જામનગરમાં ઠંડી એકાએક વધી: તાપમાન પ્રથમ વખત ૧૨.૫ ડીગ્રી

  • December 11, 2023 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના ગામડાઓમાં ઠંડીની અસરથી લોકોએ ગરમ કપડા પહેરવાના શરુ કર્યા: ઠંડીને કારણે બસ અને ખાનગી વાહનોમાં મુસાફરો ઘટયા

શિયાળો મોડો-મોડો પણ શરુ થઇ ચૂકયો છે, જામનગર સહિત સમગ્ર હાલારમાં રવિવાર અને સોમવારે ઠંડીનું સામ્રાજય જોવા મળ્યું છે, રવિવારે ૧૩ ડીગ્રી થયા બાદ આજે પ્રથમ વખત લઘુતમ તાપમાન ૧૨.૫ ડીગ્રી થતાં લોકોએ ગરમ કપડા પહેરવાના શરુ કર્યા છે, ઠંડીને કારણે ગામડાઓમાં તાપણા શરુ થયા છે, એસ.ટી. બસ અને ખાનગી વાહનોમાં મુસાફરો પણ ઘટયા હોવાનું જાણવા મળે છે, ગામડાઓમાં લોકોએ હવે રાત્રે વહેલા ઘરે જવાનું શરુ કર્યુ છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે, જેને કારણે વાદળા પણ બંધાયા હોય ઠંડી પડવાની શકયતા હતી અને ગઇકાલ બપોર બાદ ઠંડો પવન ફુંકાયો હતો, પરંતુ ગઇકાલે સાંજે અને આજે સવારે ઠંડીની શરુઆત જોવા મળી હતી, ગુજરાતમાં કેટલાક સ્થળોએ તાપમાન ૧૦ ડીગ્રી નીચે પહોંચી ગયું હતું.
ઠંડીને કારણે તાપમાનમાં વધ-ઘટ થયા કરે છે અને આજે તાપમાન ૧૨.૫ ડીગ્રી છે પરંતુ પવનની ઝડપ સારી છે તેથી સવારથી જ વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૨.૫ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૭.૫ ડીગ્રી રહ્યું હતું,  હવામાં ભેજ ૮૨ ટકા અને પવનની ગતિ ૫ થી ૧૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગરમાં ગઇકાલે સાંજે પણ તેજ ગતિએ પવન ફુંકાયો હતો, એટલું જ નહીં પવનની ગતિ ધીમે-ધીમે ૩૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી, લોકોએ સ્વેટર અને મફલર બહાર કાઢયા હતાં, હાલારના તાલુકા મથકો ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, સલાયા, ફલ્લા, ભાટીયા સહિતના ગામોમાં પણ આજ સવારથી ઠંડક જોવા મળી છે.
ઠંડીને કારણે દાંડીયા હનુમાન, ભીડભંજન, ટાઉનહોલ પાસે ડીકેવી કોલેજ, ખોડીયાર કોલોની વિસ્તારમાં ફુટપાથ પર સુતા કોર્પોરેશનના સેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે, શનિવારે તાપમાન ૧૫ ડીગ્રી આસપાસ હતું ત્યારબાદ રવિવારે તેમાં બે ડીગ્રીનો ઘટાડો થયો હતો અને આજે ફરીથી આ તાપમાન ૧૨.૫ ડીગ્રીએ પહોંચી ગયું છે, જામનગર શહેરમાં ચા, કોફી, કાવો સહિતની વસ્તુઓમાં વેંચાણ વધી ગયું હતું, ગામડાઓમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી, છેલ્લા બે દિવસથી જામનગરથી બહારગામ જતી એસ.ટી. બસ અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા થોડી ઘટેલી જોવા મળી હતી, બીજી તરફ ગરમ કપડાની બજારમાં પણ વેંચાણ વધી ગયું હતું અને લોકો સ્વેટર, શાલ, મફલર, જેકેટ અને અન્ય ગરમ કપડા ખરીદવા માટે બજારમાં જોવા મળ્યા હતાં, આ વખતે લગભગ એકાદ મહીનો ઠંડી મોડી શરુ થઇ છે, હવે આખો મહીનો ઠંડીનો રહે તેવી શકયતા છે તેમ હવામાન ખાતાનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application