સુરજકરાડીની મહિલાના આપઘાત પ્રકરણમાં આરોપી પતિના જામીન મંજૂર

  • May 30, 2023 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકામાં રહેતા શારદાબેન ધીરુભાઈ તાવિયાની પુત્રી અસ્મિતાબેનના લગ્ન થોડા સમય પૂર્વે બોટાદ તાલુકાના લાઠીદડ ખાતે રહેતા મનસુખભાઈ ઓધવજીભાઈ ચૌહાણ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને સંતાનમાં ચાર વર્ષનો એક પુત્ર હતો.
આ પ્રકરણમાં અસ્મિતાબેનને લગ્નજીવન દરમિયાન તેણીના સાસુ તથા નણંદ દ્વારા વાતવાતમાં મેણા ટોણા મારી, દુ:ખ-ત્રાસ આપવામાં આવતા અસ્મિતાબેન અગાઉ રિસામણે ગઈ હતી. જ્યાંથી સમાધાન કરીને તેણીને સાસરે તેડી લાવવામાં આવી હતી. આ પછી પતિ મનસુખભાઈને શિક્ષક તરીકેની સરકારી નોકરી મળી જતા થોડા સમયથી ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા હતા.
અહીં અસ્મિતાબેનને તેનો પતિ કહેતો હતો કે, મને સરકારી નોકરી મળી ગઈ છે. તું તારા ઘરે જતી રહે અથવા મરી જાય. મારે તારી સાથે રહેવું નથી. આ પ્રકારના દુ:ખત્રાસ અને મારકૂટથી કંટાળીને અસ્મિતાબેનને ગત તારીખ ૨૬ માર્ચ ૨૦૨૩ ના રોજ પોતાના ગળે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગે મૃતકના માતાએ મીઠાપુર પોલીસ મથકમાં આરોપી પતિ મનસુખભાઈ તેમને માતા તથા બહેન વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬ તથા સ્ત્રી અત્યાચાર વિગેરેની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે પોલીસે આરોપી મનસુખભાઈ ઓધવજીભાઈ ચૌહાણની અટકાયત કરી હતી. બાદમાં તેમને જામનગર જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં આરોપી અરજદારે જામીન ઉપર મુક્ત થવા માટે દ્વારકાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતાં આ પ્રકરણમાં આરોપીના વકીલ જીતેન્દ્રભાઈ હિંડોચાની દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપીને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application