સોમવારથી ભાતીગળ તરણેતરના મેળાનો પ્રારંભ

  • September 16, 2023 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો આ વર્ષે  તા.૧૮ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી યોજાશે.એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર દસમા શૈકાનું છે આથી તે કલાપૂર્ણ છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે પણ જાણીતી છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ તરણેતર પડ્યું છે. ત્રિનેત્ર શિવ-લોકભાષામા તરણેતર (ત્રણ નેતર) થી પ્રખ્યાત છે.ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે. (૧) તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને (૨) હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો. અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અહીં અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું.મંદિરના પ્રાંગણમાં એક કુંડ છે. આ કુંડમાં જ બ્રહ્માજીએ સૈકાઓ પહેલાં મહાદેવની આરાધના કરતા હતા ત્યારે મહાદેવને ચઢાવવાના એક હજાર કમળોમાંથી એક કમળ ઓછું થયું હતું. હકીકતમાં બ્રહ્માજીની પરીક્ષા લેવા જ મહાદેવજીએ એક કમળ ઉપાડી લીધું હતું. પરંતુ બ્રહ્માજીએ તો પોતાના ચક્ષુને જ હજારમા કમળ તરીકે ભગવાનને અર્પણ કરી દીધું હતું. આથી ભગવાન પ્રસન્ન થયા.બ્રહ્માજીની આંખ તો સારી કરી આપી, પરંતુ બ્રહ્માજીએ ચઢાવેલું ચક્ષુ પોતાના લલાટમાં ધારણ કર્યું ત્યારથી શંકરત્રિનેત્રેશ્વર કહેવાયા. એક માન્યતા એવી છે કે ભાદરવા સુદ પાંચમના દિવસે (ૠષિ પંચમી) સવારે ગંગામાતા આ સ્થળને પાવન કરે છે. ભારત વર્ષના ૠષિવરો આ કુંડમાં સ્નાન કરવા આવે છે તેથી કુંડની પાણીની સપાટી તે દિવસ ઊંચી આવે છે. આજે પણ આ કુંડની સપાટી આ દિવસે ઊંચી આવે છે.આ સ્થાન વાસુકી નાગની ભૂમિ કહેવાય છે અહીં ફરતા બાર બાર કિલોમીટર સુધી મોટા નાગ રહે છે.થોડે દૂર પાસેની ટેકરી ઉપર સૂર્યદેવના મંદિરમાં સૂર્યનારાયણની રૂપાની મૂર્તિ છે. તરણેતરમાં આ મંદિર પાસે ભાદરવા મહિનામાં ખૂબ મોટો મેળો ભરાય છે, જે જગવિખ્યાત છે. મેળામાં આસપાસના ગ્રામજનો ગાન-વાદન અને નૃત્ય મસ્ત રહે છે. રંગબેરંગી પોશાક ધારણ કરી ફૂમતાં ને રંગબેરંગી સુશોભિત છત્રીઓ ધારણ કરી સૌરાષ્ટ્રની જાતજાતની જાતિઓ આહીરો- રબારીઓ- કાઠીઓ ભરવાડો ઉપરાંત અનેક લોકો ભાતભાતના ભરત ભરેલા પોશાક પહેરીને અહીં એકઠા મળે છે.મૂછે તાવ દેતા જુવાનિયાઓ રંગબેરંગી છોગાં પહેરી પોતાની મનગમતી યુવતી સાથે નૃત્ય કરવા માંડે છે. હુડો રાસ, દાંડિયા રાસ- છત્રીનૃત્યો દ્વારા લોકલાગણી વ્યક્ત થતી રહે છે. નાચતા રમતા, ઉલ્લાસભર્યા વાતાવરણમાં યુવાન- યુવતી મસ્તીથી હેલે ચડી જાણે મનના માણીગર સાથે આનંદ હિલોળા લેતા હોય તેવું લાગે છે. તરણેતર એટલે લોકજીવનનો ઉમંગમેળો- ઉત્સાહમેળો, રંગમેળો, પ્રણયમેળો.પુરાણા ખંડેર થઈ ગયેલા ભગવાન ત્રિનેત્રેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા કરાવીને ઈ.સ. ૧૯૦૨માં લખતરના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની સ્મૃતિમાં કરાવ્યો હતો.હાલમાં મંદિરની આસપાસ ૮થી ૧૦ પગથિયાવાળો કુંડ છે. મધ્યમાં તુલસી ક્યારો છે. મંદિરમાં કુંડમાં પડતું પ્રતિબિંબ એક સુંદર દ્રશ્ય ઉભું કરે છે. હાલમાં મંદિરની બાંધણી ૧૪મી સદીના સ્થાપત્ય મુજબ છે. આ સ્થળને પુરાતત્તવ વિભાગ તરફથી રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.ઈ.સ. ૧૯૦૨માં પ્રતિષ્ઠા કરાયા બાદ û પચાસ હજાર ખર્ચીને કળાકારીગરીવાળું શિખરબંધી મંદિર બંધાવ્યું હતું.  આ મંદિર મુખ્યત્વે સોલંકી કાળ પહેલાંની નાગરશૈલીનું જણાય છે. મંદિરની ત્રણે બાજુએ કુંડ આવેલા છે.


ગુજરાતના સુપ્રસિદ્ધ પુરાતત્તવવિદ મધુસૂદન ઢાકી આ મંદિરનો સમય ઈ.સ. ૯૨૫નો કહે છે, પરંતુ ડો. બર્જેસના ફોટા અનુસાર તેનો સમય અગિયારમા સૈકાનો હોય તેવું કહી શકાય.આ મંદિરની બાંધણીની શૈલી થાનમાં આવેલા મુનિ બાવાના મંદિરની શૈલી સાથે સામ્ય ધરાવે છે.આ બંને મંદિરો એક જ સરખા સમયના હોવાનું મનાય છે. આ મંદિરમાં ગર્ભગૃહ અંતરાલ અને મંડપ છે. આ મંડપની ત્રણે બાજુએ હાલ શૃંગાર ચોકીઓની રચના છે.તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે. જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે. કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય. શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.મંદિરની જગતીની ત્રણ બાજુએ પથ્થરમાંથી બનાવેલો કુંડ આવેલો છે. તેને વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવોના નામ જોડ્યા છે. મંદિરની પ્રવેશ બાજુ પરના ભાગે જોડાયેલા મોટા પથ્થરોના પુલ વડે સામેની બાજુનો પ્રવેશ માર્ગ જોડાયેલો છે. 
​​​​​​​
આ મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે. તેથી તે મંદિરના નામ કરતાં ય તરણેતરના મેળાના સ્થાન તરીકે વધુ જાણીતું થયું છે. પાંચાલની કંકુવરણી ભોમકાના આ જગમશહૂર મેળાનો પ્રારંભ બે સદીઓ પૂર્વે થયો હોય તેવી માન્યતા છે. તરણેતરના મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્તવ અપાયું છે. દેશ-પરદેશના વિદેશીઓ મેળો મહાલવા અહીં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application