કેન્સર વોરિયર્સએ ગરબે ઘૂમીને કેન્સરના જંગમાં જીતનો દર્શાવ્યો જુસ્સો

  • October 02, 2024 10:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્સરના રોગ અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં જોમ ભરવા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ક્લબ યુ.વી.ના સહયોગથી સંતશ્રી મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ‘કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ - ૨૦૨૪' યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્સર વોરિયર્સએ ગરબે ઘૂમીને જાણે કેન્સરને હરાવવા શક્તિનો શંખનાદ કર્યો હોય તેમ કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો હતો.


આ તકે સંતવર્ય પૂજ્ય શ્રી મોરારી બાપુએ કેન્સર વોરિયર્સ માટે કાર્યરત આ સંસ્થાને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, "સૌથી કઠોર ધર્મ એ માનવ સેવા અને તેની સારવારનો છે. આ ધર્મનું બખૂબી નિર્વાહન ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે, તેની પ્રસન્નતા વ્યક્ત કરું છું. કેન્સર વોરિયર દવા - સારવાર સાથેસાથે પોતાનું આત્મબળ અને પ્રાણબળ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું." પૂ. બાપુએ કેન્સર ઉપર લખાયેલા બંને પ્રેરણાત્મક પુસ્તકો એક 'વ્યસન કેન્સર' લાઇફ સ્ટોરી અને કીન્તસુંગી ટેલ્સ લોકાર્પિત કરીને સંસ્થાને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું.


આ કાર્યક્રમનું સંચાલન આર.જે. વિનોદે કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ જયેશભાઈ રાદડિયા અને ડો. દર્શિતાબેન શાહ, કલેક્ટરશ્રી પ્રભવ જોશી, શ્રી ભરતભાઈ બોઘરા સહિતના અગ્રણીઓ તેમજ સમગ્ર ગુજરાતમાંથી કેન્સર વોરિયર ભાઇઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.


અઠવાડીયામાં એક દિવસ કેન્સરગ્રસ્તોને આપવાની ઈચ્છા છે. : બ્લડ કેન્સર વોરિયર શ્રી મહેક પજવાણી


માત્ર પાંચ વર્ષની કુમળી વયે જેમને બ્લડ કેન્સરનું નિદાન થયું હતું, તેવી કેન્સર વોરિયર શ્રી મહેક પંજવાણી કહે છે કે અમદાવાદમાં સારવાર લીધા બાદ હાલમાં સંપૂર્ણપણે કેન્સર ક્યોર થઈ ગયું છે. એટલે 'કેન્સર એટલે કેન્સલ' એવી માન્યતાઓથી ભરમાવવું જોઈએ નહીં. કેન્સરપીડિત હોવાના લીધે શરૂઆતમાં શારીરિક તકલીફો સાથે સામાજિક સ્તરે પણ અલગાવનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે સમાજમાં કેન્સર અંગે જનજાગૃતિ કેળવાઉ છે. કેન્સર સામે યુદ્ધ લડતાં-લડતાં પરિવારના સહયોગથી ૧૨ સાયન્સ નીટની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. હાલમાં કેનકિડ્સ ગ્રુપ સાથે જોડાઈને કેન્સરના ઈલાજ માટે લોકોને જાગૃત કરી રહી છું. ત્યારે હવે અઠવાડીયામાં એક દિવસ કેન્સરગ્રસ્તોને આપવાની ઈચ્છા છે.


કેન્સરથી ડરવાને બદલે તેની સામે ઝઝુમીને કેન્સરને માત આપવી જોઈએ. : બ્રેસ્ટ કેન્સર વોરિયર શ્રી જયશ્રીબેન ડોબરીયા


મને કેન્સરનું નિદાન થયું, ત્યારે ખૂબ ચિંતા થઈ હતી. પરંતુ સારવાર લેવાની સાથેસાથે પરિવારના સહકારથી ધીરે-ધીરે જિંદગી ખુશીથી જીવવા લાગી. આવા સમયે સકારાત્મક વિચારો માનસિક સ્વાસ્થ્ય જાળવવા ખૂબ અસરકારક બને છે. ત્યારે એવું ચોક્ક્સપણે કહીશ કે કેન્સરથી ડરવાને બદલે તેની સામે ઝઝુમીને કેન્સરને માત આપવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News