જોડીયાના તારાણામાં નશાકારક પીણાની બોટલોમાં પાંચ સામે ગુનો દાખલ

  • June 26, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ દરોડો પાડી હર્બી પીણાંની બોટલો લેબમાં મોકલાઇ: સાધના કોલોનીમાં નશાકારક ૮૫૫ બોટલ સાથે એક ઝબ્બે: ગાગવાધારમાં હોટલમાંથી ૩૭૫ શંકાસ્પદ બોટલો કબ્જે: વિક્રેતાઓમાં ફેલાતો ફફડાટ

જામનગર શહેર, જીલ્લામાં હર્બી પીણાંની નશાકારક બોટલોનું વેચાણ થાય છે જે હકીકત આધારે જુદા જુદા વિસ્તારોમાં વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સાધના કોલોનીમાંથી ૮૫૫ બોટલ સાથે એક પકડાયો હતો, ગાગવાધર પાસે હોટલમાંથી શંકાસ્પદ ૩૭૪ બોટલ મળી આવી હતી, જયારે જોડીયા પોલીસે થોડા દિવસો પહેલા તારાણા નજીક દરોડો પાડીને નશાકારક કેફી પીણાની બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો જેને લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલ્યા બાદ રીપોર્ટમાં મનુષ્યવધ વિશ્ર્વાસઘાત અંગેની વિગતો સામે આવતા આ અંગે તારાણા અને રાજકોટના બે વેપારી તેમજ શંકાસ્પદ પીણુ બનાવનાર ત્રણ કંપની મળી કુલ પાંચ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેથી શંકાસ્પદ હર્બીપીણાની બોટલોનુ વેચાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જીલ્લામાંથી નશાકારક કેફી પ્રવાહીની બદીને નાબુદ કરવા અને આ દીશામાં અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી જે અનુસંધાને ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકી, ડીવાયએસપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા પેટ્રોલીંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાન ધ્રોલ સીપીઆઇ એમ.બી. ગજજરની સુચના મુજબ જોડીયા પીએસઆઇ આર.ડી. ગોહીલ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. વી.વી. બકુત્રાને ખાનગી રાહે હકીકત મળેલ કે જોડીયાના તારાણા નજીક મહેન્દ્રસિંહ જાડેજાની ભોગવટાની ગોકુલ હોટલમાંથી ગત તા. ૧૭-૧૧-૨૨ના રોજ નશાકારક કેફી પીણાની અલગ અલગ હરબી પીણાંની શંકાસ્પદ ૨૫૩ બોટલો કબ્જે લીધી હતી.
એ પછી આ બોટલોના એક એક સેમ્પલ પૃથકરણ માટે રાજકોટ એફએસએલ કચેરી ખાતે મોકલી આપ્યા હતા, જેનો રીપોર્ટ આવતા તમામ બોટલોમાં ઇથાઇલ આલ્કોહોલ તથા આઇસોપ્રોફાઇલ આલ્કોહોલ ઉમેરેલ હોવાનું જણાયુ હતું. જેથી મુળ પ્રોડકટસના નામે ગંભીર વિશ્ર્વાસઘાત નાગરીકો સાથે કરેલ છે તેમજ યુનાની ડ્રગ્સ અને મુળ સપોર્ટ પ્રોડકટના નામે તથા હર્બલ પીણાના નામે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કે જે અખાધ હોય જેનો ઉપયોગ કેમીકલ પ્રોડકટ તરીકે તથા હેન્ડ સેનેટાઇઝરમાં થતો હોય જે પીવાથી નાગરીકોને મૃત્યુ થવાની સંભાવના હોય જે જાણવા છતા ઉપરોકત પ્રોડકટ બનાવનાર કંપનીઓએ પોતાની પ્રોડકટમાં આલ્કોહોલ ઉમેરી બજારમાં હર્બી યુનાની પીણાના નામે છુટક વેચાણ કરતા હોય જેથી તેઓ વિરુઘ્ધ જોડીયા પીએસઆઇ આર.ડી. ગોહીલે સરકાર તરફે ફરીયાદ આપી હતી.
