રાજકોટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયું: ૩ પકડાયા

  • May 07, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇપીએલ હવે અંતિમ ચરણમાં છે ત્યારે ક્રિકેટ સટ્ટાની મૌસમ પણ પુરબહાર ખીલી છે. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા વ્રજ એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફલેટમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપી લીધું છે. પોલીસે અહીં ક્રિકેટ સટ્ટો રમાડી રહેલા સાવરકુંડલાના બે અને સુરતના એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે અહીંથી છ મોબાઇલ ફોન,લેપટોપ સહિત કુલ રૂ.૭૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


પ્રાથમિક તપાસમાં માસ્ટર આઇડી આપનાર તરીકે રાજકોટના પ્રેમ બુધ્ધદેવનું નામ ખુલ્યું છે.આ શખસ જ અહીં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો.ઝડપાયેલા ત્રણેય શખસોને ૧૫ હજારમાં કામ પર રાખ્યા હતાં.જે માસ્ટર આઇડીમાંથી પેટા આઇડી બનાવી અન્ય ફોરવર્ડ કરતા હતાં. અહીં ભાડાના ફલેટમાં છેલ્લા બે માસથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાનું માલુમ પડયું છે. મુખ્ય સુત્રધાર પ્રેમ બુધ્ધદેવને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.


ક્રિકેટ સટ્ટાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.ડી.ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે,શહેરના પંચનાથ પ્લોટ મેઇન રોડ જય સીયારામ પેંડાવાળી શેરીમાં આવેલા વ્રજ એપાર્ટમેન્ટના ફલેટમાં કેટલાક શખસો ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે ડીસીબીની ટીમે અહીં વ્રજ એપાર્ટમેન્ટમાં પહેલા માળે આવેલા ફલેટ નં. સી- ૧ માં દરોડો પાડી અહીં ચાલી રહેલા ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપી લીધું હતું.


પોલીસે અહીંથી ક્રિકેટ સટ્ટો રમાડી રહેલા રીતેશ ઉર્ફે ભોલો પંકજભાઇ બોરીયા(ઉ.વ ૨૯ રહે. ખીમાળાનાકા,વરાછા, સુરત, મૂળ બોરતળાવ, ભાવનગર), રોનક નીતિનભાઇ બનજારા(ઉ.વ ૧૯ રહે. મધુવન સોસાયટી શેરી નં.૧ પાણીના ટાંકા સામે, જેસર રોડ, સાવકુંડલા) અને વિવેક ઉર્ફે કાનો મગનભાઇ સોલંકી(ઉ.વ ૧૯ રહે. રાધેશ્યામ સોસાયટી, બ્લોક નં. ૩૦ હાથસણી રોડ, સાવરકુંડલા) ને ઝડપી લીધા હતાં.દરોડા દરમિયાન ફલેટમાંથી લેપટોપ, બ્રોડબેન્ડ ડિવાઇસ, છ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૭૯,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


આ શખસો ભાવીન ૭૭૭ નામની માસ્ટર આઇડી રાજકોટના પ્રેમ બુધ્ધદેવ પાસેથી મેળવી આ આઇડી મારફત ગઇકાલે આઇપીએલની જી.ટી અને એમ.આઇ વચ્ચેની મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા હતાં.પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો માહિતી મુજબ રાજકોટનો પ્રેમ બુધ્ધદેવ ક્રિકેટ સટ્ટાનો મુખ્ય સુત્રધાર છે.હાલમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને તેણે ૧૫-૧૫ હજારના પગાર પર રાખ્યા હતાં.અહીં ફલેટ ભાડે રાખી તેમાં છેલ્લા બે માસથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો.પોલીસે માસ્ટર આઇ.ડી ધારક પ્રેમ બુધ્ધદેવને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application