મોદીના નવ વર્ષના શાસનમાં દેશ-ગુજરાતની કાયાપલટ: મુખ્યમંત્રી

  • July 03, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં કાર્યકર્તા સંમેલનમાં શનિવારે ભુપેન્દ્રભાઇએ કર્યુ સંબોધન: ઓશવાળ સેન્ટરના એસી હોલમાં ભાજપના દિગ્ગજોની હકડેઠઠ હાજરી

આજે ભારત પણ વિશ્ર્વ મહાસત્તાની હરોળમાં આવી ગયું છે, વિશ્ર્વમાં જયારે મુશ્કેલી પડે છે ત્યારે ત્યાંના પદાધીકારીઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સમાધાનની આશા લઇને આવે છે, પહેલા જયારે અમેરીકાએ ભારતને વિઝા આપવાની ના પાડી હતી અને આજે તો હવે જાઝમ બિછાવે છે, નરેન્દ્ર મોદીના નવ વર્ષના શાસનમાં ગુજરાત સહિત દેશની કાયાપલટ થઇ છે, આજે અમેરીકા જેવા દેશો પણ વડાપ્રધાનને ખુબ જ માન આપે છે અને લાલજાઝમ પાથરે છે, વડાપ્રધાને આયુષ્યમાન કાર્ડ થકી દેશની જનતાને વીનામુલ્યે સારવાર મળે તેવી યોજના જાહેર કરી છે તેનાથી લોકોને ખુબ લાભ થાય છે, જામનગરવાસીઓએ પણ પાણી અને વિજળીની સમસ્યા જોઇ છે અને સરકારે આ તમામ સમસ્યા ઉકેલી છે તેમ શનિવારે ઓશવાળ સેન્ટર ખાતે ભાજપના કાર્યકરોની જનસભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું.
તેમણે કહયુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી યોગ, પ્રાકૃતીક ખેતી અને પૌષ્ટીક ધાન્યના ઉપયોગની પ્રેરણા મળી છે, આજે પણ નાનામાં નાના માણસો માટે તેને અનુરુપ યોજના બનાવે છે અને છેવાડાના માનવી સુધી લોકોને લાભ મળે તે માટે તેઓ પ્રયત્નશીલ છે, વડાપ્રધાન મોદી જયારે વિદેશના પ્રવાસે જાય છે ત્યારે વિદેશમાં કોઇ મુશ્કેલી હોય તો તેઓ પણ સમાધાન માટે ભારત પાસે આશા રાખે છે, આજે દેશ અને ગુજરાતની જનતાએ વડાપ્રધાન ઉપર વિશ્ર્વાસ મુકયો છે અને ગુજરાતમાં પણ તેઓ વાઇબ્રન્ટ થકી ધંધા-રોજગાર લાવ્યા છે, દેશમાં આયુષ્યમાન કાર્ડ સહિત અનેક યોજના બની છે, એઇમ્સ સહિતની હોસ્પીટલો પણ વડાપ્રધાનના કારણે ઉપલબ્ધ છે ત્યારે ગુજરાત પર પણ વડાપ્રધાને વિશ્ર્વાસ મુકયો છે.
તેમણે કહયુ હતું કે ગુજરાતમાં હવે રાગીના પીઝા મળી શકે છે, વડાપ્રધાને દરેક માટે ભલુ વિચાર્યુ છે, કેન્દ્ર સરકારે નવ વર્ષ પુરા થયા છે ત્યારે ગુજરાત પણ આજે સંઘર્ષની પરિસ્થીતીમાંથી બહાર આવ્યું છે. ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદી થકી વાઇબ્રન્ટ ધંધા-રોજગાર આવ્યા છે અને મેડીકલ કોલેજ, પ્રવાસન સ્થળ અને એજયુકેશન તેમજ શાળા-કોલેજમાં વધુ વિકાસ તે માટે તેઓએ ખુબ જ પ્રયાસ કર્યા છે. ચુંટણી આવે ત્યારે રોજગારી કેવી રીતે આપવી તે પણ તેઓએ શિખડાવ્યુ છે અને તેના કારણે આજે દેશ વિદેશમાં આજે ધંધાની તક વધી છે, રાજકોટ જિલ્લામાં એક મલ્ટીલેવલની હોસ્પીટલમાં પણ આયુષ્યમાન કાર્ડ ચાલે છે તેના કારણે આ વિશ્ર્વની સૌથી આરોગ્યલક્ષી યોજના બની છે, ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, જનહીત યોજનાનો લાભ ગુજરાતને મળ્યો છે.
