માર્ગ અને મકાન વિભાગના આગોતરા આયોજનને કારણે જિલ્લાના તમામ રસ્તાઓ અવિરત ચાલું રહ્યા

  • June 17, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મા.મ.વિભાગની ૧૮ ટીમો વાવાઝોડા અગાઉથી જ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર વિવિધ સાધનો સાથે ગોઠવાઈ હતી : દરેક ટીમોએ રાત દિવસ સતત કામગીરી કરી ૨૨૮ જેટલાં વૃક્ષો રોડ રસ્તા પરથી તાત્કાલીક દુર કર્યા

જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના આગમન થવાની જાણ થતા જ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત તથા એન.એચ. દ્વારા કોઈપણ જાતની કચાસ ન રહે તેમજ જિલ્લામાં ક્યાંય પણ માર્ગ પરિવહન ન અવરોધાય તે માટે સુચારુ આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજનના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કુલ ૧૮ ટીમો બનાવવામાં આવી હતી. અને જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર વિવિધ સાધનો સાથે ગોઠવાઈ હતી.આ તમામ ટીમોને જામનગર જિલ્લાની રોડરસ્તાની ભૌગોલીક પરિસ્થિતિ મુજબ અલગ અલગ જગ્યાઓ પર કાર્યરત કરવામાં આવેલ હતી. દરેક ટીમ જરૂરીયાત મુજબ જેસીબી, ટ્રેકટર, અને ડમ્પર જેવી મશીનરીથી સુસજ્જ હતી. આ ટીમો દ્વારા રસ્તાઓ અને સરકારી મકાનો પર ધરાશાયી થયેલ વૃક્ષોને દુર કરવા, રોડને વરસાદ તથા વાવાઝોડાથી થયેલ નુકશાનનું રીપેરીંગ કરવા સહિતની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચવવામાં આવતી અન્ય કામગીરી તાત્કાલીક ધોરણે પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.
આ તમામ ટીમોનું નોડલ અધિકારી તરીકે વી.એચ.ગૌસ્વામી, કાર્યપાલક ઈજનેર (સ્ટેટ) તેમજ કે.બી.છૈયા, ઈ.ચા. કાર્યપાલક ઈજનેર (પંચાયત) દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. નોડલ અધિકારીઓ દ્વારા કલેકટર તેમજ અન્ય વિભાગના જિલ્લા અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીને આ સમગ્ર આયોજનને પાર પાડવામાં આવેલ હતુ. જેમાં દરેક ટીમોએ દિવસરાત સતત કામગીરી કરી કુલ ૨૨૮ વૃક્ષો રોડ રસ્તા પરથી તાત્કાલીક દુર કર્યા હતા, જેના પરિણામ સ્વરુપે જામનગર જિલ્લાનો એક પણ રસ્તો બંધ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ ન હતો.
માર્ગ અને મકાન વિભાગના આયોજન, સમય સૂચકતા, ટીમોની એકતા તેમજ સંકલનના પરિણામે આટલાં ભયંકર બીપરજોય વાવાઝોડાનો સામનો કરી શકવામાં તંત્ર સફળ રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application