રૂ.1.70 લાખના 1.62 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે પ્રૌઢની કાર-બાઇક પડાવી લીધા

  • November 02, 2023 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વ્યાજખોરીના દુષ્ણને ડામવા પોલીસ લોકદરબાર સહિતના કાર્યક્રમો થયા રાજયવ્યાપી ઝુંબેશ ચલવવામાં આવી છતાં ચામડતોડ વ્યાજ વસુલનાર આવા શખસોને કાયદાનો કોઇ ડર જ ન હોય તેમ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી.ત્યારે શહેરના આનંદનગર કોલોની વિસ્તારમાં રહેતા પ્રૌઢે આનંદનગર કવાર્ટરમાં રહેતા શખસ પાસેથી રૂપિયા 1. 70 લાખ વ્યાજે લીધા બાદ રૂ.1.62 લાખની રકમ ચૂકવી દીધી હતી. છતાં આ શખસ હજુ રૂપિયા 1.20 લાખની પઠાણી ઉઘરાણી કરી પ્રૌઢની કાર અને બાઇક બળજબરીથી પડાવી ગયો હતો તેમજ તેને ધાક ધમકી આપતો હોય અંતે પ્રૌઢે આ ફરિયાદ નોંધાવી હતી.


વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના આનંદનગર કોલોની નીલકંઠ સિનેમા પાસે દેવપરા શાકમાર્કેટ પાછળ કાળા પથ્થરના ક્વાર્ટરમાં રહેતા શૈલેષભાઈ રામજીભાઈ વાઘસણા(ઉ.વ 53) દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આનંદનગર ક્વાટર્સમાં રહેતા સલીમ કાતરનું નામ આપવામાં આવ્યું છે.પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ફેબ્રિકેશનનું મજૂરી કામ કરે છે.આજથી આઠ એક મહિના પૂર્વે તેમને મીની ઘરઘંટીના ધંધા માટે તથા ફેબ્રિકેશનના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોય જેથી આનંદનગર કાવાર્ટરમાં રહેતા સલીમ કાતરને તેઓ ઓળખતા હોય તેને વાત કરી હતી.


સલીમ કાતરે 10 ટકાના વ્યાજે રકમ આપવાની વાત કરતા ફરિયાદીએ હા કહી હતી. બાદમાં પ્રોઢે તેની પાસેથી કટકે કટકે કરી કુલ રૂપિયા 1.70 લાખ 10 ટકા લેખે વ્યાજ લીધા હતા જે પેટે તેઓ દર મહિને રૂ.14,000 નું વ્યાજ ચૂકવતા હતા. ત્યારબાદ મહિના પૂર્વે રૂ.20,000 તેમણે પોતાના મોટાભાઈ પાસેથી લઈ સલીમને આપ્યા હતા. બાદમાં ભક્તિનગર સર્કલ પાસે નાગરિક બેંકમાં સવા બે તોલાની સોનાની હાશ્ડી ગીરવે પડી હોય 15 દિવસ પૂર્વે આ સોનાની હાંસડી આનંદનગરમાં રહેતા નિલેશ મહાજન પાસે બળજબરીપૂર્વક રૂ.88,500 માં વેચાવી દઈ લોન ભરપાઈ કરી બાકીના નીકળતા રૂપિયા 30,000 પણ આ સલીમ વ્યાજ પેટે લઈ ગયો હતો.


ફરિયાદી દર મહિને વ્યાજ ચૂકવતા હોવા છતાં સલીમ અવારનવાર તેમના ઘરે આવી ડેલી ખખડાવી ધાકધમકી આપી વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો ફરિયાદી અત્યાર સુધીમાં તેને રૂપિયા 1.62 લાખ ચૂકવી દીધા હોય છતાં હજુ તે રૂપિયા 1.20 લાખની વધુ માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો.એટલું જ નહીં આ શખસે પંદર દિવસ પૂર્વે ફરિયાદી દેવપરામાં કામ પર ગયા હતા અને તેમણે પોતાની અલ્ટો કાર અહીં દેવપરાના ચોક પાસે રાખી હોય સલીમ ધરાર તે કાર પડાવીને લઈ ગયો હતો. તેમજ ફરિયાદીનો પુત્ર ગોંડલ રોડ પર બુલેટના શોરૂમમાં નોકરી કરતો હોય સલીમે અહીં પહોંચી તેની પાસેથી બાઈક પણ બળજબરીથી પડાવી લીધું હતું. જેથી અંતે કંટાળી જઈ પ્રૌઢે આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે મનીલ એન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અંગે પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એન.વસાવા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી આરોપી સલીમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application