ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાના નાગરિકોને પણ એલ સાલ્વાડોરડિપોર્ટ કરવા માગે છે

  • April 15, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં હવે અમેરિકન સિટિઝન પણ ડિપોર્ટેશનથી બચી શકશે નહીં. અત્યાર સુધી ઈલીગલ ઈમિગ્રન્ટ્સ સહિત વેલિડ વિઝા ધરાવતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તથા ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પર તવાઈ બોલાવવામાં આવી છે ત્યાં હવે ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી ઈચ્છા વ્યક્ત કરી છે જેનાથી આગામી દિવસોમાં મોટો વિવાદ ઊભો થશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે હિંસક ગુનેગારો હોય તેવા અમેરિકન સિટિઝન્સને પણ ડિપોર્ટ કરીને એલ સાલ્વાડોરની જેલમાં તગેડી મૂકવા અંગે વિચાર કરી રહ્યા છે. જોકે, એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પનું આ પગલું અમેરિકન કાયદાનો ભંગ હશે. આમ હવે ઈલીગલ ઈમિગ્રન્ટ્સથી શરૂ થયેલું ટ્રમ્પનું માસ ડિપોર્ટેશન અભિયાન અમેરિકન સિટિઝન સુધી પહોંચી ગયું છે.

ડિપોર્ટેશન અંગે ટ્રમ્પની કોઈ પણ વાતને હળવાશથી લઈ શકાય નહીં કેમ કે આ અંગે તેમણે અત્યાર સુધી જે કંઈ પણ કહ્યું છે તેના પર અમલ ચોક્કસથી કર્યો છે. ભલે તેમને કાયદાકીય પડકારનો સામનો કરવો પડી રહ્યો હોય તેમ છતાં તે ડિપોર્ટેશન અંગે જે કહે છે તેનો અમલ કરતા આવ્યા છે. તેથી હિંસક ગુનેગાર હોય તેવા અમેરિકન સિટિઝનને એલ સાલ્વાડોર મોકલી દેવાની તેમની ઈચ્છા તે વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે ટ્રમ્પ નેચરલાઈઝ્ડ અને અમેરિકામાં જન્મ્યા હોય તેવા સિટિઝન્સના ડિપોર્ટેશન અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે, અને તેથી સિવિલ રાઈટ્સ એડવોકેટ્સે તેની સામે લાલબત્તી ધરી છે અને ઘણા લીગલ સ્કોલર્સ ટ્રમ્પની આ વાતને ગેરબંધારણીય માને છે.

હાલમાં સાલ્વાડોરના પ્રેસિડેન્ટ નાયબ બુકેલ અમેરિકના પ્રવાસે છે અને વ્હાઈટ હાઉસમાં તેમની સાથે મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, લોકોએ હંમેશા કાયદાનું પાલન કરવું પડશે, અમેરિકામાં લોકલ ક્રિમિનલ્સ છે જે લોકો પર આડેધડ હુમલા કરે છે, વૃદ્ધ મહિલાઓને બેઝબોલથી ફટકારે છે, આવા લોકો રાક્ષસો છે. ટ્રમ્પ આવા લોકોને અમેરિકામાંથી બહાર કાઢવા ઈચ્છે છે. જોકે, ટ્રમ્પે આ મામલે નેચરલાઈઝ્ડ સિટિઝન બન્યા હોય તેમના પર ધોંસ વધારી શકે છે, જેવું તેમણે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના કિસ્સામાં કર્યું છે.

શરૂઆતમાં તેમણે કેમ્પસ એક્ટિવિઝમમાં સામેલ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વિઝા રિવોક કરવાનું શરૂ કર્યું હતું પરંતુ હવે તે ટ્રાફિક નિયમોના ભંગ જેવા ગંભીર ન કહી શકાય તેવા ગુનામાં સામેલ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ડિપોર કરી રહ્યા છે. તેમ ટ્રમ્પ નાનો ગુનો કર્યો હોય તેનો આધાર બનાવીને નેચરલાઈઝ્ડ સિટિઝન્સને હાંકી શકે છે. જેની અસર ઈન્ડિયન્સ પર પણ પડી શકે છે કેમ કે નેચરલાઈઝ્ડ સિટિઝન બન્યા હોય તેવા ઈન્ડિયન્સની સંખ્યા ઘણી મોટી છે. તેવામાં જો ભૂતકાળામાં તેમનાથી કોઈ નાની ભૂલ થઈ હશે તો પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

જોકે, એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકન સરકાર કોઈ પણ કારણોસર સિટિઝન્સને બળજબરીથી દેશની બહાર તગેડી શકતી નથી. જોકે, વિદેશમાં જન્મેલા સિટિઝન્સ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ હોય કે પછી તેણે રાજદ્રોહ કરે તો તેની સિટિઝનશિપ છીનવી શકાય છે. આ ઉપરાંત નેચરલાઈઝ્ડ પ્રોસેસ દરમિયાન કોઈ તેમના બેકગ્રાઉન્ડ વિશેની સાચી માહિતી ન આપી હોય તેવા લોકોને પણ ડિપોર્ટ કરી શકાય છે. પરંતુ આ સિવાય અમેરિકન કાયદા હેઠળ એવી કોઈ જોગવાઈ નથી જે સરકારને સિટિઝન્સને દેશમાંથી હાંકી કાઢવાની મંજૂરી આપે છે, તેમ એક્સપર્ટ્સે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application