મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાંસ્કૃતિક યોદ્ધાઓને પુરસ્કાર એનાયત

  • October 29, 2023 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિવિશેષને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સામાજિક દૂષણ સામેની લડાઈ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની હોવાનું પણ જણાવ્યું હતું. કેન્દ્રીય માહિતી કમિશનર અને જાણીતા લેખક, ઇતિહાસવિદ અને સેવ કલ્ચર ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરની પ્રોત્સાહક ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં રામમંદિરનું નિર્માણ, ૨૩૧ પ્રાચીન મૂર્તિઓને ભારત પરત લાવવી અને નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવાની દરખાસ્ત સહિતના પ્રયત્નો થકી શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યા છે. ત્યારે સંસ્કાર, સંસ્કૃતિ અને શીલના રક્ષણ માટે કાર્યરત યોદ્ધાઓના સન્માન માટે તેમણે યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ તથા સેવ કલ્ચર ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ અને સેવ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ ૮ વ્યક્તિવિશેષને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભારતીય સંસ્કૃતિના રક્ષક અને સંવર્ધક ગણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ રાજનીતિ અને રાજનેતાઓ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. તેમણે જણાવ્યું કે, ગુનેગારોને સજા અને પ્રામાણિકને પ્રોત્સાહન આપવાની શ્રી નરેન્દ્રભાઈની નીતિ રહી છે. વડાપ્રધાનશ્રીની છેવાડાના માનવી સુધી વિકાસના પરિણામો પહોંચાડવાની કાર્યપદ્ધતિને નાગરિકોએ વધાવી છે. એમ તેમણે ઉમેર્યું હતું.


તાજેતરમાં થયેલા જીએસટીના વિક્રમી કલેક્શનનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે તમામ ક્ષેત્રોમાં વિકાસલક્ષી વ્યાપક પરિવર્તનો કર્યા છે. જેના પરિણામે છેવાડાના માનવી સુધી આરોગ્ય અને શિક્ષણ જેવી માળખાગત સુવિધાઓ પહોંચી રહી છે. જેથી કોઈપણ વિકટ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પડખે હોવાનો અહેસાસ દેશવાસીઓ કરી રહ્યા છે. એમ તેમણે જણાવ્યું હતું.


યુવાનોને સદમાર્ગે આગળ વધારવાના સરકારના પ્રયાસમાં સાંસ્કૃતિક યોદ્ધાઓનો સતત સહયોગ મળી રહ્યો છે. તેનો આનંદ વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શીલ, સંસ્કૃતિ અને સદાચારની રક્ષા કરનારને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સહુ નાગરિકોને પણ સાંસ્કૃતિક યોદ્ધા બનવાનું આહવાન કર્યું હતું.


આજના અવસરે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વિશ્વને ભારતની અસ્મિતાની ઓળખ કરાવી દરેક ભારતીયમાં રાષ્ટ્રભાવના જગાવવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. સંયુક્ત કુટુંબ અને સમાજમાં એકતા એ આપણી સંસ્કૃતિ છે. જેની જાળવણી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં અસરકારક કામગીરી થઈ રહી છે. 


ડ્રગ્સ વિરોધી અભિયાનનો ઉલ્લેખ કરી શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના હજારો યુવાનોને ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરાવવાનું કામ રાજ્યના પોલીસ વિભાગે કર્યું છે. કાયદાની સાથે કાઉન્સેલિંગ થકી અનેક પરિવારોને વિખેરાતા બચાવાયા છે એમ તેમણે ઉમેર્યું હતું


શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સામાજિક દૂષણ સામેની લડાઈ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની છે. વાલીઓને અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, સંતાનોને ભૌતિક સુખ-સુવિધા અને મોંઘીદાટ વસ્તુઓ આપવાની સાથે સંસ્કાર આપી પોતાની ફરજ પ્રત્યે સભાન બનાવવા પણ જરૂરી છે. સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર દ્વારા અન્ય લોકોને પણ સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધનની પ્રેરણા મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.



આજના સમારોહમાં કેન્દ્રીય માહિતી કમિશનર શ્રી ઉદય માહુરકર, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી બાબુસિંહ જાદવ, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, જાણીતા આધ્યાત્મિક ગુરુ પરમાત્માનંદજી, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના સચિવ શ્રી અશ્વિની કુમાર, નાયબ સચિવ શ્રી કે.એસ.વસાવા સહિત આમંત્રીતો અને મોટી સંખ્યામાં સુજ્ઞ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application