મુખ્યમંત્રીએ વધુમા કહયુ હતું કે ગુજરાતમાં પહેલા ૧૨૭૫ મેડીકલ સીટ હતી એ હવે ૬૯૫૦ થઇ છે, સાત દાયકામાં દેશમાં માત્ર આઠ એઇમ્સ હતી અને નવ વર્ષના ગાળામાં અત્યારે ૨૩ એઇમ્સ થઇ છે, અગાઉ ૬૪૧ મેડીકલ કોલેજ હતી જયારે આજે ૧૩૪૧ મેડીકલ કોલેજ છે. એટલે ગુજરાતને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણું બધું આપ્યું છે.
ગુજરાતના સહપ્રભારી સુધીર ગુપ્તાએ જણાવ્યુ હતું કે ગુજરાતનો કાર્યકર કામ કરવામાં માને છે, કામ કરવાના સ્વભાવથી હંમેશા ચાલતો રહયો છે, ગુજરાત હંમેશા સંધર્ષની સ્થીતીમાં બેઠુ થયું છે, લોકોએ ભુકંપ અને રમખાણો પણ જોયા છે, દેશ જયરે ભ્રષ્ટાચારથી ખદબદતો હતો ત્યારે વડાપ્રધાને વિશ્ર્વાસ અપાવ્યો હતો કે ભ્રષ્ટાચારને અમે દુર કરીશું, દુનિયામી પાંચમી આર્થીક વ્યવસ્થા ભારત બન્યું છે એટલુ જ નહીં હવે સેનાઓ સાધનો માટે બહારના દેશ ઉપર આધાર રાખવાની જરુર નથી અને ભારતમાં જ હવે શસ્ત્રો બની રહયા છે.
કૃષી મંત્રી રાઘવજી પટેલે તેમના વકત્વયમાં વડાપ્રધાનની નવ વર્ષની ગાથાને વર્ણવી હતી અને કહયુ હતું કે વિશ્ર્વના દેશો હવે ભારતને સલામ કરતા થઇ ગયા છે, અને કાર્યકરોને પણ ધન્યવાદ આપીને કહયુ હતું કે આગામી ચુંટણીમાં પણ કાર્યકરો ભાજપને જીતાડશે.
પુર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ કહયુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન લોકોના હૃદયમાં છે, મોદીજીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્ર્વગુરુ બનશે તેઓ ભારતીય સંસ્કૃતીને કેન્દ્રમાં રાખીને શાસન કરી રહયા છે તેમના શાસનમાં એક નવો ઇતિહાસ રચાઇ રહયો છે અને પ્રજાની પીડાને દુર કરવા માટે ભાજપે જીતવું જ જોઇએ.
સાંસદ પુનમબેન માડમે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારે નવ વર્ષમાં જામનગર જીલ્લાને ખુબ જ આપ્યું છે એ વાત આપણે ગૌરવથી કહી શકીએ છીએ, છેવાડાના માનવીના વિકાસ માટે કેન્દ્ર સરકાર ખુબ જ પ્રયત્નશીલ છે, આજે વિશ્ર્વમાં પણ ભારતે ડંકો વગાડયો છે અને વડાપ્રધાનના હાથ મજબુત કરવાની હવે આપણી જવાબદારી છે.
આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય પબુભા માણેક,  મેઘજીભાઇ ચાવડા, દિવ્યેશ અકબરી, મેયર બીનાબેન કોઠારી, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, જીલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, દ્વારકાના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, પુર્વ મંત્રી ચીમનભાઇ શાપરીયા, વસુબેન ત્રિવેદી, દ્વારકાના ભાજપ પ્રમુખ મયુરભાઇ ગઢવી, ગોવા શીપીંગ યાર્ડના ડાયરેકટર હસમુખભાઇ હિંડોચા, પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, ભાનુભાઇ મહેતા સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application