તપાસના નાટક વિરુદ્ધ કોંગ્રેસનો સીપી કચેરીને ઘેરાવ

  • June 15, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમઝોનમાં ગત તા. 25/5 ના લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત 27 ના મોત થયા હતા. અગ્નિકાંડની આ ગંભીર ઘટનામાં તપાસ ચલાવી રહેલી સીટની ટીમ દ્વારા માત્ર નાની માછલીઓને પકડવામાં આવી ઔપચારિકતા પૂરી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ સાથે આજરોજ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અગાઉથી જાહેર થયેલા કાર્યક્રમ મુજબ કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવનથી રેલી યોજી પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવ કર્યો હતો. જેના પગલે એક તબક્કે અહીં વાતાવરણ તંગ બની ગયું હતું. કમિશનર કચેરીએ બેરીકેડ લગાવી દેવામાં આવ્યા હોય કોંગ્રેસીઓ દ્વારા દિવાલ ટપી અંદર ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ જિલ્લા પંચાયત ચોક પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસી કાર્યકરોને અહીંથી દૂર કયર્િ હતા. બાદમાં આ મામલે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકર, જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી સીટમાં રહેલા અધિકારીઓની બદલી કડક અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
તો બીજી તરફ પોલીસ કમિશનર બહાર કોંગ્રેસી કાર્યકરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના આજના આ કાર્યક્રમને લઈ પોલીસ બેડામાં રીતસર દોડધામ મચી ગઈ હતી.


રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં યોગ્ય દિશામાં ન તપાસ થઈ રહી હોય અને મોટા માથાઓને બચાવી લેવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આજરોજ બહુમાળી ભવનથી રેલી કાઢી સીપી કચેરીએ ઘેરાવના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના આ કાર્યક્રમને લઈ સવારથી જ પોલીસ કમિશનર કચેરીએ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


સવારે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો બહુમાળીભવન ચોક ખાતે એકત્ર થયા હતા જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, અમિત ચાવડા, વિમલ ચુડાસમા, જેનીબેન ઠુંમર તથા રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ અહીં એકત્ર થયા હતા. બાદમાં રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા.


પોલીસ કમિશનર કચેરી અગાઉથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોય અને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હોય કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ દિવાલ ટપી અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી એક તબક્કે મામલો તંગ બની ગયો હતો તો બીજી તરફ મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા પંચાયત ચોક પર ચક્કાજામ કરી રસ્તો બંધ કરી દીધો હતો. જેના પગલે અહીં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખુદ સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસી નેતાઓ રસ્તા પર ધારણા કરવા માટે બેસી જતા સ્થિતિ કાબુમાં લેવામાં પોલીસને પરસેવો વળી ગયો હતો.કોંગ્રેસી કાર્યકરોએ અહીંથી પસાર થતી એસટી બસને રોકી તેના પર ચડી ગયા હતા. બાદમાં પોલીસ દ્વારા ટિંગાટોળી કરી કોંગ્રેસી કાર્યકરોને અહીંથી દૂર કરી ટ્રાફિકપૂર્વત કરાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસી આગેવાનોની પ્રતિનિધિ મંડળ ગેમઝોનની આ ઘટનાને લઇ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યું હતું તે સમયે અહીં પોલીસ કમિશનર કચેરી સંકુલમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોંગ્રેસી કાર્યકરોએ રામધુન બોલાવી હતી.


કોંગ્રેસી આગેવાનો અને પોલીસ કમિશનર વચ્ચે એકાદ કલાક જેટલી મેરથોન મીટીંગ ચાલી હતી. જેમાં કોંગ્રેસી અગ્રણીઓએ ટીઆરપી ગેમઝોન અગ્નીકાંડની આ ઘટનામાં તપાસ ચલાવી રહેલી સીટની ટીમ દ્વારા સંકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. અગ્નિકાંડની આ ઘટનામાં આઈપીએસ સુધા પાંડે, સુજાતા મજમુદાર, નિરિલિપ્ત રોય સહિતના નોન કરપ્ટેડ અધિકારીઓ પાસે તપાસ કરાવવા માટે માંગણી કરવામાં આવી હતી.


કોંગ્રેસ દ્વારા આજના આ રેલી અને પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવના કાર્યક્રમ બાદ તારીખ 25 ના રોજ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજરોજ કોંગ્રેસના આ ઉગ્ર વિરોધ પ્રદર્શન લઇ પોલીસમાં દોડાદોડી થઈ ગઈ હતી. જો કે પોલીસે પણ કેનેહપૂર્વક કામ લેતા જેથી કોઈ માથાકૂટ કે ઘર્ષણ ન બનાવ બન્યો ન હતો.

રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં તપાસ યોગ્ય ન થઈ રહી હોવાના આક્ષેપ સાથે આજરોજ કોંગ્રેસ દ્વારા રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવ કરવામાં આવ્યો હતો. તસવીરમાં બહુમાળી ભવનથી કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી બાદમાં જિલ્લા પંચાયત ચોકમાં કરવામાં આવેલા ચકકાજામમાં ખૂદ સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના રસ્તા પર બેસી ગયા હતા. પોલીસ કમિશનર કચેરી સંકુલ માં કોંગ્રેસી કાર્યકરો દ્વારા બોલાવવામાં આવેલી રામધૂન તથા પોલીસ કમિશનરને રજૂઆત કરી રહેલા કોંગ્રેસના આગેવાનો તસવીરમાં નજરે પડે છે.


કોંગ્રેસી કાર્યકરો દીવાલ કૂદી સીપી કચેરીમાં જવાનો પ્રયાસ કર્યો
પોલીસ કમિશનર કચેરીના ઘેરાઓના આ કાર્યક્રમ દરમિયાન અહીં કમિશનર કચેરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હોય કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ દિવાલ કૂદી અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે તેમને સફળ થવા દીધા ન હતા.


કેટલાક કોંગ્રેસી કાર્યકરો એસટી બસ પર ચડી ગયા
કમિશનર કચેરીએ ઘેરાવના આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત ચોકમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો એસટી બસ પર ચડી ગયા જઇ રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો.બાદમાં પોલીસે ટીંગાટોળી કરી આ કાર્યકરોને અહીંથી દૂર કર્યા હતા.


જેના પર લોકોને વિશ્ર્વાસ હોય તેને તપાસ સોંપવી જોઈએ: ગેનીબેન

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે આજની આ રજૂઆત બાદ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરને મળી તેમને વિગતથી માહિતગાર કયર્િ છે. જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તેવા જ અધિકારીઓ તપાસ કરે તો સત્ય બહાર આવી શકે નહીં. ગુજરાત પોલીસ વિભાગમાં જેનું સારૂ નામ છે તેમજ જેના પર લોકોને વિશ્વાસ હોય તેવા અધિકારીઓને તપાસ સોંપવી જોઈએ જુદા-જુદા વિભાગમાંથી પીડિતના વકીલો અને પરિવારો જેના નામ કહે છે તેની સામે તપાસ થવી જોઈએ.


નોનકરપ્ટ અધિકારીઓને તપાસ નહીં સોંપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે: જીગ્નેશ મેવાણી
અગ્નિકાંડની આ ઘટનાને લઇ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આજરોજ થયેલી રજૂઆતમાં પોલીસ કમિશનરે યોગ્ય તપાસની ખાતરી આપી છે. પણ અમને ભાજપ સરકાર પર ભરોસો નથી. જ્યાં સુધી નોનકરપ્ટ અધિકારીઓને તપાસ નહીં સોંપવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રાખવામાં આવશે. આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવાની સાથે પીડીતો માટે રૂપિયા એક કરોડનું વળતર તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક વર્ષમાં ચુકાદો આવે તે રીતે કેસ ચલાવવાની માંગણી કરવામાં આવી છે. સાથોસાથે તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, શા માટે અને કોના ઇશારે ક્રાઇમ સીનને કોમ્પ્રોમાઈઝ કરવામાં આવ્યો તેની પણ તપાસ કરવામાં આવી જોઈએ.


અગ્નિકાંડમાં ઇજાગ્રત એમ્બ્યુલન્સમાં રજૂઆત કરવા માટે આવી પહોંચ્યો
અગ્નિકાંડની આ ઘટનામાં પાંચથી વધુની જિંદગી બચાવનાર ટીઆરપી ગેમઝોનનો કર્મચારી જામનગરમાં રહેતો મનીષ રમેશભાઈ ખીમસુરીયા બીજા માળેથી કૂદી જતા ઇજાગ્રસ્ત થયો હતો. આજરોજ કોંગ્રેસની આ રજૂઆતમાં મનીષ એમ્બ્યુલન્સમાં અહીં રજૂઆત કરવા માટે સાથે આવ્યો હતો. તેના પરિવારે જણાવ્યું હતું કે ન્યાય મળે તે જ અમારી માંગણી છે. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી તેમના પરિવારને સરકાર તરફથી કોઈ સહાય ચૂકવવામાં આવી નથી.


એક શખસ સળગતી સગડી લઈને આવ્યો
કોંગ્રેસના વિરોધના આ કાર્યક્રમ દરમિયાન એક શખસ પોતાના હાથમાં સળગતી સગળી લઈને આવ્યો હતો. જો કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તુરંત તેને અહીંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. પોલીસને પણ કહ્યું હતું કે,આ કોઈ કોંગ્રેસી કાર્યકર નથી આની સામે કાયદેસરની કાર્યવાહી કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application