ડૉ. અતુલ ચગ આપઘાત કેસ મામલે અરજી બાદ પણ નથી નોંધાઇ FIR, રાજકોટમાં રઘુવંશી સમાજ મેદાને

  • February 21, 2023 10:12 PM 

વેરાવળના માનવતાવાદી લોહાણા ડોક્ટર અતુલભાઈ ચગને રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરવાની ફરજ પડે છે તે કિસ્સામાં સુસાઇડ નોટમાં નામ જોગ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી ફરિયાદ ન નોંધાતા લોહાણા સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવવા પામી છે.



રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટના નેજા હેઠળ આજે લોહાણા સમાજના આગેવાનો, ડોક્ટરો, વકીલો અને વિવિધ ક્ષેત્રના લોહાણા આગેવાનોએ અધિક જિલ્લા કલેકટર કેતનભાઇ ઠક્કરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ડોક્ટર અતુલભાઈ ચગે આપઘાત કરતા પહેલા લખેલી ચિઠ્ઠી પોલીસ પાસે છે અને તેમાં પોતાની આત્મહત્યા માટે જવાબદાર વ્યક્તિઓના નામ જાહેર કર્યા હોવા છતાં આજ દિવસ સુધી વેરાવળ પોલીસ દ્વારા એફઆઇઆર નોંધવામાં આવી નથી. પોલીસનું આ પ્રકારનું વર્તન શંકા ઉપજાવનારું છે.



વ્યક્તિને આત્મહત્યાનું ું દૂષપ્રેરણ આપવું એ ઇન્ડિયન પીનલ કોડની કલમ 306 ની જોગવાઈ મુજબ ગંભીર ગુનો બને છે. આ પ્રકારના ગુના સંદર્ભે નામદાર સર્વોચ્ચ અદાલતે લલિતકુમારના કેસમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતો મુજબ તાત્કાલિક એફઆઇઆર નોંધાવી જોઈએ પરંતુ આજ દિવસ સુધી એવું થયું નથી. આ બાબતના કારણે લોહાણા સમાજ પોતાને અન્યાય થયો હોવાની લાગણી અનુભવે છે. સાથોસાથ વેરાવળ પોલીસ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કામ કરવામાં નિષ્ફળ રહી છે તેવો આક્ષેપ રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.



રાજકોટ જિલ્લા કલેકટરને સંબોધીને લખેલા આવેદનપત્રમાં લોહાણા સમાજે આ કિસ્સામાં હોમ ડિપાર્ટમેન્ટને જાણ કરી વેરાવળ પોલીસ તાત્કાલિક એફઆઇઆર નોંધે તેવી માગણી કરવામાં આવી છે.


આવેદનપત્ર આપવામાં લોહાણા સમાજના આગેવાનો ડોક્ટર નિશાંત ચોટાઈ, ડોક્ટર હિમાંશુ ઠક્કર, ડોક્ટર પિયુષભાઈ ઉનડકટ, ધવલભાઈ ખખ્ખર, નટુભાઈ કોટક સંજયભાઈ લાખાણી, શ્યામભાઈ સોનપાલ, રાજુભાઈ પોબારૂ, દીપકભાઈ પોપટ આશિષભાઈ પુજારા ગૌરવભાઈ ખીરૈયા, પિયુષભાઈ ગોકાણી, ભુવનેશભાઈ અઢિયા વિમલભાઈ લાખાણી ચેતનભાઇ દેવાણી અલ્પેશભાઈ રૂપારેલીયા પિનાકભાઈ તન્ના નીતિનભાઈ રાયજાદા સુરેશભાઈ અભાણી કાળુભાઈ અભાણી, જય વિરાણી કે.એન.પાધી, અશોકભાઈ હિંડોચા રમેશભાઈ ગઢીયા દીપકભાઈ ચાંદરાણી મનીષભાઈ ઠક્કર નિરવભાઈ માનસાતા વિમલભાઈ રાચછ, ચેતનભાઇ માનસાતા વગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application