સિરીઝ દરમિયાન જાહેરાત કે વ્યક્તિગત શૂટ પર પ્રતિબંધ, પ્રેક્ટિસ ફરજિયાત કરવી પડશે, જાણો BCCIના ખેલાડીઓ પર 10 કડક નિયમ

  • January 17, 2025 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3-1થી ટેસ્ટ સિરીઝની હાર અને ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં મતભેદના અહેવાલો બાદ BCCIએ ગઈકાલે રાત્રે ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં ટીમમાં અનુશાસન અને એકતા બનાવવા માટે 10 નવા નિયમો બનાવવામાં આવ્યા છે. બોર્ડે અંગત સ્ટાફ અને ખેલાડીઓના પરિવારજનોની હાજરી પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ખેલાડીઓ સિરીઝ અથવા પ્રવાસ દરમિયાન વ્યક્તિગત ફોટોશૂટ કરી શકશે નહીં.

માર્ગદર્શિકાનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહીની ચેતવણી
બોર્ડે તમામ ખેલાડીઓને ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી છે. એટલું જ નહીં, જો નિયમોનું પાલન નહીં થાય તો શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જો કોઈ ખેલાડી આમાંથી કોઈપણ સૂચનાનું પાલન કરવામાં સક્ષમ ન હોય તો તેણે સિલેક્શન કમિટીના અધ્યક્ષ અને મુખ્ય કોચની પરવાનગી લેવી પડશે.

જો કોઈ ખેલાડી નિયમોનો ભંગ કરશે તો બોર્ડ તેને ટૂર્નામેન્ટ, સિરીઝ અને IPLમાં પણ રમવાની પરવાનગી નહીં આપે. આ સિવાય બોર્ડ ખેલાડીઓનો પગાર અને કરાર પણ ખતમ કરી શકે છે.

આ રહ્યા 10 કડક નિયમો


1. પરિવાર સાથે મુસાફરી કરી શકશે નહીં
સમગ્ર પ્રવાસ દરમિયાન ખેલાડીઓ પરિવાર અને પત્નીઓ સાથે પ્રવાસ કરી શકશે નહીં. આ નિયમ ખાસ કરીને વિદેશ પ્રવાસ પર વધુ કામ કરશે, જેથી ખેલાડીઓના પ્રદર્શનને અસર ન થાય. 45 દિવસથી ઓછા સમયની ટુર માટે, પરિવારો અને પત્નીઓ 7 દિવસ સુધી સાથે રહી શકશે. જો કોઈ ખેલાડીએ તેના પરિવાર સાથે અથવા અલગથી પ્રવાસ કરવો હોય તો મુખ્ય કોચ અને સિલેક્શન કમિટીનાં અધ્યક્ષની મંજૂરી લેવી પડશે.


2. વધારે સામાન લઈ જઈ શકશે નહીં

  1. ખેલાડીઓ પ્રવાસમાં વધુ સામાન લઈ જઈ શકશે નહીં. જો ખેલાડીના સામાનનું વજન વધારે હશે તો તેણે પોતે જ તેની કિંમત ચૂકવવી પડશે. બોર્ડે વજન અને સામાન માટે અલગ ગાઇડલાઇન પણ જાહેરકરી છે.
  2. લાંબી સફર (30 દિવસથી વધુ) ખેલાડીઓ: 5 પીસ (3 સૂટકેસ + 2 કીટ બેગ) અથવા 150 કિલો સપોર્ટ સ્ટાફ: 2 પીસ (2 મોટી + 1 નાની સૂટકેસ) અથવા 80 કિલો
  3. ટૂંકા પ્રવાસો (30 દિવસથી ઓછા) ખેલાડીઓ: 4 પીસ (2 સૂટકેસ + 2 કીટ બેગ) અથવા 120 કિલો સપોર્ટ સ્ટાફ: 2 પીસ (2 સૂટકેસ) અથવા 60 કિલો
  4. હોમ સિરીઝ ખેલાડીઓ: 4 પીસ (2 સૂટકેસ + 2 કીટ બેગ) અથવા 120 કિલો સપોર્ટ સ્ટાફ: 2 પીસ (2 સૂટકેસ) અથવા 60 કિલો


3. ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જરૂરી રહેશે
ભારતીય ટીમના ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમવું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ટીમની પસંદગી માટે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટના પ્રદર્શનને આધાર ગણવામાં આવશે. જો કોઈ ખેલાડી કોઈ કારણસર ડોમેસ્ટિક ક્રિકેટ ન રમે તો તેની જાણકારી બોર્ડને આપવાની રહેશે. તેમજ સિલેક્શન કમિટીનાં અધ્યક્ષની મંજૂરી લેવી પડશે.


