વધુ જેલ થવાની ચિંતામાં બેડીના યુવાનનો આપઘાત

  • October 19, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંગણીમાં પાણીમાં ડુબી જતા માછીમારનું મૃત્યુ : જામનગરમાં વિજશોક લાગતા શ્રમિકનું મોત : નાગરચકલામાં બિમારીમાં વૃઘ્ધનો ભોગ લેવાયો



જામનગરના બેડીમાં રહેતા યુવાન સામે કેસ નોંધાયો હોય જેમાં વધુ જેલ થવાની ચિંતામાં સિકકા ખાતે ગળાફાંસો ખાઇ લેતા સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું, જયારે નાગાણી સરમતના માછીમારનું પાણીમાં ડુબી જતા મૃત્યુ થયુ હતું, જામનગરમાં આયુર્વેદ હોસ્પીટલ ખાતે કામ કરતા શ્રમીકનું વિજશોકથી મૃત્યુ થયું છે અને નાગરચકલાના વૃઘ્ધનો બિમારીમાં ભોગ લેવાયો છે.



જામનગરના બેડી વાઘેરવાડામાં રહેતા આદમભાઇ મામદભાઇ લો (ઉ.વ. 35) નામના યુવાન પર છેડતીનો કેસ થયેલ હોય અને વધુ જેલ થવાના ટેન્શનમાં હોય દરમ્યાન આ બાબતે લાગી આવતા ગઇકાલે સિકકા હાઉસીંગ બોર્ડ ખાતે તેમના સાસુના ઘરે ગળાફાંસો ખાઇ લેતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.



આ બનાવની જાણ બેડીમાં રહેતા હુશેન ઉર્ફે દાઉદભાઇ મામદભાઇ વાઘેર દ્વારા સિકકા પોલસમાં કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે પ્રાથમિક વિગતો જાણી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



સિકકાના નાગાણી સરમત ગામમાં રહેતા જુસબભાઇ અબ્દુલભાઇ રેલીયા ગઇકાલે સિકકા ગામથી માછીમારી કરવા માટે ગયા હતા, દરમ્યાન મુંગણી થર્મલ પાવર પ્લાન્ટની બાજુમાં કોઇપણ કારણસર પાણીમાં ડુબી જતા તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે ઓસમાણભાઇ રેલીયા દ્વારા સિકકા પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



ત્રીજા બનાવમાં હાલ ત્રિમંદીર પાસે રહેતા અને મુળ એમ.પી.ના આંબાફળીયાના વતની જંગલીયા ઉર્ફે જગો નુ ડાવર (ઉ.વ.19) નામના શ્રમિક યુવાન ગઇકાલે આયુર્વેદીક હોસ્પીટલ ખાતે મજુરી કામ કરતા હતા ત્યારે ઇલેકટ્રીક શોક લાગતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે પટેલ કોલોનીમાં રહેતા સિવીલ એન્જીનીયર જયેશભાઇ કાચા દ્વારા સીટી-બી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.



ચોથો બનાવમાં જામનગરના હવાઇચોક વિસ્તારમાં આવેલ નાગરચકલામાં રહેતા હરીશભાઇ વસંતભાઇ ગણાત્રા (ઉ.વ.66)ને ડાયાબીટીસની બિમારી હોય અચાનક તબિયત બગડતા જી.જી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયુ હતું, આ અંગે તુષારભાઇ ગણાત્રાએ સીટી-એમાં જાણ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application