ધક્કામુક્કી...દેકારો...બુલડોઝર છુ... છતાં ડીમોલેશન

  • August 11, 2023 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાકાળી સર્કલથી રિંગરોડ સુધીની ૧૦ દુકાનો અને એક હોટલ પર જામ્યુકોનું બુલડોઝર: રસ્તો પહોળો કરવા માટે એસ્ટેટ શાખાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે પાડતોડ શરુ કરી: કેટલાક લોકોએ ઉગ્ર વિરોધ કરી એસ્ટેટ અધિકારી નિતીન દિક્ષીતને ગાળો આપી ધક્કે ચડાવ્યા: બુલડોઝરનો ડ્રાઇવર ચાલ્યો ગયો ત્યારે વધુ પોલીસ બંદોબસ્ત સાથે પાડતોડ કરાઇ

જામનગર શહેરમાં ફરીથી એસ્ટેટ શાખા દ્વારા પાડતોડની કામગીરી શરુ કરી દેવામાં આવી છે, મહાકાળી સર્કલથી રીંગ રોડ પર આવેલી ૧૦ જેટલી ગેરકાયદેસર દુકાન, અને એક હોટલ સહિત કેબીનો તોડવાની કામગીરી અગાઉ નકકી થઇ હતી, પરંતુ કેટલાક રાજકીય દબાણસર આ કાર્યવાહી થઇ ન હતી, પરંતુ આજે થોડી તોડપાડ થઇ ત્યાં જ ગેરકાયદે દુકાનો ધરાવનારાઓએ ટોળા સાથે મહાપાલિકાના એસ્ટેટ અધિકારી નિતીન દિક્ષીતને ધક્કે ચડાવ્યા હતા, એટલું જ નહીં ગાળાગાળી પણ કરી હતી, એવા અરસામાં બુલડોઝરનો ડ્રાઇવર બુલડોઝર મુકીને ભાગી જતા થોડો સમય કામગીરી અટકી હતી, પરંતુ વધુ પોલીસ આવી જતાં હથોડાથી તોડપાડ શરુ કરાઇ હતી, મ્યુ. કમિશ્નરે તાત્કાલિક અસરથી બીજુ જેસીબી મંગાવીને કોઇપણ ભોગે આ તોડપાડ કરવાની રહેશે એવો સ્પષ્ટ આદેશ આપ્યા બાદ મહાપાલિકાનું જેસીબી આવી ગયું હતું અને આ લખાય છે ત્યારે ૧ર.૪૫ વાગ્યે મજબુત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડપાડની કામગીરી પૂર્ણ થઇ હતી.
આખરે મ્યુ.કમિશ્નરના આદેશથી આજે સવારે મહાકાળી સર્કલથી રીંગ રોડ પર રસ્તો પહોળો કરવા માટે રસ્તાની વચોવચ બની ગયેલી ૧૦ દુકાન અને એક હોટલની કામગીરીની પાડતોડની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી,  આ તોડપાડ સમયે થોડીવારમાં તો લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને અમો કોઇપણ ભોગે અમારી દુકાન અને હોટલ તોડવા નહીં દઇએ તેમ કહીને ગાળો બોલવાનું શરુ કર્યું હતું, એસ્ટેટ અધિકારી નિતીન દીક્ષીતને પણ ધક્કે ચડાવ્યા હતા અને પોલીસનો કાફલો વધુ આવી જતાં આ તમામને ત્યાંથી દૂર કરાયા હતા.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી એસ્ટેટ શાખાના નિતીન દિક્ષીત, સુનીલ ભાનુશાળી અને યુવરાજસિંહ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મહાકાળી સર્કલથી રિંગ રોડ ઉપરની દુકાનો તોડવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી, આ સમયે કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બુલડોઝરની સાથે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ થોડા છમકાલ પણ થયા હતા.
રીંગ રોડને પહોળો કરવાની કામગીરીમાં આ તમામ દુકાનો અડચણરુપ હતી તે દુકાનોને તોડવાની કામગીરી શરુ કરી દેવામાં આવતાં દબાણકારોમાં ભારે ફફડાટની લાગણી જન્મી છે, હજુ આ રસ્તા ઉપર અનેક દબાણો આવેલા છે આ દબાણો પણ ઝડપથી દુર થાય તે માટે કોર્પોરેશને વિચારવાની જરુર છે, ટુંકમાં આજે ૧૦ દુકાનો અને એક હોટલનું ડીમોલીશન શરુ થયું છે જે બપોરે બે વાગ્યા સુધીમાં આ કામગીરી પૂરી પણ થઇ જશે, બબાલ બાદ કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી હતી અને પોલીસનો વધુ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, આ લખાય છે ત્યારે વાતાવરણમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી, મહાપાલિકાના અધિકારીઓએ કોઇપણ ભોગે આ બાંધકામ તોડવા નક્કી કર્યું છે ત્યારે રીંગરોડ પહોળો કરવાની બાબતમાં કોર્પોરેશન ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેશે અને આગામી દિવસોમાં કેટલીક દુકાનો અને હોટલ તોડી નાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application