ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારના માર્ગને બંધ કરનારા શખસો સામે આવેદન

  • November 18, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષો જુના રસ્તા પર અડચણ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત

ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં વર્ષો જુના હયાત રસ્તા પર થાંભલા ખોડીને અડચણ ઉભી કરતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા સ્થાનિક રહીશો તથા આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં પોરબંદર રોડથી રામ મંદિરથી જુવાનગઢ સુધી તરફ જતા વર્ષો જુના જાહેર રાહ-રસ્તાને વર્ષો અગાઉ સરકાર દ્વારા રાહત કામ મારફતે બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાનો ઉપયોગ આજ સુધી અનેક ગામોના લોકો કોઈપણ પ્રકારની રોકટોક વગર કરતા આવ્યા છે.
આટલું જ નહીં, રામનગર વિસ્તારમાં આવેલી અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિદ્યાર્થીઓને આવવા-જવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે.
ગત તારીખ ૧૧ નવેમ્બર ના રોજ ખંભાળિયામાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા એક શખ્સ અન્ય ચાર શખ્સો સાથે મોટરકારમાં આવી અને બપોરના સમયે જેસીબી વાહન મારફતે આ માર્ગ પર કોઈપણ પ્રકારની સરકારી કે જરૂરી પરવાનગી વગર આ રસ્તો બંધ કરી અને અહીં સિમેન્ટના થાંભલા ઉભા કરી દીધા હોવાનું બહાર આવ્યું છે આટલું જ નહીં, કથિત રીતે ઝનૂની સ્વભાવના કહેવાતા આ શખ્સો દ્વારા વર્ષો જૂના આ રસ્તાને ગેરકાયદેસર રીતે બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિક રહેશો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ પ્રકરણમાં જાણવા મળતી વિગત મુજબ આ જમીન શરતભંગ સબબ હાલ સરકારે પરત લઈ લીધી હોય, અને આ અંગેનો કેસ અહીંની પ્રાંત કચેરીમાં પણ ચાલુ હોવા વચ્ચે કેટલાક મળતીયા શખ્સો દ્વારા વર્ષો જૂનો આ જાહેર રાહ-રસ્તો બંધ કરવાનો આ ગેરકાયદેસર પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
સ્થાનિક રહીશો માટેના આ ગંભીર પ્રશ્ન સંદર્ભે ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય, તાલુકા પંચાયતના સભ્યો, ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ અને સંયુક્ત સહીઓ સાથેનું એક વિગતવાર આવેદન જિલ્લા કલેકટરને સોંપવામાં આવ્યું છે. પ્રજા ઉપર ધાક જમાવવાના આ પ્રયાસને સ્થાનિક રહીશોએ ગેરકાયદેસર ગણાવી અને આ મુદ્દે તાકીદે કડક કાર્યવાહી કરવાની માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
આ મહત્વના પ્રશ્ને જો આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. આ પત્રની નકલ નાયબ કલેક્ટર, મામલતદાર, સાંસદ તથા કેબિનેટ મંત્રીને પણ મોકલવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application