પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત માજીદ ભાણુને ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ કરતી કોર્ટ

  • March 27, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય રાજ્ય પોલીસવડાના આદેશ મુજબ, ગુના આચરવાની ટેવ ધરાવતા શખ્સો સામે આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે, તેમાં કોર્ટે પોલીસની શહેરના કુખ્યાત ગુનેગાર માજીદ ભાણુને ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ કરવા હુકમ કર્યો હતો. અત્રે યાદ રહે માજીદ ભાણુ પોલીસની ફરજ રૂકાવટ ના ગુનામાં અટકાયત હેઠળ છે.


હકીકત મુજબ, પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુનેગારો વિરૂધ્ધ અટકાયતી પગલાં લેવા અને કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન પર છૂટેલા આરોપીના રિપોર્ટ રદ કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને જામનગર રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા કુખ્યાત આરોપી માજીદ ઉર્ફે માજલો રફીકભાઈ ભાણુના ગુજસીટોકના જામીન રદ કરવા પ્રનગરના પીઆઈ વી.આર.વસાવા દ્વારા એસીપીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.


જેથી એસીપી રાધિકા ભારાઈ દ્વારા કોર્ટમાં આરોપી માજીદ ભાણુના જામીન રદ કરવા અરજી આપી હતી. જેમાં ગુજસીટોકના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી દ્વારા આરોપી ગુનાહીત ઈતિહાસ ધરાવતો હોય તેમજ ગુજસીટોકના ગુનામાં જામીન મુક્ત થયે ફરીથી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતો હોય તેમજ તાજેતરમાં જ તેને પોલીસની ફરજ રૂકાવટ સબબ અટકમાં લેવાયો હોઇ અને કોર્ટની શરતો ભંગ કર્યો હોય તેવી દલીલો કરતા કોર્ટે ગુજસીટોકના ગુનામાં જામીન પર રહેલા માજીદ ભાણુના જામીન રદ કરવા હુકમ કર્યો છે. આરોપી માજીદ ભાણુ સામે રાજકોટમાં ૧૧ અને વડોદરામાં ૧ મળી કુલ ૧૨ ગુના નોંધાયા છે. આ કામમાં સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે યુવા ધારાશાસ્ત્રી તુષારભાઈ ગોકાણીએ રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application