જેમાં તારાણા ગામના વેપારી મહેન્દ્રસિંહ ચનુભા જાડેજા, મેહુલ અરવિંદ જસાણી (દાવત બેવરીજીસની એજન્સી) મવડી ચોકડી રાજ રેસીડેન્સી બ્લોક નં. ૯૧ રાજકોટ તથા શંકાસ્પદ પીણુ બનાવનાર કંપની કેટી આયુર્વેદીક સરધાર મેઇન રોડ રાજકોટ, શ્રી આયુર્વેદીક હેલ્થકેર વડોદરા અને એ એમ.બી. ફાર્મા દાદરા એન્ડ નગરહવેલીની સામે જોડીયા પોલીસમાં આઇપીસી કલમ ૩૦૮, ૪૦૬ તથા ગુજરાત નશાબંધી અધીનીયમ કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને જાહેર અપીલ પોલીસ દ્વારા કરવામાં આવીછે કે આ પ્રકારના હર્બીપીણાની બોટલો એક પ્રકારનું કેમીકલ હોય જે લાંબા ગાળે મનુષ્ય ઉપયોગમાં લે તો જીવનને નુકશાન થઇ શકે છે જેથી નશાકારક પીણુ ન પીવા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત સીટી-એ ડીવીઝનના એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એસ. વાળા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સીટી-એ સ્ટાફના વિજય કાનાણી, રવિ શર્માને ચોકકસ બાતમી મળેલ કે શહેરના સાધના કોલોની બ્લોક નં. એલ-૨ રુમ નં. ૨૨૫૨માં રહેતો રાજેશ શાંતીલાલ વસીયર પોતાના બ્લોકની સામે આવેલ બ્લોક નં. એમ-૬ના ગ્રાઉન્ડ ફલોરમાં શંકાસ્પદ કેફી પીણુ રાખીને વેચાણ કરે છે.
જે હકીકત આધારે પોલીસે રેઇડ પાડી રાજેશ શાંતીલાલ વસીયરના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની હર્બલ ટોનીકની કુલ ૮૫૫ બોટલ કિ. ૧.૨૫.૦૭૫ સાથે દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત મેઘપર પડાણાના પીએસઆઇ વાય.બી. રાણા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ. જશપાલસિંહ જેઠવા, ભગીરથસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને સંયુકત રીતે બાતમી મળેલ કે ગાગવાધાર પાસે ગેઇટની સામે આવેલ બજરંગી હોટલ દુકાનમાં શંકાસ્પદ કેફી પીણુ વેચાણ થાય છે જેના આધારે દરોડો પાડીને મુંગણી ગામના વેપારી જયેન્દ્રસિંહ કરણસિંહ કંચવા (ઉ.વ.૨૯)ની હોટલમાં તપાસ કરતા નશાકારક પીણાની ૩૭૪ બોટલો કિ. ૫૨૭૦૦ મળી આવી હતી. વેચાણ બાબતે પુછતા પાસ પરવાના અથવા બીલ મળી આવ્યા ન હતા આથી સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો મળી આવેલી બોટલોમાં હર્બીગોલ્ડ અસાવા પેકીંગ ૪૦૦ એમએલ, દાદરાનગર હવેલીની ૨૦૪ બોટલ તથા જર્મીજેમ અસાવાની ૧૭૦ બોટલનો સમાવેશ થાય છે.
**
વિજરખી ડેમ પાછળ દેશી દારુની ભઠ્ઠી પર દરોડો
જામનગર નજીક મિયાત્રા ગામમાં રહેતા વનરાજસિંહ ઉમેદસિંહ કંચવા નામનો શખ્સ સપડાથી મિયાત્રા તરફ જતા રોડ ડેમની પાછળના ભાગે નદીના વહેણમાં દેશી દારુની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીના આધારે પંચ-એ પોલીસે દરોડો પાડીને ૧ લીટર ગરમ દારુ, ૨ લીટર તૈયાર દારુ અને ભઠ્ઠીના સાધનો તેમજ ૧૦ લીટર આથો મળી આવ્યો હતો જયારે આરોપી રેઇડ દરમ્યાન નાશી છુટયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application