કાલાવડમાં ત્રણ દિવસ માટે ભાતીગળ લોકમેળો યોજાશે

  • September 03, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવપુર-રણુજામાં આગામી ૧૨મી સપ્ટેમ્બરથી આયોજન


જામનગર તા ૩, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ દેવપુર (નવા રણુજા) માં આગામી તા ૧૨મી સપ્ટેમ્બરથી ૩ દિવસ (નોમથી અગિયારસ) માટે  લોકમેળાનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનો કાલાવડ સહિત ના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઈંતજાર હતો, જે મેળા ના ધંધાર્થીઓએ ૬ સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ જમા કરાવવાની રહેશે.


આ વર્ષે ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટ સહીતના લોકમેળાઓ જન્માષ્ટમીના પર્વ પર મોકૂફ રહ્યા હતાં, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના લાખો લોકો મેળા માણવાની મોજથી વંચિત રહ્યા હોય, જેને કારણે વિવિધ ગ્રામ્ય વિસ્તારોના લોકમેળાઓ અંગે લોકોમાં ભારે ઉતેજનાઓ જોવા મળી રહી છે.


આગામી ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસના ૩ દિવસ માટે તા. ૧૨ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન, કાલાવડ તાલુકાના વોડીસાંગ દેવપુર ગામે નવા રણુંજાના લોકમેળાઓ યોજાનાર હોય, અત્યારથી સમગ્ર કાલાવડ તાલુકામાં આ લોકમેળાઓને લઈ લોકોમાં અને ધંધાર્થીઓમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. જે ધંધાર્થીઓ આ લોકમેળાઓમાં ધંધો કરવા ઈચ્છતા હોય તેઓ પાસેથી તા. ૬ સપ્ટેમ્બર સુધીમાં વોડીસાંગ દેવપુર ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.


આ લોકમેળાઓ માટે જે અરજદાર ધંધો કરવા ઈચ્છતા હોય તેઓ જ અરજી કરી શકશે, લોકમેળાઓમાં જગ્યાઓ માટેની હરરાજી તથા ડ્રો તા. ૮મી એ મામલતદાર કચેરીએ મીટિંગ હોલમાં સવારે અગિયાર વાગ્યે યોજાવાની છે. જગ્યાઓ માટેના અરજી ફોર્મ સાથે ધંધાર્થીઓએ વિવિધ લાયસન્સ માટેની અરજીઓ અલગથી કરવાની રહેશે. આ લોકમેળાઓના પાર્કિંગ પ્લોટ અને યાંત્રિક પ્લોટ વગેરેના ભાડાં પેટે પંચાયતને સારી એવી રકમ મળશે એમ માનવામાં આવે છે કારણ કે, વિવિધ પ્લોટસના ભાડાંની અપસેટ પ્રાઈઝ સારી એવી રાખવામાં આવી હોવાનું આ માટેની જાહેરાત પરથી દેખાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application