ખંભાળિયામાં જોધપુર ગેઈટથી ભગવતી હોલ સુધીનો રસ્તો પહોળો કરવા માંગણી

  • July 11, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નડતરરુપ દબાણ દૂર કરવામાં પાલિકાને કોની શરમ નડે છે...?: દુકાનદારોમાં પૂછાતો પ્રશ્ન

ખંભાળિયા શહેરમાં જોધપુર ગેઈટ નજીક આવેલા રોકડિયા હનુમાન મંદિરથી સતવારા સમાજની વાડી તરફ જતા રસ્તાને નવેસરથી સી.સી. રોડ બનાવવા અંગેની કામગીરીમાં કેટલુંક નળતરરૂપ દબાણ દૂર થતું ન હોવાના આક્ષેપ સાથે આ રોડ પૂરતી પહોળાઈ વાળો કરવાની માંગ આ વિસ્તારના દુકાનદારો દ્વારા કરવામાં આવી છે.
ખંભાળિયામાં ટ્રાફિકથી વ્યસ્ત એવા મહત્વના જોધપુર ગેઈટ પાસે આવેલા રોકડિયા હનુમાન મંદિર પાસેથી બજાણા રોડ ઉપર આવેલા ભગવતી હોલ સુધીના રસ્તા માટે રૂપિયા ૮૦ લાખની ફાળવણી કરવામાં આવી હતી. આ માર્ગને ૧૨ ફૂટ જેટલો પહોળો કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સી.સી. રોડના આ કામ દરમિયાન રસ્તા પર આવતી કેટલીક દુકાનોના કથિત ગેરકાયદેસર દબાણ તેમજ બાંધકામ અંગે નગરપાલિકા તંત્રએ કડક હાથે કાર્યવાહી કરવા અંગે તાજેતરમાં યોજાયેલી સંકલનની બેઠક બાદ કોઈ કારણોસર સધન રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી ન હતી અને આ માર્ગ પરની દુકાનોના કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ અંગે સ્થાનિક દુકાનદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ પ્રથમ વખત બનતા આ સી.સી. રોડથી આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશોને કાયમી સગવડ બની રહેશે. જેને ધ્યાને લઈ અને આ રસ્તો ૧૨ મીટર જેટલો પહોળો કરવાની માંગ કરવામાં આવી છે. આટલું જ નહીં, દુકાનદારો દ્વારા પત્રમાં કરવામાં આવેલા વિવિધ આક્ષેપો સાથે નગરપાલિકા દ્વારા બાકી રહેલા દબાણનો તાત્કાલિક દૂર કરી અને પહોળો-સાંકડો-પહોળો બનતો આ રસ્તો એકસરખો ૧૨ ફૂટનો બને તેવી રજૂઆત લેખિત રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને કરવામાં આવી છે.
આ પત્રની નકલ જિલ્લા કલેકટર, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પુનમબેન માડમ વિગેરેને મોકલી અને દબાણ દૂર કરવામાં કોઈપણની શેહ શરમ ન રાખવાની રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application