ચંદ્રની જમીનના નમૂના લઈ ચીનના અવકાશયાનનું પૃથ્વી પર કમબેક

  • June 26, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનનું માનવરહિત અવકાશયાન ચંદ્રના દૂરના અજાણ્યા વિસ્તારોની જમીનના નમૂના લઈને પૃથ્વી પર પરત આવી ગયું છે. ચાંગઈ-6 લગભગ બે મહિના પછી ઇનર મંગોલિયાના રણપ્રદેશમાં ઊતર્યું છે. વૈજ્ઞાનિકો ચાંગઈ-6ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. કારણ કે ચંદ્રથી લવાયેલા નમૂના તેની ઉત્પત્તિ વિશે કેટલાક મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ આપી શકે છે. ચીન એકમાત્ર દેશ છે જે ચંદ્રના દૂરના ભાગ પર ઊતર્યો છે. ચીનનું અવકાશયાન 2019માં પણ ચંદ્રના દૂરના ભાગ પર ઊતર્યું હતું.ચંદ્રના આ વિસ્તારમાં અવકાશયાનની લેન્ડિંગ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. કારણ કે લાંબું અંતર, વિશાળ ખાડાઓ અને ઓછી સપાટ જગ્યાને કારણે અહીં લેન્ડિંગ મુશ્કેલ છે.વૈજ્ઞાનિકો ચંદ્ર પર અભિયાનો મોકલવામાં એટલા માટે રસ દાખવે છે, કારણ કે તેમને લાગે છે કે ત્યાં બરફના અંશ હોઈ શકે છે, જે ઑક્સિજન, પાણી અને હાઇડ્રોજન બનાવવામાં મદદરૂપ પુરવાર થઈ શકે છે.

ચીન માટે ચાંગઈ-6 અભિયાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આ અભિયાનથી ચીન પોતાના પ્રતિસ્પર્ધી અમેરિકાને પડકાર આપી શકે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચાંગઈ-6 અભિયાનના કમાન્ડ સેન્ટરના લોકોને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. જિનપિંગે કહ્યું મને આશા છે કે તમે અવકાશમાં આપણાં અભિયાનો ચાલુ રાખશો.જિનપિંગ ઉમેર્યું કે મને આશા છે કે વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધનો ચાલુ રાખશે અને બ્રહ્માંડના ભેદને ઉકેલવામાં નવી સફળતાઓ મેળવશે અને માનવતાને લાભ પહોંચાડશે. આ સાથે જ તેઓ રાષ્ટ્રને પણ આગળ વધારશે.

ચાંગઈ-6 મિશનને મે માસની શરૂઆતમાં લોન્ચ કરાયું’તું
ચાંગઈ-6 મિશનને મે મહિનાની શરૂઆતમાં એક અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનું લક્ષ્ય ચંદ્રના દૂરના વિસ્તારોમાંથી દુર્લભ પથ્થરો અને માટીના નમૂના એકઠા કરવાનું હતું.ચીનનું આ અવકાશયાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિન ભાગ પર લેન્ડિંગ કર્યું હતું. આ ભાગને પૃથ્વી પરથી જોઈ શકાતો નથી.સ્કોટલેન્ડના શાહી ખગોળશાસ્ત્રી કેથરીન હેમેન્સે આશા વ્યકત કરી છે કે આ નમૂનાનો ઉપયોગ ખગોળ અને ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનું પરીક્ષણ કરવા માટે થશે કે 4.5 અબજ વર્ષો પહેલાં ચંદ્ર કેવી રીતે બન્યો અને શું તે પૃથ્વીના ખૂબ જ પ્રારંભિક સમયમાં થયેલી અથડામણને કારણે બન્યો હતો? એ સહિતના મુદાઓ પર ગહન સંશોધન હાથ ધરી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application