4. સેન્ટર ઓફ એક્સેલન્સને અલગથી માલ મોકલવો
તમામ ખેલાડીઓએ બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં ટ્રેનિંગ કેપ દરમિયાન સામાન અથવા અંગત વસ્તુઓ મોકલવા માટે ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કરવો પડશે. જો કોઈ વસ્તુ જુદી જુદી રીતે મોકલવામાં આવે છે. ત્યારે ખેલાડીએ વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે.


5. પ્રેક્ટિસ સેશનમાં હાજર રહેવું ફરજિયાત
હવે દરેક ખેલાડીએ પ્રેક્ટિસ સેશનમાં હાજર રહેવું પડશે. કોઈપણ પ્રેક્ટિસ સેશન વહેલું છોડી શકશે નહીં. સિરીઝ અથવા ટુર્નામેન્ટ દરમિયાન વ્યક્તિએ ટીમ સાથે બસ દ્વારા એક સ્થળથી બીજા સ્થળે મુસાફરી કરવાની રહેશે. બોર્ડે ખેલાડીઓ વચ્ચે બોન્ડિંગ માટે આ નિયમ બનાવ્યો છે.


6. કોઈપણ પ્રવાસ અથવા સિરીઝમાં કોઈ અંગત સ્ટાફ હશે નહીં
ખેલાડીનો અંગત સ્ટાફ ( જેમ કે પર્સનલ મેનેજર, શેફ, આસિસ્ટેન્ટ્સ અને સિક્યોરિટી) કોઈપણ શ્રેણી કે પ્રવાસમાં જશે નહીં. જ્યાં સુધી આ માટે બોર્ડ પાસેથી મંજૂરી લેવામાં ન આવે.


7. વિદેશ પ્રવાસમાં પરિવારને વધુ સમય મળતો નથી
જો કોઈ ખેલાડી 45 દિવસ વિદેશ પ્રવાસ પર રહે છે, તો તેની પત્ની અને 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક તેની સાથે સિરીઝમાં 2 અઠવાડિયા સુધી રહી શકે છે. આ સમયગાળા દરમિયાન તેના રોકાણનો ખર્ચ BCCI ઉઠાવશે, પરંતુ બાકીનો ખર્ચ ખેલાડીએ ઉઠાવવો પડશે.


8. કોઈપણ ખેલાડી જાહેરાત કરી શકશે નહીં
સિરીઝ અને પ્રવાસમાં કોઈપણ ખેલાડીને વ્યક્તિગત રીતે શૂટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન કોઈપણ ખેલાડી જાહેરાત કરી શકશે નહીં. બોર્ડે આ નિર્ણય એટલા માટે લીધો છે કે ખેલાડીઓનું ધ્યાન ભટકી ન જાય.


બીજી તરફ, કોચ અને કેપ્ટન સાથે ચર્ચા કર્યા પછી જ કોઈ પણ વ્યક્તિ (પરિવાર અથવા અન્ય) ફાઇનલ તારીખે ખેલાડી પાસે આવી શકે છે. આ સમય દરમિયાન જો કોઈ ખેલાડી નિયમોનો ભંગ કરશે તો તેના માટે કોચ, કેપ્ટન અને જીએમની કામગીરી જવાબદાર રહેશે. સમયમર્યાદા પછીનો ખર્ચ ખેલાડી પોતે ઉઠાવશે.


9. ઓફિશિયલ શૂટ અને ફંક્શનમાં ભાગ લેવો પડશે
દરેક ખેલાડીએ બીસીસીઆઈના ઓફિશિયલ શૂટ, પ્રમોશન અને અન્ય કોઈપણ કાર્યક્રમોમાં ભાગ લેવો પડશે. રમતગમતને પ્રોત્સાહન આપવા અને હિતધારકોના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


10. સિરીઝ પૂરી થયા પછી ખેલાડીઓ વહેલા ઘરે આવી શકશે નહીં
દરેક ખેલાડીએ પ્રવાસના અંત સુધી ટીમ સાથે રહેવું પડશે. સિરીઝ વહેલી પૂરી થાય તો પણ ખેલાડીએ ટીમ સાથે રહેવું પડશે. દરેક ખેલાડી નિર્ધારિત તારીખે ટીમ સાથે પરત ફરશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ખેલાડી વહેલા ઘરે જઈ શકશે નહીં. ટીમ બોન્ડિંગ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application