ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા જામ્યુકો હસ્તકના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે ભુપેન્દ્રભાઇ પટેલ: ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જોડાશે: મીલેટ એક્ષ્પોને પણ ખુલ્લો મુકશે: રાત્રે રિલાયન્સમાં યોજાનાર પ્રિ-વેડીંગ સેરેમનીમાં હાજરી આપશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે જામનગર જિલ્લાને રુા. ૫૨૦.૮૬ કરોડના ૧૫ વિકાસ કામોની ભેટ આપશે, જુદા-જુદા સ્થળે લોકાર્પણ અને ખાતુમુર્હુત એમના હસ્તે કરવામાં આવશે, ગૃહમંત્રી હર્ષ સંઘવી એમની સાથે ઉપસ્થિત રહેશે, અહીંના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રિલાયન્સ ગ્રીન ખાતે અંબાણી પરિવારની પ્રિ-વેડીંગ સેરેમનીમાં હાજરી આપશે. પોલીસ દ્વારા લોખંડી-સુરક્ષા ગોઠવવામાં આવેલ છે અને બીજી તરફ ભાજપ દ્વારા મુખ્યમંત્રીને ભવ્ય આવકાર આપવા તૈયારીઓ કરી લેવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે જેમાં તેઓ બપોરે ૩ કલાકે બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી અંદાજીત રુા. ૨૪૦૨.૨૯ લાખના ખર્ચે નિર્મિત થનાર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહુર્ત કરશે. ત્યારબાદ તેઓ પોલીસ હેડક્વાટર ખાતે નિર્માણ પામેલ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનુ લોકાર્પણ કરશે.લોકાર્પણ બાદ તેઓ એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ આવેલ જે.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાનાર મીલેટ એક્ષ્પોને ખુલ્લો મૂકી જાહેર સભાને સંબોધન કરશે તેમજ જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે.
વિમાની મથકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદભાઇ ખીમસુરીયા તથા જામ્યુકોના પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને મહામંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા તથા તેમની ટીમ ઉપરાંત કલેકટર ભાવિન પંડયા, એસ.પી. પ્રેમસુખ ડેલુ, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીડીઓ વિકાસ ભારદ્વાજ સહિતના અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવશે. આ પછી તેઓ જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપવા રવાના થશે.
***
જામનગર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વિશેષતાઓ
જામનગર ખાતે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે સરકાર દ્વારા આશરે ૧૨ એકર જમીન ફાળવવામાં આવી છે. જેમાં ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ, ૧૦૦ મી. શુટીંગ રેન્જ તથા આઉટડોર ગેમ્સમાં ૪૦૦ મીટર મડી એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે વોલીબોલ કોર્ટ, બે કબડ્ડી મેદાન, ખો-ખો કોર્ટ, ચાર ટેનીસ કોર્ટ, બે બાસ્કેટબોલ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ જિલ્લા રમત સંકૂલના નિર્માણથી જામનગર જિલ્લાની યુવા પેઢીને રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા વિકસીત કરવાની વિપુલ તકો પ્રાપ્ત થશે.
***
પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા વોકીંગ-રનીંગ ટ્રેકનું થશે લોકાર્પણ
શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતેના પરેડ ગ્રાઉન્ડની બાજુના ખાલી મેદાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ૬૩ મીટરની ત્રિજ્યાવાળુ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની ફરતે ૦૫ (પાંચ) મીટરની પહોળાઇવાળો ૪૦૦ મીટરનો વોકીંગ/રનીંગ ટ્રેક બનાવવામાં આવેલ છે.આ ઐતિહાસિક મેદાન ખાતે સચિન તેંદુલકર, સલીમ દુરાની, રવિન્દ્ર જાડેજા, નવજોત સિદ્ધુ, વિનોદ કાંબલી, રવિ શાસ્ત્રી, પ્રભાકર, અરૂણલાલ, વેંકટપતિ રાજુ, રોબિનસિંઘ, પાર્થિવ પટેલ, પઠાણ બંધુ વિગેરે જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમ્યાન પ્રેકટીસ કરેલ છે. જેથી ક્રિકેટ ચાહકો માટે પણ આ ગ્રાઉન્ડનુ મહત્વપુર્ણ બની રહેશે.તેમજ અહીનો વોકીંગ-રનીંગ ટ્રેક સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓ માટેની શારીરિક કસોટીની પુર્વ તૈયારી માટે પણ યુવાનોને મદદરૂપ થશે.
