરબંદરમાં જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં વહાવવા માટે સરકાર મક્કમ છે અને ‘સેવ પોરબંદર સી’ કમિટી સહિત ખારવા સમાજ અને અન્ય આગેવાનો હવે આ પાણી પોરબંદરમાં વહાવવા દેવા સામે જીવ દેવા પણ તૈયાર થયા છે ત્યારે પોરબંદરની ચોપાટી ઉપર રવિવારે સાંજે ફરવા આવેલા લોકો માટે એક જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પોરબંદરની ચોપાટી પર રવિવારે સાંજે વિશાળ સંખ્યામાં લોકો ફરવા ઊમટી પડ્યા હોય છે,ત્યારે સેવ પોરબંદર સી કમિટીના ડો. નુતનબેન ગોકાણી સહિત તેમની ટીમે જનજાગૃતિ ફેલાવી હતી અને લોકોને હાથ જોડીને અપીલ કરતાં જણાવ્યું હતું કે "પ્લીઝ પોરબંદરવાસીઓ હવે જાગો, જેતપુરના કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં વહે છે તેની સાથે-સાથ માછીમારી ઉદ્યોગ અને જમીનનું પણ નિકંદન નીકળી જશે.જુદા-જુદા પ્રકારના રોગોનો ભોગ બનતા પોરબંદરવાસીઓને કોઈ બચાવી શકશે નહી માટે જો અત્યારે તમે જાગૃત થઈને અમારી સાથે આ લડતમાં આગળ નહી આવો તો ખુબ મોડું થઈ જશે અને પછી પસ્તાવા સિવાય કશું બાકી રહેશે નહી તેમ જણાવીને ડો. નુતનબેન ગોકાણીએ નમ્ર અપીલ કરી હતી અને દર્દભરી અપીલ સાંભળવા માટે લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા જનજાગૃતિનો આ કાર્યક્રમ એકંદરે સફળ રહ્યો હતો.
જેતપુરથી પ્રદુષિત ઝેરી પાણીની લાઈન પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો સતત ૧૧૦૦ દિવસથી આ સંસ્થા વિરોધ કરે છે,ચોપાટી ખાતે સેવ પોરબંદર સી ના તમામ સભ્યો એક પત્ર લઈને લોકો સમક્ષ આવ્યા હતા જે સમર્થન હતું કે પોરબંદરના દરિયામાં અમોને આ પ્રદુષિત પાણી નથી જોઈતું વગેરે,તેમના અભિયાન દરમ્યાન સુખદ આશ્ચર્ય વચ્ચે સમસ્ત ખારવા સમાજના વાણોટ પવન ભાઈ શિયાળ, બોટ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી અને ટ્રસ્ટી મંડળ અને પંચ પટેલો સમગ્ર ટીમ સાથે ‘સેવ પોરબંદર સી’ ની ટીમ ને સાથ આપવા ચોપાટી ખાતે પહોંચ્યા હતા અને લોક સંપર્ક કરેલ હતો.બન્ને ટીમે સાથે મળી લોકોને આ પાણીની યોજના વિશે સમજાવી  લેખિત સમર્થન પણ લીધુ હતુ,સહુએ સાથે મળી ત્રણ હજારથી  વધુ સહીઓ કરાવી હતી.
પવનભાઈ શિયાળે જણાવ્યું કે, સેવ પોરબંદર સી ની ટીમ ઘણા વખતથી પોરબંદરના દરિયાને બચાવવા અભિયાન કરી રહ્યા છે.તો અમારી પણ ફરજ છે કે તેમને સંપુર્ણ ટેકો આપીએ.સમગ્ર પોરબંદર અમારી સાથે જોડાયેલું હોય તમામ શૈક્ષણિક,સામાજિક તેમજ જ્ઞાતિ સંસ્થાઓએ અમને સાથ આપવો જોઈએ.અને અમે તો હવે કહીએ છીએ કે, આ સેવ પોરબંદર સી નહિ પણ સેવ ગુજરાત  છે કારણ  હવે સાંભળ્યું છે કે સરકાર ગુજરાતમાં હાલ ત્રણ જગ્યાએ અને પછી ૭ જગ્યાએ ૮૩૨૧ કરોડના ખર્ચે પાઇપલાઈન નાખશે.સુત્રોની જાણકારી મુજબ પંજાબ, રાજસ્થાન પણ આ પાઇપલાઇન ગુજરાતના દરિયામાં નાખશે .જેમાં અમારા સમગ્ર ગુજરાતના માછીમારોના અસ્તિત્વનો  મૃત્યુ ઘંટ વાગશે.
ડો.નુતનબેન ગોકાણી અને તેમની ટીમના સભ્યોએ  જણાવ્યુ કે, ફરી આ પાઇપલાઇનનું ભુત ધુણ્યું છે.સુપ્રીમ કોર્ટ અને એન.જી.ટી કોર્ટ દ્વારા ગુજરાત સરકારને નદીઓને પ્રદુષણ મુક્ત કરવાનું કહ્યું તો ઉદ્યોગકારોએ સરકાર સાથે મળી આ વાતનો ઊંધો અર્થ તારવી ને નવી યોજના કાઢી. નદી ચોખ્ખી કરીએ, દરિયો ભલે બગડે.દરિયાઈ જીવો,વનસ્પતિઓનો નાશ થશે પણ સાથે સાથે માછીમાર લોકો પણ બરબાદ થઈ જશે.ઘેડ વિસ્તારમાં પાઇપ નાખશે, જે ઊંડી હશે, જો લીકેજ થઈ તો આખો વિસ્તાર બંજર થઈ જશે. ત્યાંના ખેડુત લોકોનું ભવિષ્ય ખુબ જ કપરું થશે.
પોરબંદર આવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને શહેર આંદોલન કરી રહ્યું છે ત્યારે રાજકીય આગેવાનો સ્નેહમિલનમાં ભોજન લઇને નવા ઉદ્યોગોને નામે  ઝેરની ગોળીઓ ચાસણીમાં બોળી આપી રહ્યા છે.પોરબંદરના દરેક લોકો જનસંપર્ક દરમ્યાન ખુબ સાથ આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application