યુધ્ધ વિરામના પ્રયાસો ફરી એકવાર સક્રિય: બંધકોની મુક્તિ મોટો પડકાર

  • October 20, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાઝામાં હોસ્પિટલ પર હુમલા બાદ મધ્ય પૂર્વમાં પાટા પરથી ઉતરેલી શાંતિ પ્રક્રિયાને પાટા પર લાવવાના પ્રયાસો ફરી એકવાર તેજ થઈ ગયા છે. યુદ્ધ વચ્ચે શાંતિ માટે સૌથી મોટો અવરોધ બંધકોની મુક્તિ છે. તેલ અવીવ પહોંચેલા બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ઈઝરાયલની સાથે ઊભા રહેવાની વાત કરી અને હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોના પરિવારજનોને પણ મળ્યા અને તેમનું દર્દ શેર કર્યું. સુનકે કહ્યું કે તે બંધકોને મુક્ત કરવા માટે ઇઝરાયેલ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.પોપ ફ્રાન્સિસે પણ ફરી એકવાર ગાઝામાં લડતા પક્ષોને માનવતાવાદી આપત્તિ ટાળવા માટે દરેક શક્ય પ્રયાસો કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું, ગાઝામાં પીડિતોની સંખ્યા વધી રહી છે અને સ્થિતિ નિરાશાજનક છે. યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. તેનાથી નફરત જ વધે છે.


યુરોપિયન સંસદ તરફથી પણ યુદ્ધવિરામનો પ્રસ્તાવ
ઇઝરાયેલ-ગાઝા યુદ્ધમાં માનવતાવાદી યુદ્ધવિરામ અંગેના બિન-બંધનકારી ઠરાવને યુરોપિયન સંસદમાં ભારે બહુમતી મળી છે. પ્રસ્તાવની તરફેણમાં 500 વોટ પડ્યા અને 21 સાંસદોએ તેનો વિરોધ કર્યો. આ પ્રસ્તાવમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો ઉલ્લેખ કરાયો છે. દરેક પ્રકારની મદદ જરૂરિયાતમંદ સુધી પહોંચવી જોઈએ. હમાસે તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ. ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સ્વ-બચાવનો અધિકાર છે.


લોકોની મુક્તિ માટે મધ્યસ્થી કરવા ભારતને અપીલ
સુનકે ગાઝામાં માનવતાવાદી સહાયનો માર્ગ ખોલવા બદલ ઇઝરાયેલની પ્રશંસા કરી છે. ઈજિપ્તની સરહદેથી ગાઝા સુધી મદદ પહોંચવાનું શરૂ થઈ ગયું છે. દરમિયાન ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને ગાઝામાં બંધક બનેલા ઇઝરાયેલના 200 થી વધુ લોકોની મુક્તિ માટે મધ્યસ્થી કરવા ભારતને અપીલ કરી છે. તેમજ ભારતીય પીએમ મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી અને હોસ્પિટલ પર હુમલામાં માર્યા ગયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application