ભાણવડ નજીક કાર અથડાતા બેંગ્લોરના મહિલાનું મૃત્યુ

  • May 15, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનો પરિવાર દર્શનાર્થે જતા અકસ્માત નડયો : અન્યને ઇજા

જામનગરની સાધના કોલોની વિસ્તારમાં રહેતા દીપેનભાઈ અમૃતલાલભાઈ ઢગાઈ નામના ૫૦ વર્ષના યુવાન તથા તેમના પરિવારજનો વેકેશન હોવાથી જી.જે. ૩ ઈ.આર. ૮૨૯૫ નંબરની એક સ્વીફ્ટ મોટરકાર લઈને ભાણવડ નજીક આવેલા હાથલા ગામે શનિદેવના મંદિરે દર્શન કરવા માટે શનિવારે સવારે નીકળ્યા હતા.
આ મોટરકાર ચલાવતા તેમના નાનાભાઈ નિલેશભાઈ તેમજ કારમાં જઈ રહેલા દીપેનભાઈના પત્ની રાધિકાબેન, પુત્રી પલક (ઉ.વ. ૧૩), પુત્ર આદિત્ય (ઉ.વ. ૧૧) તથા બેંગ્લોર ખાતે રહેતા તેમના બહેન દક્ષાબેન નલિનકુમાર આસર (ઉ.વ. ૪૯) અને તેમની ૨૦ વર્ષની પુત્રી સ્મિતા સાથેની આ મોટરકાર જ્યારે ભાણવડથી આશરે ૧૪ કિલોમીટર દૂર ધારાગઢ ગામના પાટીયાથી આગળ પહોંચી, ત્યારે કારચાલક નિલેશભાઈએ પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ મોટરકાર રોડની એક સાઇડ ઊતરી અને વીજપોલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થવાના કારણે દક્ષાબેન નલિનકુમાર આસરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે દીપેનભાઈ ઢગાઈને સાથળના ભાગે ફેક્ચર તેમજ કારચાલક નિલેશભાઈને ખંભાના ભાગે સામાન્ય ઈજાઓ તથા અન્ય પરિવારજનોને પણ નાની-મોટી ઇજાઓ થવાના કારણે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ દીપેનભાઈ અમૃતલાલભાઈ ઢગાઈની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે કારચાલક નિલેશભાઈ અમૃતલાલભાઈ ઢગાઈ (ઉ.વ. ૩૬) સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application