પાકિટમાં પૈસા રહી શકશે? પેટીએમનું હવે શું થશે?

  • February 02, 2024 04:05 PM 

બરાબર બજેટના દિવસે જ વન ૯૭ કંપનીના શેરોમાં ૨૦ ટકા જેટલો કડાકો બોલી ગયો હતો અને તેમા લોઅર-સર્કિટ લાગી હતી. આ કંપની પેમેન્ટ ઍપ ’પેટીએમ’ અને ’પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિ.’નું સંચાલન કરે છે. કંપનીના શેરમાં કડાકો બોલવા પાછળ ભારતની મધ્યસ્થ બેન્ક આરબીઆઈ દ્વારા પેમેન્ટ્સ બેન્ક સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને જવાબદાર માનવામાં આવે છે. નવેમ્બર-૨૦૨૧માં કંપનીનો આઈપીઓ આવ્યો ત્યારે ૨૦૮૦થી ૨૧૫૦ ભાવથી શેરોની ફાળવણી કરવામાં આવી હતી અને ગુરુવારે કંપનીના શેરોનો ભાવ ૬૦૯ પર પહોંચી ગયો હતો. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ બુધવારે જાહેરખબર બહાર પાડી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૧ માર્ચથી પેટીએમ પેમેન્ટ્સ બેન્કને નવા ગ્રાહકો ન લેવા માટે જણાવવામાં આવ્યું છે. ઑડિટ રિપોર્ટ તથા એ પછી બાહ્ય ઑડિટરોના રિપોર્ટમાં નિયમોનું અનુપાલન થતું ન હોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે બેન્કની ઉપર વધારાનાં નિરીક્ષણાત્મક પગલાં લેવાની જરૂર ઊભી થઈ હતી. આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ -૧૯૪૯ની કલમ ૩૫-અ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરતા પેટીએમ પેમેન્ટ્સ બેન્કની સામે દિશાનિર્દેશ જાહેર કર્યાં હતાં. જે મુજબ તા. ૨૯મી ફેબ્રુઆરી પછી આ બેન્કના ખાતાઓમાં પૈસા જમા કરાવી નહીં શકાય. પહેલી માર્ચથી આ બેન્કના ગ્રાહકો પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોલેટ, ફાસ્ટેગ, એનસીએમસી કાર્ડ વગેરેમાં પૈસા જમા નહીં કરાવી શકે કે ટોપ-અપ નહીં કરાવડાવી શકે. જોકે, ગ્રાહકો તેમના સેવિંગ્સ બેન્ક ઍકાઉન્ટ, ચાલુ ખાતા, ફાસ્ટેગ, એનસીએમસી ઍકાઉન્ટમાં રહેલી જમા રકમનો અગાઉની જેમ જ ઉપયોગ કરી શકશે અને તેના ઉપર કોઈ પણ જાતનાં નિયંત્રણ લાદવામાં નથી આવ્યાં. જોકે પેટીએમ પેમેન્ટ્સ બેન્કનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું નથી. આ નિર્ણયથી જેમના અન્ય બેન્કોમાં ખાતા છે અને યુપીઆઈ મારફત પેમેન્ટ કરે છે તેમને કોઈ અસર થાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ જે લોકો પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં ખાતું ધરાવે છે અને તેના મારફત જે-તે જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરે છે તેમને અસર પડશે. વર્ષ ૨૦૧૦માં વિજય શેખર શર્માએ પેટીએમની સ્થાપના કરી હતી. એક સમયે તેમની ગણના દેશના સૌથી યુવા અબજોપતિમાં થતી હતી. ચીનના અબજોપતિ જેક મા અને જાપાનની કંપની સોફ્ટબેન્ક તેના પ્રારંભિક રોકાણકારોમાં હતા. વર્ષ ૨૦૧૫માં આરબીઆઈએ પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્મા સહિત ૧૦ લોકોને પેમેન્ટ બેન્ક બનાવવા માટેની અનુમતિ આપી હતી. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક ૨૦૧૬માં બનાવવામાં આવી હતી અને ૨૦૧૭ના માર્ચ મહિનાથી તેણે તેનું કામકાજ શરૂ કર્યું હતું. તેણે તેની પહેલી બ્રાન્ચ નોઈડામાં ખોલી હતી. પેટીએમ પેમેન્ટ્સ બેન્કની વેબસાઇટ અનુસાર તેના ૧૦ કરોડથી વધુ કેવાયસી વેરિફાઈડ ગ્રાહકો છે તથા તેણે ફાસ્ટેગના પણ ૮૦ લાખ લાખ યુનિટ ઇશ્યૂ કર્યા છે. તે એવો દાવો કરે છે કે તેના ૩ કરોડથી વધુ બેન્ક અકાઉન્ટ છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં ૨ લાખથી લધુ રકમ જમા કરાવી શકાતી નથી. વર્ષ ૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી એ પછી લોકોમાં પેટીએમનું પ્રચલન અસામાન્ય ગતિએ વધ્યું હતું. આમ છતાં કંપની ખોટ જ કરી રહી હતી. લિસ્ટિંગના જ દિવસે શેરના ભાવોમાં ઇસ્યુ-પ્રાઇસ કરતાં ૨૭ ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. નવેમ્બર-૨૦૨૨માં કંપનીના શેરના ભાવ રૂ. ૪૬૫ આસપાસ પહોંચી ગયા હતા, જે અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application