***
ત્રી-દિવસીય મિલેટ એક્ષ્પો અને વિવિધ કાર્યક્રમો
ભારત સરકારે વર્ષ ૨૦૨૩ ને મિલેટનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રને દરખાસ્ત કરી હતી. ભારત દેશના પ્રસ્તાવને ૭૨ દેશોએ ટેકો આપ્યો હતો અને યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ ૫ માર્ચ, ૨૦૨૧ ના રોજ વર્ષ ૨૦૨૩ ને મિલેટ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું. જે અંતર્ગત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જામનગર શહેરના મહાનગરપાલિકા જાહેર મેદાન, શ્રીજી હોલ પાછળ, ઓશવાળ-૩, એમ્યુઝમેંટ પાર્ક ખાતે તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૦૩/૦૩/૨૦૨૪ સુધી સાંજે ૪.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી મિલેટ એક્સ્પો યોજવાનું નિર્ધારીત થયેલ છે.આ કાર્યક્રમમાં મિલેટ વાનગીઓના લાઇવ ફુડ સ્ટોલ, મિલેટ વાનગીઓના રેડી ટુ ઇટ્ સ્ટોલ, મિલેટ પાકની સામગ્રી, પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ ,હસ્તકલાના સ્ટોલ વગેરેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક તથા લોક સાહિત્ય કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયુ છે. સ્થળ ઉપર મિલેટના પાકોની માહિતી મળી રહે તે હેતુથી કૃષિ યુનિવર્સિટી તથા આયુર્વેદ વિભાગના પણ સ્ટોલનું આયોજન કરેલ છે.
***
જામનગર મહાનગર પાલિકા વિસ્તારના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમૂર્હત
મુખ્યમંત્રી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા રર પ્રકલ્પોના રૂ.૨૪૭.૩૨ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરનાર છે. જેમાં ૩૦ એમ.એલ.ડી.વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રેલ્વે ઓવર બ્રીજ, સમર્પણ સર્કલથી વિજયનગર જકાત નાકા પાસેથી લેન ઓવર બ્રીજ, જામનગર શહેરમાં નગર સીમ વિસ્તાર માટે નવો ફીલ્ટર પ્લાન્ટ, પમ્પ હાઉસ, ઈલેકટ્રો મીકેનીકલ વર્ક સમ્પ, સ્કાડા બેઈઝ સીસ્ટમ, ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ માટે નવીન ભવન, ૩૪ આંગણવાડીનું થીમ બેઈઝ સ્માર્ટ અને જોયફુલ આંગણવાડી તરીકે અપગ્રેડેશન, સ્માર્ટ સ્કુલ દેવરાજ દેપાળ તથા સોનલનગર પ્રાથમિક શાળાનું ડેવલોપમેન્ટ, ગુલાબનગર વિસ્તારમાં નેટવર્ક મજબુતીકરણ અને વિસ્તૃતીકરણના કામો, રોડ નેટવર્ક માટેના કામો, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે વિકાસ કામોનો સમાવેશ થાય છે.તદુપરાંત આગામી સમયમાં રૂ.૮૧.૮૪ કરોડના ખર્ચે નિર્મિત થનાર જામનગર બાયપાસ ફેઝ-૩ ની કામગીરીનું પણ મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
જ્યારે રુા.૨૦.૦૦ કરોડ ખર્ચે ૧૪ માં નાણાંપંચની ગ્રાંટ અંતર્ગત પંપ હાઉસ ખાતે ૨૭ એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટ અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, સ્ટોર રૂમ, ૭૪ લાખ તેમજ ૧૬૨ લાખ લીટર કેપેસીટીના - ૦૨ અન્ડર ગ્રાઉન્ડ સમ્પ તેમજ જ્ઞાન ગંગા ફીલ્ટર પ્લાન્ટ ખાતે ૪૦ એમ.એલ.ડી. ફીલ્ટર પ્લાન્ટને રીનોવેશન કરવાનું કામ તથા જામનગર શહેરની મધ્યમાં આવેલ ત્રણ દરવાજા તથા રણમલ લેઈકની ફરતે હેરીટેજ ઝરૂખા વગેરે કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech